રાજકોટમાં ખેતીની જમીન ઉપર પાર્ટી પ્લોટ બનાવનાર 3 આસામીઓ સામે કડક કાર્યવાહી : ગ્રીનએપલ પાર્ટી પ્લૉટને રૂ.22.32 લાખનો દંડ
રાજકોટ શહેર-જિલ્લામાં ખેતીની જમીન ઉપર ગેરકાયદેસર રીતે પાર્ટીપ્લોટ ઉભા કરી લઈ કોમર્શિયલ ઉપયોગ કરવા સામે જિલ્લા કલેકટરે લાલઆંખ કરી આકરા દંડ ફટકરાવનું શરૂ કર્યું છે. જેમાં ગ્રીન એપલ પાર્ટી પ્લોટને 22 લાખ, બિલીપત્ર પાર્ટી પ્લોટને 8.80 લાખ અને આણંદપરમાં 3 લાખથી વધુનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.

જિલ્લા કલેકટર ડો.ઓમ પ્રકાશ દ્વારા રાજકોટ તાલુકાના ખોખડદડ ગામના સર્વે નં. ૧૯૨ની ૨૨૬૬૩ ચો.મી.જમીન સરકારી રેકોર્ડ પર ખેતીના હેતુ માટે નોંધાયેલી હોવા છતાં કબ્જેદાર કરસનભાઈ ગાંડુભાઈ શિયાણી તથા અન્યોએ આ જમીન ઉપર ગ્રીન એપલ પાર્ટી પ્લોટના નામથી કોમર્શિયલ ઉપયોગ કરતા હોવાનું ધ્યાને આવતા શરતભંગ અંગે તપાસ બાદ રૂપિયા 22 લાખથી વધુનો દંડ ફટકારતો હુકમ કરી જમીનના માલિકોને જમીનનો બિનખેતી ઉપયોગ કરવાની મંજૂરી મેળવી લેવાઅન્યથા બાંધકામ દૂર કરવામાં આવશે તેમ તાકીદ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : રાજકોટ સિટી-રૂરલના બુટલેગરો વચ્ચે ગેંગવોર ! પોલીસની મીઠી નજર કે અજાણ? જાણો શું છે સમગ્ર મામલો
જયારે બીજા કિસ્સામાં કોઠારીયા ગામમાં સર્વે નંબર 322/8ની 17,705 ચોરસ મીટર જમીન રેવન્યુ રેકોર્ડમાં ખેતીની જમીન તરીકે નોંધાયેલી હોવા છતાં જમીનના કબજેદાર જયંતિભાઈ બાધુભાઈ શિયાણી વગેરે દ્વારા અહીં છેલ્લા દસ વર્ષથી બિલીપત્ર પાર્ટી પ્લોટ કમ રિસોર્ટના નામે કોમર્શિયલ પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાનું ધ્યાને આવ્યું હતું.વધુમાં જમીન માલિકે જમીન પૈકી ૧૦,૬૨૩ ચો. મી. જમીન બહુહેતુક ઉપયોગ માટે બિનખેતી કરવા માટે અરજી કરતા આ કિસ્સામાં જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે જમીન માલિકને રૂ. 7.94 લાખનો દંડ ફટકાર્યો હતો.
જયારે ત્રીજા કિસ્સામાં રાજકોટ તાલુકાના આણંદપર ગામના સર્વે નં. 162/૧ની 14468 ચો.મી.જમીન ખેતીના હેતુ માટે નોંધાયેલી હોવા છતાં કબ્જેદાર ભાવીનભાઈ તુલસીભાઈ રામાણી દ્વારા અહીં જમીનનો કોમર્શિયલ હેતુ માટે પાર્ટી પ્લોટ તરીકે ઉપયોગ કરી વધુ ડેવલપ કરવામાં આવી રહ્યું હોવાનું તેમજ પાર્ટી પ્લોટ માટે જમીન પર 4 રૂમ, કિચનશેડ, ટોઈલેટ બ્લોક, ઓફિસ તથા ગોડાઉન પણ બનાવવામાં આવેલું હોવાનું તપાસમાં સામે આવતા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા શરતભંગના દંડ બદલ રૂ. 1,57,800 અને જમીનનો કોમર્શિયલ હેતુ માટે ઉપયોગમાં કરવા બદલ રૂ. 1 લાખ 82 હજાર 130 રૂપાંતર કર તરીકે વસૂલ કરવા હુકમ કરી કુલ રૂ. 3 લાખ 39 હજાર 930 નો દંડ ભરવા આદેશ કરી જમીનનો બિનખેતી ઉપયોગ કરવા માટે મંજૂરી મેળવવા અન્યથા બાંધકામ દૂર કરવામાં આવશે તેમ તાકીદ કરવામાં આવી હતી.