ગુજરાત પોલીસના ઇતિહાસમાં SMCની કચ્છ વિસ્તારમાં સૌથી મોટી રેડ: 4 કરોડનો 56088 બોટલ વિદેશી દારૂ પકડી પાડ્યો, બુટલેગરોમાં ફફડાટ
ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ આજે કચ્છ જિલ્લામાં દારૂબંધીના અમલ માટે અત્યાર સુધીની સૌથી મોટી અને ઐતિહાસિક કાર્યવાહી કરી છે. પશ્ચિમ કચ્છના ભુજ તાલુકાના વાડવાલા ગામની સીમમાં સર્વે નંબર 39માં ચાલતા દારૂના કટિંગ પર ત્રાટકેલી SMCની ટીમે અંદાજે 4 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડીને રાજ્યના બુટલેગરોમાં ફફડાટ મચાવી દીધો છે.
SMCની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે પધ્ધર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વાડવાલા ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસને સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL)ની કુલ 56,088બોટલો મળી આવી હતી, જેની બજાર કિંમત અંદાજે ₹4,00,85,270/- થાય છે.
દારૂના જથ્થા ઉપરાંત પોલીસે હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતા અનેક વાહનો પણ જપ્ત કર્યા છે. જેમાં 02 ટાટા ટ્રક, 03 ટાટા મિનિ ટ્રક01 મહિન્દ્રા પિકઅપ02 મોબાઈલ ફોન અને ત્રિપાલ સહિત કુલ ₹5,09,06,270/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસે સ્થળ પરથી જશરામ જગા ભરવાડ (રહે. વિક્રમ, રાપર, કચ્છ), વિશાલ બિરેન કરમકમ (રહે. મેઘપર, બોરીચી, કચ્છ)ની ધરપકડ કરી છે. આ ઉપરાંત, મુખ્ય સંચાલકો અને દારૂ મંગાવનારા સહિત કુલ 23 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. પધ્ધર પોલીસ મથકમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો તેમજ નવી ‘ભારતીય ન્યાય સંહિતા 2023’ (BNS) ની ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.
