સુરેન્દ્રનગર : જોરાવરનગરમાં ફટાકડાની ઉઘરાણી મામલે ખેલાયો ખૂની ખેલ : ધંધાર્થીની ગોળી મારી કરી હત્યા
સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં પાનની દુકાનના ધંધાર્થીની ફટાકડાના 35 હજારની ઉઘરાણીના પ્રશ્ને ગોળી ધરબી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. હત્યાના બનાવને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જયારે હત્યારા સામે ગુનો નોંધ્યો હતો.
વિગત મુજબ જોરાવરનગરમાં રહેતા અને મયુર પાન નામની દુકાન ધરાવતા જીતેન્દ્રસિંહ અગરસિંહ ગોહિલ (ઉ.વ.૫૦) નામના આધેડ સાંજે તેમની પાનની દુકાને હતા ત્યારે ગામમાં જ રહેતો વનરાજ કાળુભાઇ ખાચર નામના શખ્સ સાથે બોલાચાલી થયા બાદ વનરાજે પોતા પાસે રહેલી રિવોલ્વરથી ફાયરિંગ કરતા ગોળી જીતેન્દ્રસિંહના પેટમાં લાગી જતા લોહી લુહાણ હાલતમાં તેઓ ઢળી પડ્યા હતા.બનાવની જાણ જીતેન્દ્રસિંહના પરિવારજનોને કરવામાં આવતા તેઓ દોડી ગયા હતા અને ગંભીર હાલતમાં જીતેન્દ્રસિંહને સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ટૂંકી સારવારમાં તેઓનું મોટ નીપજ્યું હતું. બનાવની જાણ પોલીસને થતા તેઓ હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગઈ હતી.અને જીતેન્દ્રસિંહના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક જીતેન્દ્રસિંહ ચાર ભાઈ બે બહેનમાં નાના હતા અને સંતાનમાં એક પુત્ર, બે પુત્રી છે. ગત દિવાળીએ ભત્રીજા મયુરસિંહએ પાનની દુકાનની બાજુમાં ફટાકડાનો સ્ટોલ કર્યો હતો. ત્યારે વનરાજ ખાચર ૩૫ હજારના ફટાકડા બાકીમાં લઈ ગયો હતો. ગઈકાલે વનરાજ દુકાન પાસે આવતા જીતેન્દ્રસિંહએ ફટાકડાના બાકીના પૈસાની ઉઘરાણી કરતા ઉશ્કેરાઈ જઈ ફાયરિંગ કરી હત્યા નિપજાવી હતી. હાલ જોરાવરનગર પોલીસે વનરાજ સામે હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ કરી છે.