એક અઠવાડિયામાં જ આવશે PMJAY હોસ્પિટલો માટે કડક SOP
દર્દીઓ માટે ટુ-ટાયર તપાસ પધ્ધતિ લાગુ કરાશે : સર્જરીનું સુચન થયા પછી ડોકટરોની ટીમ દ્વારા સમીક્ષા કરાશે
કાર્ડિયાક સમસ્યાઓ, ઘૂંટણની બદલી, કીમોથેરાપી અને રેડિયોલોજી વિભાગમાં સૌથી વધુ ફરિયાદ
ખ્યાતી હોસ્પિટલની ઘટનાને પગલે રાજ્ય સરકાર મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં ઓપરેશન માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) ને અંતિમ રૂપ આપી રહી છે. નવી SOP એક સપ્તાહમાં જાહેર થવાની શક્યતા છે.
રાજ્યના આરોગ્ય પ્રધાને આ મુદ્દે બેઠક યોજ્યા બાદ નવા SOPની સમીક્ષા કરવા માટે મુખ્ય પ્રધાને એક બેઠક બોલાવી હતી. આરોગ્ય વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર કાર્ડિયાક સમસ્યાઓ, ઘૂંટણની બદલી, કીમોથેરાપી અને રેડિયોલોજી એમ કુલ ચાર વિભાગો ઉપર વધુ ધ્યાન કેન્દ્રીત કરી રહી છે કારણ કે સૌથી વધુ ફરિયાદ આ સારવાર સંદર્ભે આવી રહી છે.
આ અધિકારીએ કહ્યું હતું કે, આ ચાર ક્ષેત્રોમાં અનિયમિતતાના કિસ્સાઓ વધુ છે અને હોસ્પિટલો PMJAY હેઠળ રિફંડનો દાવો કરવા સર્જરી કરે છે તેવી ફરિયાદો છે. સરકાર આ સીસ્ટમમાં રહેલા છીંડાઓને શોધીને PMJAYની જોગવાઈઓનો દુરુપયોગ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે કડક SOP લાગુ કરવામાં આવશે.
અધિકારીએ ઉમેર્યું હતું કે બે-સ્તરીય ચેકિંગ સિસ્ટમને પણ અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. “આનો અર્થ એ છે કે ડૉક્ટર શસ્ત્રક્રિયાનું સૂચન કરે પછી, ડૉક્ટરોની એક ટીમ તેની સમીક્ષા કરશે અને તેના માટે અંતિમ મંજૂરી આપશે. જો કે,આ પ્રોસીજરમાં સમય વ્યતીત થવાની ભીતિ છે.
આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, PMJAY હેઠળ સૌથી વધુ સર્જરીઓ ઘૂંટણ બદલવાની છે અને ત્યારબાદ કાર્ડિયાક સર્જરી છે.
