રખડતા કૂતરા અંગે રાજ્યો સુપ્રીમકોર્ટના આદેશને પણ ગાંઠતા નથી! આખા દેશમાંથી માત્ર ત્રણ રાજ્યોએ એફિડેવિટ કરી ફાઇલ
રખડતા કૂતરાઓના મુદ્દે સુપ્રીમ કોર્ટે ઓગસ્ટમાં આપેલા આદેશનું પાલન કરવા અંગે દેશના માત્ર ત્રણ રાજ્યોએ એફિડેવિટ ફાઇલ કરી હોવાનું સામે આવતાં સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારોની આકરી ઝાટકણી કાઢી છે. કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને રૂબરૂ હાજર થઈને વિલંબનું કારણ સ્પષ્ટ કરવાનો આદેશ આપ્યો છે.
સોમવારે સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓના મુદ્દે રાજ્ય સરકારોની બેદરકારી પર સખત નારાજગી વ્યક્ત કરી હતી. ન્યાયમૂર્તિ વિક્રમ નાથ, ન્યાયમૂર્તિ સંદીપ મહેતા અને ન્યાયમૂર્તિ એન.વી. અંજારિયાની ત્રણ સદસ્યોની ખાસ બેન્ચે રાજ્યોની ઉદાસીનતા પર ગંભીર ટિપ્પણી કરતાં જણાવ્યું કે, 22 ઓગસ્ટ, 2025ના આદેશ મુજબ રખડતા કૂતરાઓને પકડી, તેમનું નસબંધી અને રસીકરણ કરીને જ્યાંથી પકડાયા હોય તે જ વિસ્તારમાં પાછા છોડવાની કામગીરીની વિગતો રજૂ કરવા રાજ્યોએ એફિડેવિટ ફાઇલ કરવાના હતા. જોકે, માત્ર પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને જવાબ ફાઇલ કર્યો છે, પરંતુ આ જવાબો પણ દિવાળીની રજાઓ દરમિયાન ફાઇલ થયા હોવાથી હજુ રેકોર્ડ પર નથી.
કોર્ટે રાજ્યોની નિષ્ક્રિયતા પર આકરી ટીકા કરતાં કહ્યું, “શું તમે અખબારો નથી વાંચતા? 22 ઓગસ્ટનો આદેશ વ્યાપકપણે પ્રસિદ્ધ થયો હતો. બે મહિનાનો સમય આપવા છતાં રાજ્ય સરકારો તરફથી કોઈ જવાબ નથી આવ્યો. આનાથી દેશની આંતરરાષ્ટ્રીય સ્તરે છબી ખરાબ થઈ રહી છે.” કોર્ટે ખાસ કરીને દિલ્હી સરકારને ફટકારતા કહ્યું, “દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને જવાબ ફાઇલ કર્યો છે, પરંતુ દિલ્હી સરકારે નથી કર્યો? આ શું ચાલી રહ્યું છે?”
આ પણ વાંચો :FIR તો થઇ ગઈ, હવે શું તે જાણવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા નહી ખાવા પડે! દરેક ફરિયાદીને આ રીતે મળી જશે દરેક જાણકારી
કોર્ટે નોંધ્યું કે, ઓગસ્ટના આદેશ બાદ પણ દેશભરમાં રખડતા કૂતરાઓના હુમલાની ઘટનાઓ યથાવત્ છે. મહારાષ્ટ્રના પૂણેમાં એક બાળક પર હુમલો થયો, ભંડારા જિલ્લામાં 20 કૂતરાઓના ટોળાએ એક બાળકી પર હુમલો કર્યો, કેરળના કન્નુરમાં રખડતા કૂતરાઓ વિશે નાટક ભજવતા એક વ્યક્તિ પર હુમલો થયો, ઉત્તર પ્રદેશના લખનૌમાં એક પરિવારના ત્રણ સભ્યોને કૂતરાઓએ કરડ્યા, અને તેલંગાણાના વારંગલમાં છેલ્લા 48 કલાકમાં આવી ઘટનાઓ બની. આ ઘટનાઓને ધ્યાનમાં રાખીને કોર્ટે રાજ્યોની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવ્યા અને તમામ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને વ્યક્તિગત રીતે હાજર થઈને વિલંબનો ખુલાસો કરવા આદેશ આપ્યો. કોર્ટે એમ પણ જણાવ્યું કે, આ મુદ્દે રાજ્યોની બેદરકારીને કારણે ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરે નકારાત્મક છબી ઊભી થઈ રહી છે. કોર્ટે રાજ્યોને ચેતવણી આપતાં કહ્યું કે આવી ઘટનાઓ દેશની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે. તમામ રાજ્યોએ આદેશનું ગંભીરતાથી પાલન કરવું જોઈએ.
આ પણ વાંચો :લોભામણી જાહેરાતથી ચેતજો! ટેલીગ્રામમાં ઘર બેઠા જોબ કરવાની જાહેરાત જોઈ રોકાણ કરતા ગૃહિણીએ લાખો રૂપિયા ગુમાવ્યા
શું હતો અદાલતનો આદેશ ?
22 ઓગસ્ટ, 2025ના રોજ સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓના મુદ્દે આદેશ આપ્યો હતો, જેમાં 11 ઓગસ્ટના આદેશમાં સુધારો કરવામાં આવ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે, રખડતા કૂતરાઓને પકડી, તેમનું નસબંધી અને રસીકરણ કરીને જ્યાંથી પકડાયા હોય તે જ વિસ્તારમાં પાછા છોડવા જોઈએ. રેબીઝથી સંક્રમિત અથવા આક્રમક વર્તન ધરાવતા કૂતરાઓને આ નિયમમાંથી અપવાદ રાખવામાં આવ્યા હતા. આદેશમાં એનિમલ બર્થ કંટ્રોલ નિયમોનું પાલન કરવાનું પણ કહેવાયું હતું, જે મુજબ નસબંધી બાદ કૂતરાઓને તેમના મૂળ સ્થળે પાછા મૂકવા જણાવ્યું હતું. આદેશ પહેલાં દિલ્હી-એનસીઆર વિસ્તારમાં તમામ રખડતા કૂતરાઓને ભેગા કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ પશુ અધિકાર કાર્યકરોના વિરોધ બાદ કોર્ટે આ મુદ્દે પુનર્વિચાર કરીને અગાઉનો આદેશ સંશોધિત કર્યો હતો.
