અમદાવાદમાં જમીનનો સૌથી મોટો સોદો! હવે બનાવાશે દેશનો સૌથી મોટો લુલુ મોલ, સ્ટેમ્પ ડ્યુટીની કિંમત સાંભળીને ચોંકી જશો
અમદાવામાં અત્યાર સુધીનો સૌથી મોટો જમીનનો સોદો થયો છે અને વેચાણ દસ્તાવેજની 31 કરોડ રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી ભરવામાં આવી છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં 66168 ચોરસમીટર જમીનનો પ્લોટ લુલુ ઇન્ટરનેશનલ શોપિંગ મોલ્સ પ્રાઈવેટ લિમિટેડને 519.43 કરોડમાં વેંચવામાં આવ્યો છે અને સરકારને સ્ટેમ્પ ડ્યુટીની 31કરોડની આવક થઇ છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર ઓફિસના પરિસરમાં આવેલી સાબરમતી સબ-રજિસ્ટ્રાર ઓફિસમાં આ વેચાણ દસ્તાવેજની નોંધણી કરવામાં આવી હતી.
સાબરમતી સબ-રજિસ્ટ્રાર ઓફિસના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ અમદાવાદ શહેરમાં અત્યાર સુધી નોંધાયેલો સૌથી મોટો જમીન વેચાણ દસ્તાવેજ છે, જેનાથી સ્ટેમ્પ ડ્યુટીની આવક પણ સૌથી વધુ થઈ છે. રાજ્યના મહેસૂલ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, “ભૂતકાળમાં, અમદાવાદ શહેરમાં રૂ. 300 કરોડથી રૂ. 400 કરોડ સુધીના વેચાણ દસ્તાવેજ નોંધાયા છે, પરંતુ રૂ. 500 કરોડથી વધુના જમીન સોદા માટે ક્યારેય દસ્તાવેજ થયો નથી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ચાંદખેડામાં એસપી રિંગ રોડ પરના પ્લોટને રૂ. 76,000 પ્રતિ ચોરસ મીટરના મૂળ ભાવે ઓનલાઈન હરાજી માટે મૂક્યો હતો અને લુલુ ઇન્ટરનેશનલ શોપિંગ મોલ્સ પ્રાઇવેટ લિમિટેડે રૂ. 78,500 પ્રતિ ચોરસ મીટરની મહત્તમ રકમ બોલી લગાવીને જીત મેળવી હતી.
હવે આ પ્લોટ ઉપર લુલુ મોલ બનાવવાની યોજના છે. આ મોલ દેશનો સૌથી મોટો મોલ હશે તેવો દાવો પણ કરવામાં આવ્યો છે. ૪૦૦૦ કરોડના ખર્ચે બનનારો આ મોલ ૩.૫૦ લાખ ફૂટ બાંધકામ ધરવતો હશે. કંપની બેંગલુરુ, કોઈમ્બતુર, હૈદરાબાદ, કોચી, લખનૌ અને તિરુવનંતપુરમમાં લુલુ મોલ ધરાવે છે.
