પ્રેમના નામે પાપ, દવાખાનામાં છતું થયું! દુષ્કર્મ ગુજાર્યા બાદ ગર્ભ રહી જતાં પ્રેમીએ ગર્ભપાતની દવા ખવડાવી: આ રીતે ફૂટ્યો ભાંડો
રાજકોટમાં પ્રેમીએ લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યા બાદ પ્રેમિકાને ગર્ભ રહી જતા આ પાપ છુપાવવા ગર્ભપાતની દવા ખવડાવતા ભોગ બનનારની તબિયત લથડતાં હોસ્પિટલમાં ખસેડતાં સમગ્ર હકિકત સામે આવી હતી. ઘટના અંગે પોલીસે આરોપીને સકંજામાં લઈને વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગની વિગતો મુજબ, વાવડી નજીક એક સોસાયટીમાં રહેતી 19 વર્ષીય ભોગ બનનારાના પાડોશી મહિલા આરોપીના મિત્રના ઘરે ઘરકામ માટે જતાં હોય ત્યારે અહીં તેઓએ ભોગ બનનારનો નંબર આપ્યો હતો. જે મોબાઈલ નંબરના આધારે આરોપીએ 1 વર્ષ અગાઉ ભોગ બનનારનો પરિચય કર્યો હતો. બંને એકબીજા સાથે ફોનમાં વાતો કરતા હોય ત્યારે પ્રેમ સંબંધ બંધાયો હતો દરમિયાન આરોપીએ પોતાના પરિચિતના ઘરે તેમજ શહેરની એક હોટલમાં ભોગ બનનારને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું.
જે બાદ ભોગ બનનારને છેલ્લા કેટલાક મહિનાઓથી પિરિયડ આવતા ન હોય જેથી તેણે આ અંગે પ્રેમીને જણાવ્યું હતું. ત્યારે તપાસ કરતા ભોગ બનનાર ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. જો કે પોતાનું પાપ છુપાવવા માટે આરોપીએ ભોગ બનનારને ગર્ભપાતની દવા આપી હતી. જે દવા ખાઈ જતાં તેણીને ખૂબ બિલ્ડિગ શરૂ થયા હતા અને તેણીની તબિયત પણ લથડી ગઈ હતી. પરિવાર દ્વારા
તુરંત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડતાં અહીં ભોગ બનનાર ગર્ભવતી હોવાનું સામે આવતા માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી પડી હતી.
આ પણ વાંચો : રાજકોટમાં પહેલીવાર એક સાથે 17 સામે ગુજસીટોકનું હથિયાર : ACP બી.બી.બસીયાને ગુજસીટોકની છઠ્ઠી તપાસ સોંપાઈ
બનાવ અંગે સરકારી હોસ્પિટલના સ્ટાફને જાણ કરતા તાલુકા પોલીસ મથકના પી.એસ. આઈ શેખ હોસ્પિટલે પહોંચી ભોગ બનનારની ફરિયાદના આધારે મૂળ ગીર સોમનાથના વતની અને હાલમાં રાજકોટમાં રહેતા આરોપી હિતેશ જાદવભાઈ વાઢેર સામે દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ભોગ બનનાર એક ગરીબ પરિવારમાંથી હોય ત્યારે આરોપીએ પ્રથમ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચ્યું જે બાદ તેને તરછોડી દીધી હતી. જો કે બનાવની ગંભીરતાને ધ્યાને લઈને રાજકોટ તાલુકા પોલીસ મથકના સ્ટાફે ગણતરીની કલાકોમાં આરોપી હિતેષ વાઢેરને સકંજામાં લઈ વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીને ગર્ભપાતની ગોળી કેવી રીતે મળી ગઇ?
આવી ગર્ભપાતની દવા આરોપીને કેવી રીતે મળી તે પણ એક તપાસનો વિષય છે ત્યારે આ અંગે એક ખાનગી તબીબે વોઇસ ઓફ ડે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગર્ભપાતની દવા આપતા પહેલા કોઈ પણ ડોકટરે તેના નીતિ નિયમ મુજબ તપાસ કરવાની હોય છે જેમાં આ દવા લગ્ન થઈ ગયા હોય તેને આપવી, મહિલાને બે બાળકો હોવા જોઇએ, પ્રેગ્નન્સીમાં કોઈ તકલીફ હોય તે સહિતના ઘણા માપદંડો ચેક કરવાના હોય છે. આ અંગેની એક રજિસ્ટર પણ મેન્ટેન કરવાનું હોય છે જેમાં દવા મેળવવાની વિગત ભરવાની રહેતી હોય છે. જો કે વધુમાં જણાવ્યું હતું કે શહેરમાં કેટલાક મેડિકલ સંચાલકો નફો મેળવવાની લાલચે ગેરકાયદેસર રીતે આવી દવાનું વેચાણ કરે છે હકિકત ડોકટરની સલાહ વગર જો આવી દવાનું સેવન કરવામાં આવી તો કોઈવાર મહિલાનો જીવ પણ જઈ શકે છે.
