ગુજરાતી પરિવારમાં આઘાતજનક ઘટના! અમેરિકામાં સિઝોફ્રેનિયા પીડિત પુત્રએ બીમાર પિતાની કરી ઘાતકી હત્યા
અમેરિકામાં ભારતીય મૂળ ધરાવતા અને સિઝોફર્નિયાથી પીડાતા 28 વર્ષીય યુવાને તેના 67 વર્ષના બીમાર પિતાની ઘરમાં જ ઘાતકી હત્યા કરી હતી. ભ્રમણામાં જીવતા એ યુવાને બાળપણમાં તેના પિતાએ તેનું જાતીય શોષણ કર્યું હોવાથી, તેમની હત્યા કરવી એ ધાર્મિક ફરજ હતી એવું નિવેદન આપ્યું હતું.
અમેરિકાના ઇલિનોઇ રાજ્યના શૉમબર્ગ શહેરમાં આ આઘાતજનક ઘટના થેન્ક્સગિવિંગ વીકએન્ડ દરમિયાન બની હતી 29 નવેમ્બર સવારે લગભગ 11 વાગ્યાની આસપાસ 67 વર્ષીય અનુપમ પટેલ તેમના શયનકક્ષામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યા હતા. તેમના માથામાંથી ભારે રક્તસ્ત્રાવ થતો હતો અને તેઓ બેભાન હાલતમાં પડ્યા હતા.
અનુપમ પટેલની પત્ની સવારે લગભગ 5.42 વાગ્યે કામે નીકળી હતી. અનુપમ પટેલ ડાયાબિટીસથી પીડાતા હોવાથી તેઓ કામ કરતા ન હતા. તેમના બ્લડ શુગરનું મોનિટર પત્નીના મોબાઇલ સાથે જોડાયેલું હતું અને સામાન્ય રીતે તેઓ દરરોજ સવારે 8 વાગ્યે પત્નીને ફોન કરીને પોતાની સ્થિતિ જણાવતા હતા. પરંતુ ઘટનાના દિવસે એવો ફોન ન આવતા અને બ્લડ શુગર લેવલ સતત ઘટતું દેખાતા પત્ની ચિંતિત બની હતી.
આ પણ વાંચો :રાજકોટ TRP અગ્નિકાંડના આરોપી નીતિન લોઢાનું હાર્ટ એટેકથી મોત : 22 નવેમ્બરે જ જેલમાંથી છૂટ્યો હતો
પત્નીએ પતિ તથા પુત્ર બંનેને ફોન કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ જવાબ ન મળતા, તેઓ લગભગ 10.30 વાગ્યે ઘરે પરત ફર્યા. ઘરે પહોંચતા તેમને ગેરેજનો દરવાજો ખુલ્લો મળ્યો અને પુત્ર અભિજીત પટેલે તેમને કહ્યું કે તેણે “પિતાનું ધ્યાન રાખી લીધું છે” અને તેમને અંદર જઈ તપાસ કરવા કહ્યું. અંદર જઈને જોયું તોપથારી પર પતિની લોહીથી લથબથ લાશ પડી હતી.પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે અનુપમ પટેલના માથા પર ઓછામાં ઓછા બે ઘા મારવામાં આવ્યા હતા, જેના કારણે ખોપરી તૂટી ગઈ હતી અને નાક પણ ભાંગી ગયું હતું.
માથા પર અનેક ઘા માર્યા હોવાની પુત્રની કબૂલાત
ઘટના બાદ અભિજીત પટેલે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે બાળપણમાં પિતાએ પોતાનું જાતીય શોષણ કર્યું હોવાનું તેને લાગે છે અને તેથી પિતાની હત્યા કરવી એ તેની “ધાર્મિક ફરજ” હતી. જોકે ડોક્ટરોના મતે તેના આ આરોપો ભ્રમજન્ય છે. અભિજીત પટેલને અગાઉ સિઝોફ્રેનિયાની ગંભીર બીમારીનું નિદાન થયું હતું અને તે માટે તેને હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યો હતો. અભિજીત પટેલે કોર્ટમાં કબૂલાત આપી કે તે સ્લેજહેમર લઈને પિતાના રૂમમાં ગયો હતો અને પિતા જાગતા હાલતમાં હતા ત્યારે તેમના માથા પર અનેક વાર ઘા માર્યા હતા. ત્યારબાદ હથિયાર ત્યાં જ મૂકીને તે રૂમમાંથી બહાર નીકળી ગયો હતો.
