તરણેતરના વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ લોકમેળાનો શુભારંભ : શિવભક્તિ- સંસ્કૃતિનો અનોખો સમન્વય, પશુ પ્રદર્શન હરીફાઈ, ગ્રામીણ ઓલિમ્પિક યોજાશે
સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિકતાને ઉજાગર કરતો સુપ્રસિદ્ધ તરણેતરનો લોકમેળો ભાદરવા સુદ કેવડા ત્રીજથી છઠ્ઠ સુધી એટલે કે તા. 26 થી 29 સપ્ટેમ્બર સુધી ભક્તિભાવ અને ઉલ્લાસના વાતાવરણમાં યોજાશે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતા આ મેળામાં લોકનૃત્ય, સંતવાણી, ગ્રામીણ રમતોત્સવ અને સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ભાદરવા સુદ ચોથ ગણેશ ચતુર્થી તા. 27 ઓગસ્ટના રોજ પાળિયાદના પૂ. વિસામણ બાપુની જગ્યાના મહંત 1008 મહામંડલેશ્વર પૂ. નિર્મળાબા ઉનડબાપુના હસ્તે ધ્વજારોહણ થશે. આ દિવસે રાત્રે 9:00 કલાકે મેળાના સ્ટેજ પર સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરી દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જે ગુજરાતના લોકકલાકારોને માણવાનો અનેરો અવસર પૂરો પાડશે.

ભાદરવા સુદ પાંચમ (ઋષિ પંચમી) તા. 28 ઓગસ્ટના રોજ સવારે 06:30 કલાકે મહંત દ્વારા મંદિરના કુંડમાં ગંગા અવતરણ આરતી કરવામાં આવશે. સવારે મુલાકાત તથા શિવ પૂજન, ગ્રામીણ રમતોત્સવની મુલાકાત અને 08.30 કલાકે લખતર સ્ટેટ ઝાલા યશપાલસિંહના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવશે.

મંદિર પરિસરમાં પરંપરાગત રાસ તથા હુડાના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. મેળાના સ્ટેજ પર રાસ-ગરબા, દોહા, છત્રી હરીફાઈ, વેશભૂષા હરીફાઈ, પાવા હરીફાઈ યોજાશે. જેમાં વિજેતાઓને ઈનામ પણ એનાયત કરવામાં આવશે. રાત્રે 09.30 કલાકે મેળાના સ્ટેજ પર ગુજરાત ટુરીઝમ નિગમ અને તરણેતર ગ્રામ પંચાયત દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.આ પણ વાંચો : રાજકોટ કોર્ટના નિવૃત્ત ક્લાર્કને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ.88.50 લાખ પડાવ્યા : ભાવનગરના 3 શખસો પકડાયાઃ કમ્બોડિયાની ગેંગનું કારસ્તાન હોવાની આશંકા

ભાદરવા સુદ છઠ્ઠ તા. 29 ઓગસ્ટના રોજ સવારે 07.00 કલાકે ગંગા વિદાય આરતી યોજાશે. ત્યારબાદ બપોરે 12.00 કલાકે જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા પોલીસ દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમ થયા બાદ મેળાની પૂર્ણાહુતિ કરવામાં આવશે.

પુરાતન પાંચાળની સોડમને ઉજાગર કરતા આ મેળામાં જિલ્લા પંચાયત પ્રમુખ હરીકૃષ્ણભાઈ પટેલ, સાંસદ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય સર્વ શામજીભાઈ ચૌહાણ, કિરીટસિંહ રાણા, પ્રકાશભાઈ વરમોરા, પી.કે.પરમાર સહિતના મહાનુભાવો, પદાધિકારીઓ સહભાગી બનશે.
પરિવહન: એસ.ટી. વિભાગની સજ્જતા
તરણેતર મેળામાં પહોંચવા અને પરત ફરવા માટે સહેલાણીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વિસ્તૃત માહિતી આપતાં રાજકોટ વિભાગીય નિયામક જે.વી.કલોતરાએ જણાવ્યું હતું કે, તરણેતર મેળામાં આવતા મુસાફરોની સુવિધા માટે એસ.ટી. વિભાગ દ્વારા ખાસ પરિવહન વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, થાન, ચોટીલા, ધ્રાંગધ્રા થી તરણેતર મેળાનાં માણીગરો સરળતાથી પહોચી શકે તે માટે રાજકોટ ઉપરાંત સુરેન્દ્રનગર, થાન, ચોટીલા અને ધ્રાંગધ્રાથી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. મેળાના મુખ્ય ત્રણ દિવસ તા. 26, 27 અને 28 ઓગસ્ટ દરમિયાન, રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના વિવિધ ડેપોમાંથી ૧૨૦ જેટલી વધારાની બસો દોડાવવામાં આવશે. આ બસ સેવા 24 કલાક કાર્યરત રહેશે, જેથી મુસાફરોને ગમે તે સમયે મેળા સ્થળે પહોંચવામાં કે પરત ફરવામાં કોઈ અગવડતા ન પડે.
મુખ્ય બસ રૂટ્સ અને ભાડાની વિગતો વિશે વાત કરતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, રાજકોટ થી તરણેતર સુધી એક મુસાફર દીઠ ભાડું રૂ.140/- નિર્ધારિત કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર થી તરણેતર રૂટ પર નિયમિત બસ સેવા ઉપરાંત વધારાની બસોનું પણ સંચાલન થશે. ચોટીલા થી તરણેતર રૂટ પરનું ભાડું રૂ. ૭૫ રહેશે. ધ્રાંગધ્રા, હળવદ, થાન, સરા અને ચોટીલા આ તમામ સ્થળોએથી પણ પૂરતી સંખ્યામાં બસો ઉપલબ્ધ રહેશે, જેથી આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા લોકો માટે પણ સરળતા રહે.
ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા
એસ.ટી. વિભાગ દ્વારા મુસાફરોને જાહેર પરિવહનનો મહત્તમ ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે. જાહેર પરિવહનથી મેળા સ્થળ અને આસપાસના રસ્તાઓ પર થતી ટ્રાફિકની સમસ્યાને સરળતાથી અંકુશમાં લાવી શકાશે. આ ઉપરાંત, પોલીસ અને ટ્રાફિક વિભાગના સહયોગ અને સંકલન થકી વાહનોના પાર્કિંગ અને ટ્રાફિકના સુચારૂ સંચાલન માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ તમામ વ્યસ્થાઓ મેળાના આયોજનને વધુ સરળ અને સુરક્ષિત બનાવશે.
આમ, તરણેતરનો મેળો માત્ર લોકસંસ્કૃતિનો જ નહીં, પરંતુ જિલ્લા તંત્રની સુચારૂ આયોજન ક્ષમતા અને સમન્વયનું પણ ઉત્તમ ઉદાહરણ બની રહેશે. આ મેળો લોકોને સાંસ્કૃતિક વૈભવના આનંદ સાથે સુરક્ષિત અને સરળ પ્રવાસનો અનુભવ પણ આપશે. આમ તરણેતર લોકમેળો સંસ્કૃતિ, આનંદ અને સુવ્યવસ્થાનું લોકોને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે.
