રાજકોટ એરપોર્ટ પર 10 રૂપિયામાં ચા અને 20 રૂપિયામાં સમોસાં મળશે: 29મીએ નાગરિક ઉડ્ડયન મંત્રીના હસ્તે ‘ઉડાન કાફે’નું ઉદ્ઘાટન
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તા. 29મી એ રવિવારે નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુના હસ્તે “ઉડાન કાફે”નું ઉદ્ઘાટન થવાનું છે. જેને ધ્યાનમાં લઈ એરપોર્ટ ઓથોરિટીમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે. ગઈકાલે એરપોર્ટ ડિરેક્ટર દિગંત બોરાહના નેતૃત્વ હેઠળ તમામ વિભાગોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી.
સપ્ટેમ્બર મહિનામાં શરૂ થનાર ઉડાન કાફે હવે 29 માર્ચે શરૂ થશે. એરપોર્ટ ટર્મિનલમાં શરૂ થનાર આ કાફે દ્વારા દરરોજ આશરે 4,000થી 4,500 પેસેન્જરોને સસ્તા દરે ખાદ્યપદાર્થોની સુવિધા મળશે. અહીં માત્ર 10માં ચા અને પાણીની બોટલ, તેમજ 20માં સમોસા, કોફી અને અન્ય નાસ્તા ઉપલબ્ધ રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા દેશના વિવિધ એરપોર્ટ પર મુસાફરોની સુવિધા માટે આ પહેલ હાથ ધરાઈ છે. ગુજરાતમાં અમદાવાદ અને સુરત બાદ રાજકોટ ત્રીજું એવું એરપોર્ટ બનશે જ્યાં આ સુવિધા ઉપલબ્ધ થશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, મંત્રી નાયડુ ભાવનગર ખાતે ઇન્ડિગો એરલાઇન્સની નવી મુંબઈ ફ્લાઇટનું ઉદ્ઘાટન કર્યા બાદ રાજકોટ પહોંચશે. અહીં સવારે 11 વાગ્યે ઉડાન કાફેનું લોકાર્પણ કરશે. સાથે સાથે રાજકોટથી દેશભરના 45 એરપોર્ટ પર ઉડાન કાફેનું વર્ચ્યુઅલ લોકાર્પણ પણ કરવામાં આવશે.
રાજકોટ એરપોર્ટ પર અવસર’ પ્રોજેક્ટ હેઠળ મુસાફરોને વધારાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ અંતર્ગત શરૂ થયેલા અવસર આઉટલેટમાં પટોળા, બાંધણી અને અન્ય સ્થાનિક હસ્તકલા ઉત્પાદનો ઉપલબ્ધ છે, જે વોકલ ફોર લોકલ’ અભિયાનને પ્રોત્સાહન આપે છે.2
