કલ્પના કરતાં પણ મોટી સજા મળશે…આતંકીઓને વડાપ્રધાન મોદીની ચેતવણી
પહેલગામ આતંકવાદી હુમલા પછી, ગુરુવારે બિહાર પ્રવાસે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મધુબનીમાં સંબોધન કરીને દેશ અને દુનિયાને સંદેશ આપ્યો હતો કે આતંકવાદને મૂળમાંથી નાબૂદ કરવાનો સમય આવી ગયો છે. મોદીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે દેશના દુશ્મનોએ ભારતની આત્મા પર હુમલો કરવાની હિંમત કરી છે. હું સ્પષ્ટપણે કહી રહ્યો છું કે જે આતંકવાદીઓએ આ હુમલો કર્યો હતો અને જેમણે કાવતરું કર્યું છે તેમને કલ્પના કરતાં પણ મોટી સજા મળશે.
હવે સમય આવી ગયો છે કે આતંકવાદીઓની બાકી રહી ગયેલા પાયાને પણ જમીનદોસ્ત કરી દેવાશે. વડાપ્રધાને એક કાર્યક્રમને સંબોધન કરીને દેશવાસીઓને બદલાનું વચન આપ્યું હતું. પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓની હત્યા કરનારા આતંકવાદીઓને ખતમ કરવાના સોગંધ સાથે, મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વિના કડક ચેતવણી આપી હતી. એમણે આ વાત માત્ર હિન્દીમાં જ નહીં પરંતુ અંગ્રેજીમાં પણ પુનરાવર્તિત કરી હતી જેનો સીધો અર્થ એ છે કે વડાપ્રધાન દેશ તેમજ વિશ્વને પોતાનો સંદેશ પહોંચાડવા માંગતા હતા.
વડાપ્રધાને પહેલગામમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપીને પોતાનું ભાષણ શરૂ કર્યું હતું અને સભામાં હાજર લોકોએ પણ વડાપ્રધાન સાથે બે મિનિટનું મૌન પાળીને મૃતકોને શ્રધ્ધાંજલિ અર્પિત કરી હતી. એમણે વધુમાં કહ્યું હતું કે 140 કરોડ ભારતીયોની ઇચ્છાશક્તિ દ્વારા આતંકવાદીઓ અને આતંકના માસ્ટર્સની કમર તૂટી જશે. નિશસ્ત્ર પર્યટકો પર આતંકીઓએ નિર્દય બનીને હુમલો કર્યો હતો અને તેમાં કોઈએ પોતાના ભાઈ તો કોઈએ પતિ ગુમાવ્યા છે. આજે માનવતામાં વિશ્વાસ કરનાર દરેક વ્યક્તિ અને દેશ આપણી સાથે જ છે. આતંકને આશરો આપનારાની હવે ખેર નથી.