રાજકોટ શહેરના મોરબી રોડ પર રહેતા કારખાનેદાર અને હોટલ સંચાલક તથા એસપીજીના પ્રમુખે એક શખસ વિરુદ્ધ વ્યાજખોરીની ફરિયાદ નોંધાવી હોય જે બાબતનો ખાર રાખી વ્યાજખોર તથા તેના સાથીએ મળી સાત હનુમાન પાસે ચાલુ વાહને યુવાનને ધોકો મારી પછાડી દઈ બેફામ માર માર્યો હતો. જે અંગે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
વિગતો મુજબ, મોરબી રોડ પર રાજમોતી સોસાયટી ન્યુ સેટેલાઈટ ચોકમાં રહેતા એસપીજીના પ્રમુખ વિશાલભાઈ કાંતિભાઈ રાબડીયા(ઉ.વ ૩૦) નામના પટેલ યુવાને કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે આર્યનગર શેરી નંબર ૩માં રહેતા ધીરૂ ટોળીયા અને તેની સાથેના અજાણ્યા શખસનું નામ આપતા જણાવ્યું હતું કે,તેને રાજકોટ અમદાવાદ હાઈવે પર માલીયાસણ ચોકડી પાસે યુ.કે.બાઈટ નામની હોટલ છે તેમજ પેડક રોડ પર ઇમિટેશનનું કારખાનું છે.રાત્રિના નવ વાગ્યે તે પેડક રોડ પર આવેલા કારખાનેથી પોતાની હોટલ તરફ જતો હતો ત્યારે સાત હનુમાન પાસે રોંગ સાઈડમાં વાહન લઈને જતો હતો. ત્યારે બાઈકમાં બે શખસો તેમની પાછળ આવતા હોય જેણે બાઇક નજીકમાં લઈ યુવાનને માથામાં પાછળના ભાગે ધોકો મારતા યુવાન પડી ગયો હતો. તેણે જોતા ધોકો મારનાર ધીરૂ ટોળીયા હતો.અને આ ધીરુએ બાદમાં ઢોર મારમાર્યો હતો.બનાવનું કારણ જણાવતા યુવકે કહ્યું હતું કે, તેને ધીરૂ ટોળીયા સામે બે મહિના પૂર્વે વ્યાજખોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી જેનો ખાર રાખી હુમલો કર્યો હતો.