સ્વિગીના ડિલિવરીમેનની એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં અંતિમ ડિલેવરી : રાજકોટની એટ્લાન્ટિસ બિલ્ડિંગની આગમાં 3 લોકો જીવતા ભૂંજાયા
સમગ્ર રાજકોટ જ્યારે હોળી રમવામાં વ્યસ્ત હતું ત્યારે શહેરમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી જેમાં 3 લોકો જીવતા ભૂંજાયા હતા. આ ઘટના છે રાજકોટના 150 ફીટ રીંગ રોડ પર આવેલી એટ્લાન્ટિસ બિલ્ડિંગની જેના છઠ્ઠા માળે ભીષણ આગ લાગી હતી અને 3 લોકોના મોત નિપજ્યાં હતા. આ ત્રણેય મૃતકો બહારના છે જેમાં એક swiggyના ડિલેવરીમેન અને બે પિતરાઇ ભાઈનો સમાવેશ થાય છે. આ લોકોને ક્યાં ખબર હશે કે અમારી આ બિલ્ડિંગની મુલાકાત એ આખરી મુલાકાત થઈ જશે. ફર્નિચરનું કામ ચાલી રહ્યું હતું જેમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
છઠ્ઠા માળે લાગી હતી આગ
આગ બિલ્ડિંગના છઠ્ઠા માળે લાગી હતી. અચાનક ભડકેલી આગ વિકરાળ બનતા આસપાસના વિસ્તારમાં ધુમાળો થતા ઘરમાં અનેક લોકો ફસાયા હતા. આગની ઘટના બનતા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી લોકો આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. મળતી માહિતી અનુસાર આગમાં 3 લોકોના કરુણ મોત થયા છે. આગ લાગવાના પગલે બિલ્ડિંગમાં રહેલા રહીશો ભયનો માહોલ જોવા મળ્યો હતો.
શોર્ટસર્કિટના કારણે આગ લાગી
આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટસર્કિટ હોવાનું સામે આવ્યું છે, પરંતુ ચોક્કસ કારણ જાણવા માટે FSL તેમજ PGVCLની મદદ લેવામાં આવી છે.
swiggyના ડિલેવરીમેનના છેલ્લા શબ્દો
સ્વિગીના ડિલિવરી મેન અજયભાઈ બિલ્ડિંગમાં પાર્સલ ડિલિવરી કરવા ગયા ને આગની ચપેટમાં આવી જતા મોત નીપજ્યું. અને છેલ્લે પત્ની અને સાડા ત્રણ વર્ષની દીકરીને રડતાં છોડી ગયાં. પત્નીએ જણાવ્યું કે મેં આજે તહેવાર માટે રજા રાખવાનું કહ્યું હતું પરંતુ તેઓએ રજા ન રાખી અને બપોરે આવી જઈશ સાથે જમીશું એમ કહ્યું હતું. મને ક્યાં ખબર હતી કે તેમની બપોર આવી હશે.
3 લોકોના મોત
મૃતક 3 લોકોમાં અજયભાઇ મકવાણા, કલ્પેશભાઈ લેવા અને મયુરભાઈ લેવા હોવાનું સામે આવ્યું છે. મૃતક અજયભાઇ સ્વિગીમાં ડિલિવરી બોય તરીકે કામ હતા. જ્યારે કલ્પેશભાઈ લેવા બ્લિન્કીટ કંપનીમાં રાઇડર તરીકે કામ કરતા હતા. અને તેમનો પિતરાઈ ભાઈ મયુર રાજકોટમાં જ કોલેજમાં અભ્યાસ કરતો હતો.
રાજકોટમાં બન્ને પિતરાઈ ભાઈઓ સાથે પીજીમાં રહેતા હતા
ગઇકાલે સવારના સમયે કલ્પેશભાઈ 10.10 વાગ્યે સ્ટોર પરથી એલ્યુમિનિયમ ફોઈલ 72 મીટર કિંમત રૂપિયા 464ની લઈ ડિલિવરી માટે ગયા હતા પરંતુ તેઓનો ઓર્ડર ડિલિવરી થઈ શક્યો ન હતો. આજે રજા હોવાથી બન્ને ભાઈઓ સાથે હતા અને આ દરમિયાન આગની ચપેટમાં આવી જતા મોત નીપજ્યું. મૃતક કલ્પેશના એક મહિના પહેલા જ લગ્ન થયા હતા.મૂળ તેઓ ઉના તાલુકાના વતની છે. રાજકોટમાં બન્ને પિતરાઈ ભાઈઓ સાથે પીજીમાં રહેતા હતા.
કલ્પેશ-મયુર દશમાં અને અજય આઠમાં માળે ડિલિવરી માટે ગયા હતા
એટ્લાન્ટિસ બિલ્ડીંગમાં કલ્પેશ અને મયુર દશમાં માળે ડિલિવરી કરવા ગયા હતા. જયારે અજય આઠમા માળે ડિલિવરી કરવા ગયા હતા. પોલીસે ડીવીઆર કબ્જે કરી સીસીટીવી ફૂટેજ ચકાસવા કામગીરી હાથ ધરી છે. માલવિયાનગર પોલીસ દ્વારા એક્સિડેન્ટલ ડેથ મામલે તપાસ કરવામાં આવશે. તેમજ આ બિલ્ડિંગમાં ફાયર NOC હતું કે કેમ BU પરમિશન હતી કે કેમ સહિતની દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવશે. પોલીસે તમામ ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ત્રણ લોકોના મોતને કારણે હોળીનો તહેવાર માતમમાં ફેરવાયો હતો.