લોકસાહિત્યકાર પુત્ર જયરાજ આહિરની SIT દ્વારા પૂછતાછ: સમગ્ર રાજ્યમાં બહુ ગાજેલા કોળી યુવક પર ખૂની હુમલાની ઘટના
રાજ્યભરમાં બહુ ગાજેલા અને કોળી સમાજના સાંસદો, ધારાસભ્યો સહિતનાએ ગાંધીનગરમાં ઉઠાવેલા બગદાણામાં યુવક પર હુમલાના બનાવમાં જેના પર આક્ષેપો થઈ રહ્યા હતા તે લોકસાહિત્યકાર માયાભાઈ આહિરનો પુત્ર જયરાજ ભાવનગરમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ સમક્ષ હાજર થયો હતો. હુમલામાં કોઈ રોલ છે કે કેમ ? હુમલાખોરો સાથે સંપર્કો હતા ? જયરાજે જ હુમલો કરાવ્યો છે કે નહીં ? સહિતના મુદ્દે જયરાજની સીટના અધિકારીઓ ટીમ દ્વારા પૂછતાછ હાથ ધરાઈ છે.
બગદાણામાં ગત મહિને 29-12-25ના રોજ નવનીત બાલધીયા નામના પૂર્વ સરપંચ પર કારમાં ધસી આવેલા ઈસમોએ હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલાની ઘટનાના ઘેરા પડઘા પડ્યા હતા. સમગ્ર મામલો રાજકીય તથા સામાજિક લેવલે ગરમાવો પકડી ગયો હતો. હુમલો લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજે કરાવ્યો હોવાના આક્ષેપ થયા હતા અને તટસ્થ તપાસની માંગણી કરાઈ હતી. કોળી સમાજના સાંસદો તથા ધારાસભ્યોએ ગાંધીનગર મુખ્યમંત્રી સમક્ષ ગત તા.5ના રોજ રજૂઆત કરી તટસ્થ તપાસ માટે સીટની માગણી કરી હતી.
આ પણ વાંચો :ત્રણ સગી બહેનો પ્રેમીઓ સાથે ફરાર: મોટી બહેન હાજર થતા ખુલ્યું રહસ્ય,રાજકોટની એરપોર્ટ પોલીસે શરૂ કર્યો તપાસનો ધમધમાટ
હુમલાના બનાવમાં પોલીસે 10થી વધુ આરોપીઓની ધરપકડ કરી છે. આરંભે ઘટનાની તપાસ કરનાર મહિલા પીઆઈ ડી.વી. ડાંગર તેમજ અન્ય એક પીઆઈ કે.એસ. પટેલની પણ સીટ દ્વારા પૂછતાછ કરાઈ નિવેદન નોંધવામાં આવ્યા હતા. ત્રણ દિવસ પૂર્વે ફરિયાદી નવનીતે સીટ સમક્ષ રજૂ થઈને હુમલા સંદર્ભે મુખ્ય આરોપીને પકડવા માંગ ઉઠાવી હતી અને એવું કહ્યું કે, 15 જેટલા પુરાવાઓ પણ આપ્યા છે.
એવા આક્ષેપો થયા હતા કે માયાભાઈએ માફી માગતો વીડિયો મુક્યો હતો તે બાબત પુત્ર જયરાજથી સહન ન થયું અને જયરાજે હુમલો કરાવ્યો હતો. બહું ગાજેલા કે ચર્ચિત બનાવમાં અંતે એસઆઈટી દ્વારા જયરાજની સાથે સંકળાયેલા વ્યક્તિઓની પૂછતાછ સાથે જયરાજને પણ હાજર થવા સમન્સ મોકલ્યું હતું. સમન્સ આધારે આજે સાંજે જયરાજ આહિર સીટ સમક્ષ હાજર થતાં તેની પૂછતાછ આરંભાઈ છે. જો જયરાજની કોઈ સંડોવણી ખૂલશે તો હુમલા કેસમાં ધરપકડ કરાશે.
આરંભે પોલીસની પ્રાથમિક તપાસમાં એવું ખૂલ્યું હતું કે, ધંધાકીય કારણે માથાકૂટમાં હુમલો થયો હતો. ઘટનામાં આરંભે રાત્રે બગદાણા હોસ્પિટલમાં લઈ જવાયા ત્યારે અજાણ્યા ઈસમો પર મહુવા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા ત્યાં 6થી 8 અજાણ્યા શખસોએ હુમલો કર્યાનું અને ત્રીજા દિવસે વીડિયો વાઈરલ થયા બાદ સમગ્ર મામલો ગરમાયો હતો.
