સાહેબ લાડવો લેશો !! શિક્ષકોને સોંપાઈ VVIPઓના ભોજનની જવાબદારી, જાણો શું છે સમગ્ર મામલો
બાળકોને ભણાવવા, રેશનકાર્ડ ઈ-KYC કરાવવા, સ્કોલરશીપ માટેના બેન્ક એકાઉન્ટ ખોલાવવા સહિતની કામગીરી કરતા શિક્ષકોને મતદાર યાદી, તીડ ઉડાડવા અને શૌચાલય ગણવાની જવાબદારી બાદ રાજકોટ જિલ્લાના જસદણ ડેપ્યુટી કલેકટરે હવે ઘેલા સોમનાથ મંદિરે શ્રાવણ મહિનામાં થતા લોકડાયરા, શિવકથા અને લોકમેળા દરમિયાન અહીં આવતા VVIPની ભોજન વ્યવસ્થા સાંભળવા માટે એક, બે નહીં પણ 48 શિક્ષકોના તારીખ અને તિથિ મુજબ ઓર્ડર કરી નાગ પંચમી, રાંધણ છઠ્ઠ, શીતળા સાતમ અને જન્માષ્ટમી સહિતના દિવસે તમામ શિક્ષકોને હાજર રહેવા પરિપત્ર કરી જસદણના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને આખો મહિનો મંદિર મંદિરમાં ફરજ સોંપતો તઘલખી પરિપત્ર કરતા બાળકોના શિક્ષણના ભોગે મંદિરની ફરજ સોંપવાના પરિપત્રથી રાજ્યના શિક્ષણમંત્રી પણ ચોકી ઉઠ્યા હતા અને તાત્કાલિક પરિપત્ર રદ કરી તપાસના આદેશ આપ્યા છે.
આ પણ વાંચો : સ્માર્ટ મીટર લગાવો તો જ વીજલાઇન ઉપરથી ઝાડની ડાળી હટશે ! રાજકોટની કૈલાસ સોસાયટીના રહેવાસીઓને કડવો અનુભવ

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જિલ્લાના જસદણના પ્રાંત અધિકારી અને ડેપ્યુટી કલેકટર તેમજ ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના ઉપાધ્યક્ષ રાહુલ ખાંભરાએ તા.21ના રોજ એક વિચિત્ર પરિપત્ર કરી જસદણ તાલુકાની અલગ અલગ શાળાના આચાર્ય અને શિક્ષકો મળી 48 શિક્ષકોને સમગ્ર શ્રાવણમાસ દરમિયાન જસદણ નજીક આવેલ ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે અલગ અલગ દિવસોએ VVIP ભોજન વ્યવસ્થાનું સંચાલન કરવા તેમજ તા.13થી 17 દરમિયાન નાગ પંચમી, રાંધણ છઠ્ઠ, સાતમ અને જન્માષ્ટમી દરમિયાન આ તમામ 48 શિક્ષકોને ભોજન વ્યવસ્થા તેમજ ડાયરા, લોકમેળો અને શિવકથા દરમિયાન ફરજ સોંપી શ્રાવણ મહિનાના અંતિમ દિવસ એટલે કે અમાસના દિવસે તા.23 ઓગસ્ટના રોજ પણ તમામ શિક્ષકોને હાજર રહેવા ફરમાન કરતો પરિપત્ર કર્યો હતો. જો કે, બાળકોના શિક્ષણના ભોગે શિક્ષકોને આવી ફરજ સોંપવામાં આવતા દેકારો બોલી જતા ગુરુવારે ડેપ્યુટી કલેકટર દ્વારા હવે શિક્ષકો સ્વેચ્છાએ ફરજ બજાવનાર હોવાનું જણાવી આ પરિપત્ર રદ કરી નાખ્યો હોવાનું માહિતી વિભાગ મારફતે જાહેર કર્યું હતું.
આ પણ વાંચો : રાજકોટમાં હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 185 લોકોને મળ્યું ભારતીય નાગરિકત્વ : લાભાર્થી કહ્યું, ગર્વ સાથે કહી શકીશ કે…

બીજી તરફ જસદણ પ્રાંત અધિકારીના આ ફતવાની ગુંજ ગાંધીનગર સુધી પડતા રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ તાત્કાલિક ધોરણે આ પરિપત્ર રદ કરવાના આદેશ આપી જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કરતા શિક્ષકોને શિક્ષણકાર્ય ઉપરાંત લોકમેળામાં મહાનુભાવોના ભોજન સંચાલનની જવાબદારી સોંપવી બિલકુલ અયોગ્ય છે. વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે પરિપત્ર કરીને આવી કોઈપણ જવાબદારીઓ શિક્ષકોને સોંપવી એ ઉચિત નથી. તેમણે ઉમેર્યું હતું કે, ભારત સરકાર અથવા ગુજરાત સરકાર દ્વારા ઉચ્ચ કક્ષાએથી નિર્ધારિત કરાયેલી ચૂંટણી જેવી મહત્વપૂર્ણ ફરજ સિવાયની કોઇપણ અન્ય જવાબદારી રાજ્યના શિક્ષકોને ભવિષ્યમાં સોંપવામાં ન આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નિર્ણય લેવામાં આવશે. વિદ્યાર્થીઓના ભણતર પર અસર ન થાય તે માટે ભવિષ્યમાં શિક્ષકોને અન્ય કોઇપણ જવાબદારી સોંપવા પૂર્વે ગાંધીનગર શિક્ષણ વિભાગના અગ્ર સચિવ સાથે સંકલન કરવાનું રહેશે. સાથે જ ભવિષ્યમાં શિક્ષકોને અન્ય જવાબદારી સોંપતા આવા કોઈ આડેધડ પરિપત્રો ન થાય તે અંગે અગ્ર સચિવનું વિશેષ ધ્યાન દોર્યું હતું.