મનીષ સોલંકી અઘોરીના આશીર્વાદ લેતો હોય તેવો વિડીયો મળ્યો
અલગ અલગ લોકો પાસેથી 1 કરોડથી વધુની રકમ લેવાની નીકળતી હતી
તપાસ માટે સીટની રચના
ખૂબ જ હૃદદ્રાવક એવા સુરતના સામૂહિક આત્મહત્યાની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. આ કેસમાં સીટની રચના કરાઈ છે. સીટની ટીમને મૃતક મનીષ સોલંકીનો તાંત્રિક વિધિનો વીડિયો સામે આવ્યો છે. મનીષ સોલંકી અને પરિવાર તાંત્રિક માયાજાળમાં ફસાયો હોવાની આશંકા સેવાઈ રહી છે.
સુરતમાં 7 લોકોનો આપઘાત કિસ્સો દિલ્હીના બુરાડી કેસની યાદ અપાવે તેમ જણાય છે. જેમાં અંધશ્રદ્ધા કારણભૂત હતી. ત્યારે સુરતમાં સોલંકી પરિવારમાં આર્થિક ભીંસથી કંટાળીને પરિવારે આપઘાત કર્યો હોવાનો સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખ કરાયો જ છે. મનીષ સોલંકીને અલગ અલગ લોકો પાસેથી 1 કરોડથી વધુની રકમ લેવાની નીકળતી હતી, વિશ્વાસમાં આપેલી રકમ પરત ન આવતા તેમણે આ પગલુ ભર્યુ હોવાનું માનવામાં આવે છે. પણ હવે આ આખી ઘટના બીજી દિશામાં જઈ રહી છે. મનીષ કેટલાક સમયથી તાંત્રિક વિધિના રવાડે ચડ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. મનીષ કેટલાક સમયથી તાંત્રિક વિધિના રવાડે ચડ્યો હોવાનો પુરાવો આપતો એક વીડિયો સામે આવ્યો છે. મનીષે થોડા સમય પહેલા કોઈ અઘોરીના આશીર્વાદ લેતો હોય એવો વીડિયો પણ ફેસબૂક પર મૂક્યો હતો. સોલંકી પરિવારના સામૂહિક મોતમાં તાંત્રિક વિધિની પણ ભૂમિકા હોવાની આશંકા છે.
દરમિયાન પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ઘણી વિગતો સામે આવી છે. મળતી માહિતી અનુસાર રિપોર્ટમાં માતા અને દીકરીનું ગળુ દબાવીને મોત થયું હતું. અન્ય 4 પરિવારજનોના મોત ઝેરી દવા ગટગટાવીને થયા હતા ત્યારે પરિવારના સભ્યો બાદ મનીષ શાંતિલાલ સોલંકીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આમ સોલંકી પરિવારના કુલ 7 સભ્યોએ સામુહિક આપઘાત કરવાની ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું.
પરિવાર મૂળ સુરેન્દ્રનગરનો હતો અને સુરતમાં સ્થાયી થયો હતો. સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં સામુહિક આપઘાત કરેલા મનિષ સોલંકીના પરિવારના 7 સભ્યોની અંતિમયાત્રા નીકળી હતી. રોજ જેમને મળતા હોય, પાડોશમાં રહેતા હોય તેવો આખો પરિવાર અનંતની યાત્રાએ ચાલ્યો જતા લોકો ભારે હૈયે અંતિમયાત્રામાં જોડાયા હતા.