રાજકોટની બી.એ.ડાંગર કોલેજના વિદ્યાર્થીનો આપઘાત : એનેસ્થેટિક ઓવરડોઝ લઈ લેતાં નીપજ્યું મોત, ખેડૂત પરિવારમાં શોક
રાજકોટના જામનગર રોડ પર આવેલી બી.એ.ડાંગર હોમિયોપેથી કોલેજમાં અભ્યાસ કરતા 23 વર્ષીય વિદ્યાર્થીએ પરીક્ષામાં ચિઠ્ઠી સાથે પકડાઈ જતા પોતે ફેઈલ જશે અને કોલેજ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેવા ડરથી એનેસ્થેટિક ઓવરડોઝ લઈ લેતા ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
આ અંગે વધુમાં જાણવા મળ્યા પ્રમાણે છેલ્લા પાંચેક વર્ષથી બી.એ.ડાંગર કોલેજમાં રહી અભ્યાસ કરતો ધર્મેશ કલસરિયા (ઉ.વ.23) નામનો યુવક કે જે મુળ મહુવાનો છે તેણે શનિવારે હોમિયોપેથીની ફાઈનલ પરીક્ષા આપી હતી. જો કે પરીક્ષા દરમિયાન તેને ચિઠ્ઠી સાથે પકડી લેવામાં આવતા તે રીતસરનો ગભરાઈ ગયો હતો. વળી, તેનું પેપર પણ ખરાબ ગયું હોવાની વાત પણ તેણે મિત્રોને કરી હતી.
ધર્મેશના મિત્રોએ જણાવ્યું કે ધર્મેશના પિતા મહુવા ખાતે ખેતીકામ કરે છે. ધર્મેશ હોમિયોપેથીની આ છેલ્લી પરીક્ષા હતી. જો આમાં તે નાપાસ થાય તો તેનું આખું વર્ષ બગડે તેમ હોવાથી તેણે પૂરી તૈયારી તો કરી જ હતી આમ છતા અમુક પ્રશ્નના જવાબ તે ચિઠ્ઠીમાં લખીને ગયો હતો પરંતુ પકડાઈ જતા ગભરાઈ ગયો હતો.
આ વાત બન્યાને ત્રણ દિવસ પસાર થયા ત્યાં સુધી ધર્મેશ સુનમુન રહેતો હતો અને સોમવારે બપોરના સમયે એનેસ્થેટિક ઓવરડોઝ લઈને આપઘાતનો પ્રયાસ કરતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજતા કોલેજના વિદ્યાર્થીઓમાં શોક વ્યાપી ગયો હતો. પુત્રના મૃત્યુની જાણ થતાં જ પિતા સહિતના પણ તાત્કાલિક રાજકોટ દોડી આવ્યા હતા.
વિદ્યાર્થીઓનો આક્ષેપઃ કોલેજ દ્વારા 10 હજાર ‘ઉઘરાવી’ ચોરી કરવા દેવાય છે…!
ધર્મેશ કલસરિયા (ઉ.વ.23)એ આપઘાત કરી લીધાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવ્યા બાદ બી.એ.ડાંગર કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ‘વોઈસ ઓફ ડે’ સમક્ષ એવા ચોંકાવનારા આક્ષેપ કર્યા હતા કે કોલેજ સંચાલકો દ્વારા જ પ્રત્યેક વિદ્યાર્થી પાસેથી દસ-દસ હજાર રૂપિયા ઉઘરાવી તેને પરીક્ષા દરમિયાન ચોરી કરવા દેવામાં આવે છે. જો કે ધર્મેશની પરિસ્થિતિ બહુ સારી ન હોવાથી તેણે પરિવારજનો તેમજ મિત્ર-વર્તુળ તમામના મળી સાત હજાર રૂપિયા જેવી વ્યવસ્થા કરી સંચાલકોને આપ્યા હતા.
આ પણ વાંચો :આજથી શ્રીજીનું આગમન : 11 દિવસ સુધી ગણેશજીની ભક્તિમાં લિન થશે ભક્તો,જાણો સ્થાપના અને વિસર્જનનું શુભ મુહૂર્ત
જો કે સંચાલકો આટલી રકમથી ન માન્યા ન હોય આખરે તેણે ધર્મેશને ચિઠ્ઠી સાથે પકડી પાડતા તે ગભરાઈ ગયો હતો. જો આ આક્ષેપ સાચા હોય તો તપાસ થવી જરૂરી છે કેમ કે ધર્મેશ જે પરીક્ષામાં બેઠો હતો તે પરીક્ષા અન્ય વિદ્યાર્થીઓએ પણ આપી હોય શું તેમની પાસેથી દસ-દસ હજારના ઉઘરાણા કરીને ચોરી કરવા દેવામાં આવી હશે ? જો આમ થયું હોય તો આવનારા સમયમાં કેવા વિદ્યાર્થી તૈયાર થશે તેની કલ્પના જ કરવી ઘટે. વળી, વિદ્યાર્થીઓએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે આ ઘટનાની જાણ થતા એડમિન વિભાગના આત્મન મેતા માત્ર ઔપચારિકતા પૂરતા હોસ્પિટલે આવ્યા હતા. કોલેજ સંચાલકો દ્વારા જાણે કશું બન્યું જ ન હોય તે રીતે ગણેશોત્સવની તૈયારી પણ શરૂ કરવામાં આવી હતી !
