સુરત સ્માર્ટ સિટી કે લેક સિટી? વેનિસ શહેર જેવા દ્રશ્યો સર્જાયા, ખાડીમાં 3 યુવકો તણાયા, પોલીસ સ્ટેશન બે દિવસથી પાણીમાં
આમ તો સુરત શહેરને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે ત્યારે 2 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે સુરત સ્માર્ટસિટી ઓછું ને લેક સિટી વધારે લાગવા લાગ્યું છે. હાલના સુરતના દ્રશ્યો જોઈએ તો વેનિસ શહેર જેવુ લાગી રહ્યું છે જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી દેખાઈ રહ્યું છે. ખાડીપૂરના કારણે લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે. ત્યારે કોંગ્રેસે આ મામલે અનોખી રીતે વિરોધ કર્યો હતો.
છેલ્લા 2 દિવસમાં સુરતને મેઘરાજાએ ધમરોળ્યું છે. વરસાદથી શહેર જળબંબાકાર થઈ ગયું છે. 24 કલાકમાં 13 ઈંચ વરસાદ વરસતાં બધે જ વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે સુરતના ઘણા વિસ્તાર બેટ અને તળાવમાં ફેરવાઈ જતાં કોંગ્રેસે આજે પૂણા વિસ્તારમાં અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસે સુરતને ‘સ્માર્ટ સીટી’ને બદલે લેક સીટી બનાવવા માટે કટાક્ષમાં આભાર દર્શાવતા પોસ્ટર બતાવી હતી.

3 યુવકો ડૂબ્યાં
મેઘરજાની તોફાની બેટિંગ સુરતમાં જોવા મળી હતી. તયતે ભારે વરસાદના લીધે ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. પુણા-કુંભારિયા વિસ્તારમાં આજે સવારે એક યુવક ખાડીમાં યુવક તણાઇ જતાં ફાયરની ટીમે યુવક શોધખોળ આદરી છે. ખાડી વિસ્તારમાં અચાનક પ્રવાહ વધતા ત્રણ જેટલા યુવકો તણાયા હતા. આ ઘટના પુણા-કુંભારિયામાં બની હતી જેમાં ત્રણ યુવકો પૈકી બે યુવકોને ફાયર બ્રિગેડની ટીમ બચાવી લીધા હતા. જોકે અર્જુન (ઉ.વ.18) નામનો યુવક હજુ સુધી ગુમ છે, ફાયર ટીમ યુવક શોધખોળ ચાલી રહી છે.
આ પણ વાંચો : ક્રિકેટર રીન્કુ અને સાંસદ પ્રિયા સરોજના લગ્ન શા માટે ટળ્યાં? સામે આવ્યુ લગ્ન મોકૂફ રાખવાનું મોટું કારણ
આફતને પણ આનંદમાં ફેરવતા ગુજરાતીઓ
આમ તો કહેવાય છે કે ગુજરાતીઓ ક્યાંય પણ પાછા ન પડે ત્યારે સુરત શહેર હાલ જળબંબાકાર છે ત્યારે સુરતીલાલાઓ પોતાની મસ્તીમાં મસ્ત જોવા મળ્યા હતા. એકંદરે કહી શકાય કે સુરતીઓ હાલ આફતને પણ આનંદમાં ફેરવી રહ્યા છે. રસ્તા પર ભરાયેલા પાણીમાં યુવકો બોટ લઈને નીકળ્યા હતા.

ચોમાસા પહેલાં ખાડીનું કામ યોગ્ય રીતે નથી કર્યું : ધારાસભ્ય કુમાર કાનાણી
સુરતમાં પડેલા વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત છે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થિતિ તો એટલી ખરાબ છે કે ખુદ ભાજપના ધારાસભ્ય કાનાણીએ કહેવું પડ્યું છે કે તંત્રએ ચોમાસા પહેલાં ખાડીનું કામ યોગ્ય રીતે નથી કર્યું. ત્યારે પૂરગ્રસ્ત લોકોની મદદે પોલીસ જવાનો પહોંચ્યા હતા તેમજ MLA કુમાર કાનાણીએ પુરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરી હતી.
સુરતમાં વરસાદની સ્થિતિ
આજે વહેલી સવારે 6:00 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં સુરતના બારડોલીમાં. માત્ર 4 કલાકમાં 4.8 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે તાપીના વ્યારામાં 3.98 ઇંચ, વાપીમાં 3.94 ઇંચ, તાપીના સોનગઢમાં 3.54 ઇંચ, ઉમરાપાડામાં 3.03 ઇંચ, ભરૂચના નેત્રંગમાં 2.99 ઇંચ, નર્મદાના દેડિયાપાડા 2.91 ઇંચ, સુરતના મહુવામાં 2.91 ઇંચ, નર્મદાના નાંદોદમાં 2.76 ઇંચ, સુરતના માંડવીમાં 2.48 ઇંચ, સુરત શહેરમાં 2.2 ઇંચ અને સુરતના કામરેજમાં 2.1 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે 10 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.