ગ્રુપ સ્ટેજમાં ટીમ ઈન્ડિયા રહી ‘અજેય’: T20 વર્લ્ડ કપ 2026 માટે સુપર 8નું ચિત્ર સ્પષ્ટ, જાણો મેચ ક્યારે અને ક્યાં યોજાશે, વાંચો શેડ્યૂલ
ભારતીય ટીમે ટી-20 વર્લ્ડકપ-2026માં પોતાની અંતિમ લીગ મેચ પણ જીતી લીધી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભારતનો મુકાબલો નેધરલેન્ડ સામે થયો હતો જેને ભારતે 17 રને પોતાના નામે કર્યો હતો. ટોસ જીત્યા બાદ ભારતીય ટીમે છ વિકેટે 193 રન બનાવ્યા હતા. જવાબમાં નેધરલેન્ડે સારી બેટિંગ કરી પરંતુ સાત વિકેટે 176 રન જ બનાવી શક્યું હતું. ભારતે ગ્રુપ-એમાં પોતાની તમામ મેચ જીતી અને ટોચ પર રહી હતી. જ્યારે નેધરલેન્ડને માત્ર એક જ જીત મળી હતી. ટી-20 વર્લ્ડકપમાં ભારત છેલ્લી 12 મેચથી ‘અજેય’ છે. 2026 T20 વર્લ્ડ કપ માટે સુપર 8 હવે સંપૂર્ણપણે સ્પષ્ટ છે. ભારત દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ સુપર 8 મેચ રમશે. ચાલો અન્ય ટીમોની મેચો પર એક નજર કરીએ. સુપર 8 માં પાકિસ્તાન કોની સાથે રમશે?
ભારતીય ટીમે ટી-20 વર્લ્ડકપ-2026માં પોતાની અંતિમ લીગ મેચ જીતી
ટીમ ઈન્ડિયાને મેચના ત્રીજા બોલે અભિષેક શર્માના રૂપમાં ઝટકો લાગ્યો હતો. અભિષેક આ વર્લ્ડકપની સળંગ ત્રીજી ઈનિંગમાં ખાતું ખોલાવી શક્યો ન્હોતો. ઈશાન કિશને તિલક વર્મા સાથે બીજી વિકેટ માટે 23 બોલમાં 39 રનની ભાગીદારી કરી હતી. ઈશાન 7 બોલમાં 18 રન બનાવી આઉટ થયો હતો. તિલકે કેપ્ટન સૂર્યકુમાર સાથે ત્રીજી વિકેટ માટે 30 રન ઉમેર્યા હતા. તિલકે ચાર બાઉન્ડ્રી સાથે 31 રન બનાવ્યા હતા.
વેધક બોલિંગ સામે બેટર ટૂંકા પડયા
ભારતીય ટીમે 69ના સ્કોરે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી સૂર્યા અને શિવમ દૂબેએ ચોથી વિકેટ માટે 27 બોલમાં 41 રન બનાવી ટીમને 110 રનના સ્કોરે પહોંચાડી હતી. સૂર્યા 28 બોલમાં 34 રન બનાવી આઉટ થયો હતો. ત્યારપછી શિવમ દૂબેએ હાર્દિક પંડ્યા સાથે મળી પાંચમી વિકેટ માટે 35 બોલમાં 76 રન ઉમેરી ભારતને વિશાળ સ્કોર સુધી પહોંચાડયું હતું. શિવમ દૂબેએ માત્ર 25 બોલમાં ફિફટી બનાવી હતી. તેણે 31 બોલમાં છ છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી 66 રન બનાવ્યા હતા. પંડયાએ 31 બોલમાં 30 રન બનાવ્યા હતા. નેધરલેન્ડે શરૂઆત ધીમી કરી હતી જે છેવટ સુધી તેને નડી હતી. ભારતીય બોલરો વરુણ ચક્રવર્તી, હાર્દિક પંડ્યા સહિતની વેધક બોલિંગ સામે બેટર ટૂંકા પડયા હતા.
The eight teams have checked in for the #T20WorldCup Super 8 stage ✅
— ICC (@ICC) February 18, 2026
‘Created with Nano Banana on Google Gemini’ pic.twitter.com/RMKjzFBikP
સુપર-8 ગ્રુપ્સ
- ગ્રુપ 1: ભારત, ઝિમ્બાબ્વે, વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા
- ગ્રુપ 2: પાકિસ્તાન, શ્રીલંકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ
ગ્રુપ 1 સંપૂર્ણ સમયપત્રક - 22 ફેબ્રુઆરી: ભારત VS દક્ષિણ આફ્રિકા (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ, સાંજે 7 વાગ્યે)
- 23 ફેબ્રુઆરી: ઝિમ્બાબ્વે VS વેસ્ટ ઈન્ડિઝ (વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ, સાંજે 7 વાગ્યે)
- 26 ફેબ્રુઆરી: દક્ષિણ આફ્રિકા VS વેસ્ટ ઈન્ડિઝ (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ, બપોરે 3 વાગ્યે)
- 26 ફેબ્રુઆરી: ભારત VS ઝિમ્બાબ્વે (એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઈ, સાંજે 7 વાગ્યે)
- 1 માર્ચ: ઝિમ્બાબ્વે VS દક્ષિણ આફ્રિકા (અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી, બપોરે 3 વાગ્યે)
- 1 માર્ચ: ભારત VS વેસ્ટ ઈન્ડિઝ (ઈડન ગાર્ડન્સ, કોલકાતા, સાંજે 7 વાગ્યે)
ગ્રુપ 2 સંપૂર્ણ સમયપત્રક - 21 ફેબ્રુઆરી: ન્યુઝીલેન્ડ VS પાકિસ્તાન (આર. પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો, સાંજે 7 વાગ્યે)
- 22 ફેબ્રુઆરી: ઇંગ્લેન્ડ VS શ્રીલંકા (પલ્લેકેલે ક્રિકેટ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, પલ્લેકેલે, બપોરે 3 વાગ્યે)
- 24 ફેબ્રુઆરી: ઇંગ્લેન્ડ VS પાકિસ્તાન (પલ્લેકેલે ક્રિકેટ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, પલ્લેકેલે, સાંજે 7 વાગ્યે)
- 25 ફેબ્રુઆરી: ન્યુઝીલેન્ડ VS શ્રીલંકા (આર. પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો, સાંજે 7 વાગ્યે)
- 27 ફેબ્રુઆરી: ઇંગ્લેન્ડ VS ન્યુઝીલેન્ડ (આર. પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો, સાંજે 7 વાગ્યે)
- 28 ફેબ્રુઆરી: પાકિસ્તાન VS શ્રીલંકા (પલ્લેકેલે ક્રિકેટ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, પલ્લેકેલે, સાંજે 7 વાગ્યે)
2028 T20 વર્લ્ડ કપનો માર્ગ પણ સ્પષ્ટ
સુપર 8 માં પહોંચેલી બધી ટીમો 2028 માં આગામી T20 વર્લ્ડ કપ માટે આપમેળે ક્વોલિફાય થઈ ગઈ છે. 2028 ટુર્નામેન્ટ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ દ્વારા સંયુક્ત રીતે યોજાશે, જેમને પહેલાથી જ સીધી એન્ટ્રી મળી ગઈ છે.
12 ટીમોનો ઓટોમેટિક ક્વોટા હવે લગભગ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. ICC રેન્કિંગ (9 માર્ચ સુધી) ના આધારે, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને આયર્લેન્ડ પણ ક્વોલિફાય થવાની સંભાવના છે. બાકીના 8 સ્થાનો પ્રાદેશિક ક્વોલિફાયર દ્વારા નક્કી કરવામાં આવશે.
સુપર-8 નો અર્થ શું છે?
હવે કોઈ સરળ મેચ નથી. દરેક ટીમે 3 મેચ રમવાની છે. એક નાની ભૂલ પણ તેમને સેમિફાઇનલની દોડમાંથી બહાર કરી શકે છે. આનો અર્થ એ છે કે T20 વર્લ્ડ કપ હવે તેના વાસ્તવિક રોમાંચક તબક્કામાં પ્રવેશ કરી ચૂક્યો છે.
T20 વર્લ્ડ કપ 2026 ના સુપર-8 તબક્કાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે, જ્યાં ભારત અને પાકિસ્તાન સહિત 8 ટીમો સેમિફાઇનલ માટે 2 ગ્રુપમાં સ્પર્ધા કરશે. 22 ફેબ્રુઆરીથી શરૂ થતા આ રાઉન્ડમાં કુલ 12 હાઇ-વોલ્ટેજ મેચ રમાશે. સુપર-8 માં પહોંચનારી બધી ટીમોએ 2028 T20 વર્લ્ડ કપમાં સીધું સ્થાન પણ મેળવ્યું છે.
