રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક સ્માર્ટ બસ સ્ટેશન બનશે: ટૂંક સમયમાં કામગીરી શરૂ,સાંસદ રામભાઇની પેસેન્જરોની સુવિધા માટેની રજુઆતનો પડઘો
સંસદ સભ્ય રામભાઈ મોકરીયા દ્વારા એસટી વિભાગ સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી કે, રાજકોટ બસપોર્ટથી હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી મુસાફરોને સુલભ અને સગવડભર્યું જાહેર પરિવહન ઉપલબ્ધ થાય. રાજકોટ-અમદાવાદ બંને બાજુથી ખાનગી વાહનમાં જતાં આવતા મુસાફરોને હાઇવેથી હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી કોઈ અંદર જવા માટે કોઈ સુવિધા મળતી નથી તો તે બાબતે એસ.ટી.ની સુવિધા કરવા માટે લેખિત રજૂઆત કરતાં એસ. ટી. વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હાલ રાજકોટ શહેરથી હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી ઇલેક્ટ્રિક બસ સેવા સંચાલિત કરવામાં આવી રહી છે. મુસાફરોની સુવિધા માટે કુલ બાર (12) ટ્રિપ દૈનિક ચલાવવામાં આવે છે. એરપોર્ટ આવન-જાવન કરતા મુસાફરોને ધ્યાનમાં રાખી સમયપત્રક તથા બસની સુવિધાઓમાં યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ સદર રૂટ પર સંચાલન થતી તમામ બસ સર્વિસમાં જતાં/આવતા હીરાસર એરપોર્ટ રોડ સ્ટેન્ડ સ્ટોપ આપવામા આવેલ છે તેવી માહિતી એસટી વિભાગે આપેલ છે.
એસટી વિભાગે જણાવેલ કે, મુસાફરોને વધુ આધુનિક અને સુવિધાસભર સેવા ઉપલબ્ધ કરાવવા માટે રાજકોટ-–અમદાવાદ બંને તરફ નેશનલ હાઈવે પર સ્માર્ટ બસ સ્ટેશન વિકસાવવાની યોજના હાથ ધરવામાં આવી છે. તે પૈકી અમદાવાદથી રાજકોટ તરફ હીરાસર ખાતેના સર્વે નબર 47 પૈકી-1-ની 5000 ચો.મી. જમીન એસ.ટી. બસને 99 વર્ષના ભાડા પટ્ટે કલેક્ટર રાજકોટ દ્વારા તારીખ 3/1/2026ના હુકમથી ફાળવવામાં આવી છે. જે જમીનમાં નવીન બસ સ્ટેશન બનાવવાની કામગીરીની ટેન્ડર પ્રકિયા પૂર્ણ થયેલ છે. ટૂંક સમયમાં આ સ્થળે નવું આધુનિક એસટી બસ સ્ટેશન ડેવલોપ કરવામાં આવશે, જેમાં મુસાફરો માટે વિવિધ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સાથે હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક એસટી બસ માટે પીકઅપ સ્ટેન્ડ બનાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હોવાનું એસટી વિભાગે સ્પષ્ટ કર્યું છે.
આ પણ વાંચો :રાજકોટમાં પ્રેમિકાનું સરનામું મેળવવા પ્રેમીએ તેના માતા-ભાઇનું કર્યું અપહરણઃ ગણતરીની કલાકોમાં આરોપીઓને દબોચ્યા
સંસદ સભ્ય રામભાઈ મોકરીયા દ્વારા જણાવાયું છે કે, રાજકોટ શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી એરપોર્ટ સુધી મુસાફરોને સસ્તી, સુલભ અને વિશ્વસનીય જાહેર પરિવહન સેવા ઉપલબ્ધ રહે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મુસાફરો, વેપારીઓ તથા વિદેશ પ્રવાસીઓ માટે એરપોર્ટ સુધી પહોંચવું વધુ સરળ અને સુવિધાજનક બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. આમ સંસદ સભ્ય રામભાઇ મોકરીયા દ્વારા લેખિત રજૂઆતનો હકારાત્મક પડઘો પડેલ છે.
