‘માપ’માં રહેજો, તમારા ઉપર અમારી ‘નજર’ છે !
ચોરી, લૂંટ, નશીલા દ્રવ્યોની હેરાફેરીના બેથી વધુ ગુના નોંધાયેલા હોય તેમને ગમે ત્યારે પોલીસ મથકે બોલાવી કરાશે પૂછપરછ
રાજ્ય પોલીસવડા વિકાસ સહાયે અમલી બનાવેલા મેન્ટોર પ્રોજેક્ટ' હેઠળ દરેક આરોપી ઉપર એક પોલીસ કર્મી રાખશે નજર
રાજકોટ સહિત આખા રાજ્યમાં અત્યારે ગુનાખોરીએ માજા મુકી છે જેના કારણે પોલીસની શાખ ઉપર વારંવાર ધબ્બા લાગી રહ્યા હોય ગુનેગારોને કાબૂમાં કરવા અથવા તો ભોંભીતર કરી દેવા માટે દરેક શહેર-જિલ્લાની પોલીસે કમર કસી લીધી છે.
દરમિયાન રાજ્ય પોલીસવડા વિકાસ સહાય દ્વારા
મેન્ટોર પ્રોજેક્ટ’ અમલમાં મુકવામાં આવ્યો હતો જે અંતર્ગત ચોરી, લૂંટ, નશીલા દ્રવ્યોની હેરાફેરી સહિતના બેથી વધુ ગુના નોંધાયેલા હોય તેમના ઉપર હંમેશા એક પોલીસ કર્મચારીએ નજર રાખવાની રહેશે. આ અંતર્ગત અમદાવાદ ઝોન-૬ વિસ્તારના અલગ-અલગ પોલીસ મથકમાં આ પ્રકારે જેમની સામે ગુના નોંધાયેલા હોય તેમને પોલીસ મથકે રૂબરૂ બોલાવીને અત્યારે શું કરી રહ્યા છે, ગુનો કરતા પહેલાં સો વખત વિચાર કરે તે સહિતની બાબતે સમજણ' આપવામાં આવી હતી ! ઝોન-૬ વિસ્તારના જે-ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ વિસ્તારમાં સમાવિષ્ટ મણિનગર, ઈસનપુર, વટવા, વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે ઉપરોક્ત મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત નક્કી કરવામાં આવેલા આરોપીઓ તેમજ પોલીસ અધિકારીઓ સાથે એક રોલકોલ તેમજ ઓળખ પરેડ રાખી પૂછપરછ કરવાનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો.
આ રોલકોલ તેમજ ઓળખ પરેડ દરમિયાન એસીપી જાડેજા, મણીનગર પીઆઈ ડી.પી.ઉનડકટ, ઈસનપુર પીઆઈ બી.એસ.જાડેજા, વટવા પીઆઈ કુલદીપ ગઢવી તેમજ વટવા જીઆઈડીસી પીઆઈ આર.એમ.પરમાર તેમજ મેન્ટર તરીકે રહેલ તથા ડી-સ્ટાફના પોલીસ જવાનો સાથે જે આરોપીઓ પોલીસના રડારમાં છે તેવા ૧૫થી ૨૦ આરોપીઓને વટવા પોલીસ મથકે હાજર રાખી એક પછી એક આરોપીની હાજરીમાં પોતાનું નામ, કયા ગુન્હામાં પકડાયેલ, હાલ શું પ્રવૃત્તિ કરે છે સહિતની વિગતો મેળવાઈ હતી. આ પછી તમામ આરોપીઓને
માપ’માં રહેવા અને કોઈ ગુના નહીં કરવા પોલીસની ભાષામાં સમજાવાયા હતા.