ધો.10માં ગણિતનું પેપર સહેલું નીકળતાં વિદ્યાર્થીઓ ખુશખુશાલ : એક પણ કોપીકેસ નહિ
ધો.10માં ગણિતનું પેપર સહેલું નીકળતાં વિદ્યાર્થીઓને રાહત મળી હતી.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા લેવામાં આવી રહી છે.ગઈકાલે ધો. ૧૦નું બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર હતું. જયારે ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્રનું પેપર હતું. રાજકોટમાં ધો. ૧૦માં સ્ટાન્ડર્ડ ગણિતમાં માત્ર 3908 વિદ્યાર્થી જ નોંધાયા હતા. જયારે તેની સામે બેઝિક ગણિતમાં 38683 વિદ્યાર્થી નોંધાયા હતા.ત્યારે સ્ટાન્ડર્ડ અને બેઝિક બન્ને પેપર સહેલા હતા.
સમગ્ર રાજ્યમાં ધો. ૧૦માં સ્ટાન્ડર્ડ ગણિત કરતા બેઝિક ગણિતની પસંદગી કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે. ત્યારે રાજકોટ શહેર જિલ્લાની વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં સ્ટાન્ડર્ડ ગણિતમાં માત્ર 3908 વિધાર્થી નોંધાયા હતા. જયારે બેઝિક ગણિતમાં 38683 વિદ્યાર્થી નોંધાયા છે. સામાન્ય રીતે જે વિદ્યાર્થીઓ કોમર્સ લેવાની ઈચ્છા ધરાવતા હોય તે બેઝિક ગણિતની પસંદગી કરે છે.
રાજકોટ જિલ્લામાં લેવામાં આવેલી પરીક્ષામાં બેઝિક ગણિતમાં 733 વિદ્યાર્થી ગેરહાજર રહેતા 37926 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જયારે સ્ટાન્ડર્ડ ગણિતમાં 9 વિદ્યાર્થી ગેરહાજર રહેતા 3899 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. બેઝિક ગણિત પેપર ખૂબ જ સરળ રહેતા પુરા ૧૦૦ માર્કસ લાવનારની સંખ્યા સાથે રિઝલ્ટ વધશે. એકંદરે ગત વર્ષના ગણિતના અઘરા પેપર કરતાં આ વખતે માર્કસ વધારી શકાય તેવું પેપર હતું. રાજકોટ શહેરના પરીક્ષા કેન્દ્રોમાંથી પેપર આપીને બહાર નીકળતા વિદ્યાર્થીઓ ખુશ ખુશાલ જોવા મળ્યા હતાં.
સોમવારે ધો.10માં સામાજિક વિજ્ઞાન, ધો.12 સામાન્ય પ્રવાહમાં મનોવિજ્ઞાનની પરીક્ષા
ધોરણ 10 અને 12માં બંનેમાં બે વિષયની પરીક્ષા લેવાઈ ગઈ છે હવે સોમવારે ધો.10માં સામાજિક વિજ્ઞાન, ધો.12 સામાન્ય પ્રવાહમાં મનોવિજ્ઞાનની પરીક્ષા અને વિજ્ઞાન પ્રવાહમાં જીવ વિજ્ઞાનનું પેપર રહેશે. શરૂઆતના બે પેપર સરળ નીકળતા વિધાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો છે.