રાજકોટમાં અશાંતધારાની પેન્ડિંગ અરજીઓ મુદ્દે કલેક્ટરને રજૂઆત: નવા નોટિફિકેશનથી વિવાદ,અનેક સર્વે નંબર ગાયબ રહેતા કરોડોના વ્યવહારો અટવાયા
રાજકોટ શહેરમાં અશાંત ધારાના અમલીકરણમાં સર્જાયેલી વહીવટી ગૂંચને કારણે હજારો નાગરિકો અને વકીલો મુશ્કેલીમાં મુકાયા છે. જાન્યુઆરી–2026માં અશાંત ધારાના રીન્યુઅલ બાદ અનેક સર્વે નંબરો નવા નોટિફિકેશનમાં રહી જતા સર્જાયેલી અસમંજસ અંગે રાજકોટ રેવેન્યુ બાર એસોસિએશન દ્વારા કલેક્ટરને રજૂઆત કરી તાકીદે નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી છે.
રાજકોટમાં વર્ષ 2021થી અમલી અશાંત ધારાની મુદત જાન્યુઆરી–2026માં પૂર્ણ થતા સરકાર દ્વારા તેનું રીન્યુઅલ કરવામાં આવ્યું હતું. જોકે, નવા નોટિફિકેશનમાં અગાઉ જે રેવન્યુ સર્વે નંબર અને સીટી સર્વે નંબરનો સમાવેશ હતો, તેમાંથી અનેક નંબરો ગાયબ જોવા મળ્યા છે. આ ક્ષતિના કારણે વર્ષ 2025ની જૂની અરજીઓ સહિત મોટી સંખ્યામાં નવી અરજીઓ ઓર્ડર વિના પેન્ડિંગ પડી છે. અશાંત ધારાની મંજૂરી (સીટી પ્રાયર પરમિશન) વિના દસ્તાવેજ નોંધણી શક્ય ન હોવાથી મિલકત ટ્રાન્ઝેક્શન અટકી પડ્યા છે. ઘણા કિસ્સાઓમાં પક્ષકારોની હોમ લોન મંજૂર થઈ ગઈ હોવા છતાં માત્ર વહીવટી સ્પષ્ટતાના અભાવે સોદા પૂર્ણ થઈ શકતા નથી.
આ પણ વાંચો:લોકસભામાં સત્રના અંતિમ દિવસે પણ ઘર્ષણ: મંત્રી હરદીપસિંહ પુરીના રાજીનામાની માગ સાથે વિપક્ષ દ્વારા સૂત્રોચ્ચાર, સંસદ 9મી માર્ચ સુધી મુલતવી
નવા નોટિફિકેશનને અનેક દિવસો વીતી ગયા હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આના કારણે નાગરિકોમાં અસંતોષ અને ગેરસમજ ઊભી થઈ રહી હોય જેથી રેવન્યુ બાર એસોસિએશન દ્વારા માંગણી કરાઈ છે કે, જાન્યુઆરી–૨૦૨૬ના નોટિફિકેશનમાં રહી ગયેલ સર્વે નંબરો અંગે તાત્કાલિક સુધારાત્મક સ્પષ્ટતા જાહેર કરવી, પેન્ડિંગ પડેલી તમામ અરજીઓનો વિલંબ વિના નિકાલ કરવો તેમજ ભવિષ્યમાં આવી ટેકનિકલ કે વહીવટી ક્ષતિ ન રહી જાય તે માટે કાયમી વ્યવસ્થા ગોઠવવી. આ રજૂઆત સમયે રાજકોટ રેવેન્યુ બાર એસોસિએશનના પ્રમુખ રમેશ કથીરીયા, સેક્રેટરી વિજય તોગડીયા, પૂર્વ પ્રમુખ પરેશ મારુ, બાર સેક્રેટરી નિલેશ પટેલ સહિત અશ્વિન રામાણી, ભાર્ગેશ ખૂંટ, જે.સી. પરસાણા અને મોટી સંખ્યામાં વકીલ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
