સુરત : મોટા બોરસરા ગામે સગીરા સાથે દુષ્કર્મ કરનાર આરોપીનું સારવાર દરમિયાન મોત
સુરતથી એક મોટાં સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના માંગરોળમાં મોટા બોરસરા ગામે સગીરા સાથે દુષ્કર્મ કરનાર બે આરોપી પૈકી એક આરોપીનું સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. સુરત જિલ્લામાં મોટા બોરસરા ગામની સીમમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ થયું હતું. આ અંગે પોલીસને જાણ થતાં તાત્કાલિક ત્રણેય પરપ્રાંતીય આરોપીની ઓળખ કરી લીધી હતી. ત્યારે આરોપી શિવશંકરની તબીયત લથડ્યા બાદ મોત નીપજ્યું હતું. આરોપી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતો.
શું બની હતી ઘટના ??
સુરત જિલ્લાના માંગરોળના મોટાં બોરસરા ગામે સગીરા જયારે પોતાના મિત્ર સાથે ઉભી હતી ત્યારે અજાણ્યા શખ્સોએ આવીને અભદ્ર વર્તન કર્યું હતું. મધરાતે આવેલા ત્રણ શખ્સોએ સગીરાના મિત્રને માર મારી ભગાડી દીધો હતો અને સગીરાને નજીકની અવાવરુ જગ્યાએ લઈને દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ સુરત જિલ્લા રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજીએ ઘટના સ્થળે પહોંચીને તપાસ આદરી હતી.
આ દરમિયાન 3 પૈકી બે આરોપીઓને તડકેશ્વર ગામની હદમાં કાંકરાપાર નહેર પાસેથી ઝડપી પાડ્યા હતા. જેમની ઓળખ મુન્ના ઉર્ફે ખલબલી પાસવાન (40) અને શિવશંકર ઉર્ફે દયાશંકર ચોરસિયા (45) તરીકે થઈ હતી. જે પૈકી આજે બપોર બાદ આરોપી શિવશંકરને તબિયલ લથડી હતી. જેમાં શિવશંકરને શ્વાસ લેવામાં તકલીફ થતાં સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં વેન્ટીલેટર પર તેની સારવાર ચાલી રહી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે.
આ રીતે પકડાયા હતા આરોપીઓ
બુધવારે (10મી ઓક્ટોબર) માંડવીના તડકેશ્વર ગામે આરોપીઓ છૂપાયા હોવાની બાતમી સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. ત્યારબાદ આ જગ્યાએ પોલીસ પહોંચી તો ત્રણેય આરોપીએ પોલીસને જોઈને ભાગવા લાગ્યા હતા. જેને લઈને પોલીસે ફાયરિંગ કરવું પડ્યું હતું. જેમાં કોઈને ઈજા નથી થઈ. આ દરમિયાન પોલીસે મુન્ના પાસવાન અને શિવ શંકર ચૌરસિયા નામના બે આરોપીને ઝડપી પાડ્યા હતા. જ્યારે એક ફરાર થયો હતો. મળતી માહિતી અનુસાર, ઝડપાયેલા આરોપીઓમાં એક ઉત્તર પ્રદેશ અને બીજો બિહારનો રહેવાસી છે.