આટકોટમાં SMCએ બે કરોડનો દારૂ પકડ્યોઃ રૂરલ પોલીસમાં હડકંપ! 26,726 બોટલ દારૂ સાથે બે શખ્સોને દબોચ્યા
સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાની હદ એક તબક્કે એવી ટાઇટ થઇ ગઇ હતી કે, આ બંને જિલ્લાના ધોરી માર્ગો તરફથી સૌરાષ્ટ્ર કે, કચ્છ તરફ વિદેશી દારૂ ઘૂસવો આકરો થઇ પડ્યો હતો. હવે બુટલેગરો બેખૌફ થઇ ગયા હોય તેમ દારૂ મંગાવવા લાગ્યા છે. ત્રણ દિવસ પહેલા ચોટીલાના નાનીમોલડી પાસેથી 1.77 કરોડનો દારૂ એસએમસીએ પકડ્યો ત્યાં ફરી ગત રાત્રે આટકોટ ગોંડલ ચોકડી પાસેથી 2,22,62,319ની કિંમતનો 26,724 વિદેશી દારૂની બોટલો ભરેલો ટ્રક પકડી પાડ્યો છે. એસ.એમ.સી.એ દરોડો પાડતા જ રૂરલ પોલીસમાં હડકંપ મચી ગયો છે.
રાજકોટ રૂરલ પોલીસના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આટકોટ-ગોંડલ રોડ ચોકડી પાસે આવેલી બાપા સિતારામ હોટેલ પાસે પાર્કિંગમાં રહેલા ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો હોવાની એસ.એમ.સી.ની ટીમને માહિતી મળી હતી. જે આધારે પી.એસ.આઇ. એસ.વી.ગલચર તથા સ્ટાફે દરોડો પાડ્યો હતો. હોટલના પાર્કિંગમાં પડેલા આરજે-05-જીબી-5960 નંબરના બલ્કરમાં તપાસ કરતાં અંદરથી 2.22 કરોડની કિંમતની 2227 પેટી (26,724 બોટલ) મળી આવી હતી. ટ્રક ચાલક બાડમેરના રામસર કાકુવા ગામના જોગારામ ઓમાલારામ જાંટ તથા કલીનર સગીર વયના ઇસમની ધરપકડ કરી હતી. બલ્કર ચાલક જોગારામની પુછતાંછમાં દારૂનો જથ્થો રાજસ્થાન ફતેપૂરના નામચીન સપ્લાયર અનિલ જગદીશ પ્રસાદ પાંડીયાએ મોકલ્યાનું ખૂલ્યુ હતું. દારૂ ભરેલો ટ્રક આટકોટ પરની હોટલે કોઇ ઇસમ લેવા આવવાનો હતો.
આ પણ વાંચો :રાજકોટમાં બે મહિલા પોલીસ અધિકારી વચ્ચે એક મ્યાનમાં બે તલવાર જેવું હતું કે કેમ? વાંચો કાનાફૂસી
રાજકોટ રૂરલની હદમાં પોલીસની પકડ ઢીલી પડી ગઇ કે બુટલેગરો બેખૌફ બન્યા ?
રાજકોટ રૂરલમાં નવા એસ.પી. તરીકે સુરતના ડી.સી.પી. કડક છાપ ધરાવતા વિજયસિંહ ગુર્જર મુકાતા જ રાજકોટ ગ્રામ્ય પોલીસની હદમાં કાંઇપણ છાના ખૂણે કે લીલીઝંડીથી ચાલતુ હવે નહીં ચાલે તેવી વાત હતી અને વાત સત્ય પણ ઠરી હતી. સાહેબ હાજર થાય એ પૂર્વે ફટાફટ બધુ સાફ-સ્વચ્છ પણ થઇ ગયું હતું. નવા એસ.પી.નો ખૌફ પણ સ્ટાફથી લઇ વિસ્તારમાં ગુનેગારોમાં છવાયો. છેલ્લા એકાદ માસથી જાણે રૂરલ પોલીસની કદાચ પકડ ઢીલી પડી અથવા તો ગુનેગાર બુટલેગરને ખૌફ છૂટી ગયો હોય અથવા તો જોયુ જાશેની માફક કદાચ દારૂની લાઇન ખુલી ગઇ? મેટોડામાં થોડા દિવસ પૂર્વે એલસીબીના હાથે વાડીએ ઓરડીમાંથી લાખો રૂપીયાનો દારૂ પકડાયો હતો. રાજકોટ રૂરલ પોલીસને ગંધ ન આવી પરંતુ એસ.એમ.સી.ની ટીમને માહિતી મળી ગઇ કે, આટકોટ નજીક હોટલ પર પાર્ક થયેલા ટ્રકમાં દારૂનો મોટો જથ્થો છે. એસએમસીએ રેઇડ કરી અને અધધ કહી શકાય તેવો 2.22 કરોડની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડયો. કદાચ રાજકોટ રૂરલ પોલીસને ખ્યાલ ન હોય કોઇ લીલીઝંડી નહીં હોય પરંતુ રાજકોટ રૂરલ પોલીસની હદમાં જ બે કરોડથી વધુના દારૂનો જથ્થા સાથેનો ટ્રક રાખવો એ બુટલેગરનું બેખૌફપણું હશે કે શું? રાજકોટ રૂરલ પોલીસનું નેટવર્ક નબળુ પડયુ કે પછી ?
મહારાષ્ટ્રથી ટેન્કર આપી સપ્લાયર ફોનમાં સૂચના આપતો હતો
2.22 કરોડના વિદેશી દારૂ ભરેલું બલ્કર ટેન્કર અનિલ પાંડીયાનો મળતીયો મહારાષ્ટ્રના વીસલવાડી ખાતે આવીને આપી ગયો હતો. આરોપી ચાલકને ફોનમાં વોટ્સએપ કોલમાં અનિલ સંપર્કમાં હતો. ગુજરાતમાં ચોટીલા પહોંચવા કહ્યું અને ત્યાંથી આટકોટ હોટલે જવાની સૂચના મળી હતી કે હોટલે એક વ્યક્તિ ગાડી લેવા આવશે.
ભુજમાં પણ દારૂ ઠલવ્યો હતો સપ્લાયર સામે 17 ગુના
ટેન્કર ચાલક જોગારામે એવી કેફિયત આપી હતી કે સપ્લાયર અનિલ પાંડીયાએ ત્રણ માસ પહેલાં પણ ભુજમાં વિદેશી દારૂનો ટ્રક ઠલવવા મોકલ્યો હતો. આરોપી ટેન્કર ચાલક પાસે 2.50 લાખની કિંમતના એપલના મોબાઈલ સહિત ત્રણ ફોન મળી આવ્યા હતા. વોન્ટેડ આરોપી સપ્લાય અનિલ સામે ગુજરાતમાં અલગ-અલગ શહેર-જિલ્લામાં દારૂ સપ્લાય કરવાના 17 ગુના નોંધાઈ ચૂક્યા છે.
