નડિયાદમાં થશે 78માં સ્વાતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી
પોલીસ પરેડ તેમજ 19 પ્લાટુનો દ્વારા રિહર્સલ કરવામાં આવ્યુ
રાઇફલ ડ્રિલ, ડોગ શો, મરીન કમાન્ડો મુખ્ય આકર્ષણ
આગામી 15 ઓગસ્ટના રોજ 78માં સ્વાતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં યોજાશે. અહી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન થશે. આ પર્વ નિમિત્તે યોજનાર કાર્યક્રમોની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શહેરના એસઆરપી ગ્રાઉન્ડ ખાતે રિહર્સલ કરવામાં આવ્યું હતું. રિહર્સલ દરમિયાન કલેકટર તેમજ પોલીસ અધિક્ષક ઉપસ્થિત રહ્યાં હતા. પોલીસ પરેડ તેમજ 19 પ્લાટુનો દ્વારા રિહર્સલ કરવામાં આવ્યુ હતું. 78માં સ્વાતંત્રતા પર્વની ઉજવણીમાં રાઇફલ ડ્રિલ, ડોગ શો, મરીન ડ્રાઈવનું પ્રદર્શન કરવામાં આવશે. પોલીસ વિભાગની 370 મહિલાઓ દ્વારા કલ્ચરલ એક્ટિવિટીનું પણ નિર્દેશન કરાશે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ધ્વજવંદનની મુખ્ય પરેડમાં આ વખતે ચેતક કમાન્ડો,મરીન કમાન્ડો સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પુરુષ અને મહિલાઓની 19 જેટલી પ્લાટુન ભાગ લઈ રહી છે. 15 ઓગસ્ટના રોજ પોલીસ દ્વારા રાષ્ટ્ર ધૂન સાથે તિરંગાને સલામી આપવામાં આવશે. આ ઉપરાંત પોલીસ દ્વારા અતુલ્ય ભારત હેઠળ નારીશક્તિની થીમ સાથે દેશભક્તિના ગીતોનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જિલ્લા પ્રસાશન દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ સાથે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના માર્ગદર્શન હેઠળ શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાનાર છે.
પરેડના દિવસે મરીન કમાન્ડો દરિયાઈ સુરક્ષા અંગેનું નિદર્શન કરશે.ગુજરાત પોલીસના શ્વાનદળ દ્વારા ઓબીડીયન્સ અને ઓબસ્ટ્રીકલ્સ અંગે ડેમો યોજાશે.જેમાં વિસ્ફોટકો શોધવા, જમ્પિંગ, નશીલા પદાર્થ શોધવા, સેલ્યુટિંગ સહિતના કરતબો કરવામાં આવશે