રાજકોટમાં મકરસંક્રાંતિ એટલે કે 14 જાન્યુઆરીએ ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે આંતરરાષ્ટ્રીય વન-ડે મેચ રમાવાની છે તે પહેલાં શહેરમાં સ્ટાર ક્રિકેટરો વચ્ચે ત્રણ વન-ડે મેચ રમાવાની હોય ક્રિકેટફિવર છવાઈ જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. એકંદરે આ ત્રણ વન-ડે મેચ રમવા માટે ભારત-આફ્રિકાના ક્રિકેટરો દસ દિવસ સુધી રાજકોટના `મહેમાન’ બનશે ત્યારે દિલ્હીમાં બ્લાસ્ટની ઘટનાને પગલે બંને ટીમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. હોટલની બહાર લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

સયાજી હોટેલ ખાતે સુરક્ષા વધારાઈ
કારમાં બ્લાસ્ટની ઘટનાથી દિલ્હી સહિત સમગ્ર ભારત હચમચી ગયું છે. આ મામલે તપાસ હાથ ધરવાંમાં આવી છે તેમજ રાજકોટ સહિત ગુજરાતના વિવિધ જિલ્લામાં પોલીસ એક્શનમાં આવી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. આતંકી બ્લાસ્ટથી સમગ્ર દેશની એજન્સીઓ એલર્ટ થઇ છે ત્યારે ગત રાત્રિથી જ પોલીસ વિભાગ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં પણ ગઈકાલે પોલીસ દ્વારા રેલવે સ્ટેશન-બસ પોર્ટ સહીત શહેરભરમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે સયાજી હોટેલ ખાતે ઇન્ડિયાઅને સાઉથ આફ્રિકાની ટીમના પ્લેયરોનું દશ દિવસનું રોકાણ હોવાથી રાતથી જ પોલીસ દ્વારા હોટેલ બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ત્રણ વન-ડે મેચની શ્રેણીની મેચ રાજકોટમાં રમાશે
ભારત `એ’ અને આફ્રિકા `એ’ની ટીમ વચ્ચે રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ઉપર તા.13 નવેમ્બરથી 19 નવેમ્બર દરમિયાન ત્રણ વન-ડે મેચની શ્રેણી રમાનાર હોવાથી તેમાં ભાગ લેવા માટે સોમવારે ઑલરાઉન્ડર રિયાન પરાગ ઉપરાંત ફાસ્ટ બોલરો પ્રસિદ્ધ કૃષ્ણા અને ખલીલ અહમદ રાજકોટ આવી પહોંચ્યા હતા. ભારતીય ટીમને નાનામવા રોડ પર સયાજી હોટલમાં ઉતારો આપવામાં આવ્યો છે. જ્યારે આફ્રિકાની ટીમ પણ રાજકોટ આવી પહોંચી હતી જેને ફોર્ચ્યુન હોટેલમાં ઉતારો અપાયો છે.

આ શ્રેણીમાં ઋતુરાજ ગાયકવાડ, તીલક વર્મા, અભિષેક શર્મા સહિતના સ્ટાર ક્રિકેટરો પણ ભાગ લેવાના હોય તેઓ બુધવાર સુધીમાં રાજકોટ આવી જનાર હોવાનું જાણવા મળ્યું હતું. બન્ને ટીમ વચ્ચે તા.13 નવેમ્બરે બપોરે 1ઃ30 વાગ્યાથી પ્રથમ વન-ડે મેચ રમાશે. આ પછી 16 નવેમ્બરને રવિવારે બીજી અને 19 નવેમ્બરને બુધવારે ત્રીજી વન-ડે મેચ રમાશે. ત્રણેય મેચનો સમય બપોરે 1ઃ30 વાગ્યાથી શરૂ થવાનો રહેશે.

ટીમ ઈન્ડિયા
તીલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, પ્રભસિમરનસિંઘ, રિયાન પરાગ, ઈશાન કિશન, આયુષ બદોની, નિશાંત સંધુ, વિપરાજ નિગમ, માનવ સુધાર, હર્ષિત રાણા, અર્શદીપસિંઘ, પ્રસિદ્ધ કૃષ્ણા, ખલીલ અહમદ

