અમદાવાદ આવતી અને ઊપડતી છ સાપ્તાહિક ટ્રેન રાજકોટ સુધી લંબાવાઇ
કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રીએ ટિવટ દ્વારા કરેલી જાહેરાત
સૌરાષ્ટ્રની જનતા માટે ઘણા લાંબા સમયથી કરેલી માંગણી રેલવે મંત્રાલયે સ્વીકારી અમદાવાદ થી ઊપડતી અને આવતી લાંબા અંતરની છ સપ્તાહિત ટ્રેન રાજકોટ સુધી લંબાવવાની જાહેરાત રેલવેના કેન્દ્રના રાજ્ય કક્ષાના મંત્રી સુરતના સાંસદ દર્શના જરદોશ દ્વારા ટિવટ કરી કરવામાં આવી છે. રાજકોટ રેલવે ડિવિઝનમાં ડબલ ટ્રેકમાં ઈલેકટ્રીફીકેશન કામગીરી પૂર્ણ થયા બાદ રાજકોટને વધુ છ નવી લાંબા અંતરની ટ્રેન મળતા હવે રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોને અલ્હાબાદ(પ્રયાગરાજ), કોલકતા,નાગપુર,કોલ્હાપુર અને દિલ્હી (હઝરત નિઝામુદીન)જવા ટ્રેન પકડવા માટે અમદાવાદ સુધી લાંબુ નહિ થવું પડે, સૌરાષ્ટ્રનાં મુસાફરોની સુવિધા માટે અમદાવાદથી ઊપડતી લાંબા અંતરની ટ્રેનો રાજકોટ સુધી લંબાવવા માટે અનેક વખત રેલવે મંત્રાલય સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈ રેલવે તંત્રએ અમદાવાદથી ઉપડતી છ જેટલી લાંબા રૂટની ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવાનો નિર્ણય લેતા મુસાફરોને પરિવહન સુવિધામાં વધારો થશે.આગામી દિવસોમાં નવરાત્રી અને દિવાળી વેકેશનનાં તહેવારો પૂર્વે જ રાજકોટ સહિતના સૌરાષ્ટ્રવાસી મુસાફરો, પર્યટકોને હવે રાજકોટથી પટના, પ્રયાગરાજ, કોલકતા, નાગપુર સહિતના ધર્મસ્થાનો અને મેટ્રો શહેરને જોડતી ટ્રેન ઘર આંગણે ઉપલબ્ધ થતા મુસાફરોમાં આનંદ છવાયો છે.
રાજકોટને મળેલી છ સાપ્તાહિક ટ્રેનો
અમદાવાદથી ઉપડતી જે છ ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવામાં આવી છે. તેમ રવિવારે ઊપડતી અને મંગળવારે પરત આવતી ટ્રેન નં.19421/22 અમદાવાદ-પટના એકસપ્રેસ, ગુરુવારે ઊપડતી અને શુક્રવારે પરત આવતી ટ્રેન નં.22967/68 અમદાવાદ-પ્રયાગરાજ એકસપ્રેસ, બુધવારે ઊપડતી અને શનિવારે પરત આવતી ટ્રેન નં.19413/14 અમદાવાદ-કોલકાતા એકસપ્રેસ, રવિવારે ઊપડતી અને શનિવારે પરત આવતી ટ્રેન નં.11049/50 અમદાવાદ-કોલ્હાપુર એકસપ્રેસ, અમદાવાદથી સોમ,ગુરુ અને રવિવારે ઊપડતી અને બુધ,ગુરુ અને શનિવારે પરત આવતી ટ્રેન નં. 22137/38 નાગપુર અમદાવાદ એકસપ્રેસ અને સોમવારે ઊપડતી અને શનિવારે પરત આવતી ટ્રેન નં.12917/18 અમદાવાદ-હઝરત નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ એકસપ્રેસનો સમાવેશ થાય છે