શરમ કથા : રાજકોટની પાયલ હોસ્પિટલમાં મહિલાઓની ગરિમા ‘ઘાયલ’, હોસ્પિટલના સંચાલકો મોઢું છુપાવવા લાગ્યા
રાજકોટ જ નહીં આખા ગુજરાતના તબીબી જગતને શર્મસાર કરતી ઘટના
સાતથી વધુ વીડિયો યુ-ટ્યુબ તેમજ ટેલિગ્રામ ઉપર આગની જેમ વાયરલ: સાયબર ક્રાઈમ પોલીસની તપાસનો ધમધમાટ
હોસ્પિટલના સંચાલકો મોઢું છુપાવવા લાગ્યા, કોઈએ વાયરલ ફૂટેજ અંગે ફોડ ન પાડ્યો: સંચાલકને પોલીસ મથકે લઈ જવાયો
ડૉક્ટરને લોકો ભગવાનની બિરુદ આપી તેમના ઉપર આંધળો વિશ્વાસ મુકતાં હોય છે. જો કે અમુક બેદરકાર ડૉક્ટરો એવા પણ હોય છે કે જેમના નાક નીચે એમની જ નહીં બલ્કે આખા ગુજરાતના તબીબોની આબરૂનું વસ્ત્રાહરણ થઈ રહ્યું હોવા છતાં તેમના ધ્યાને કશું જ હોતું નથી. આવી જ એક ચોંકાવનારી અને અત્યંત શરમજનક કહી શકાય તેવી ઘટના રાજકોટના ૧૫૦ ફૂટ રિંગરોડ પર વેસ્ટગેઈટ કોમ્પલેક્સના પ્રથમ માળે આવેલી પાયલ મેટરનીટી હોસ્પિટલમાં બનવા પામી છે. અહીં સારવાર માટે આવતી ગર્ભવતિ મહિલાઓની લેબર રૂમમાં ચાલતી સારવારના સાત જેટલા વીડિયો યુ-ટ્યુબ અને ટેલિગ્રામ ઉપર વાયરલ થઈ જતાં સનસનાટી મચી જવા પામી હતી.

જાણવા મળેલી વિગતો પ્રમાણે પાયલ મેટરનિટી હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં મહિલાઓ પોતાની સારવાર માટે આવતી હોય છે. ખાસ કરીને મહિલાઓને એક ઈન્જેક્શન મુકવા માટે લેબર રૂમમાં લઈ જવામાં આવે છે જ્યાં મુકાયેલા એક સીસીટીવી કેમેરામાં મહિલાઓના કપડાં ઉતારવાથી લઈ ઈન્જેક્શન મુકવા સહિતના ફૂટેજના વીડિયો બનાવી યુ-ટ્યુબ ઉપર અપલોડ કરી દેવામાં આવતાં ખળભળાટ મચી ગયો હતો.
બીજી બાજુ હોસ્પિટલના સંચાલકો દ્વારા દરેક રૂમ તેમજ વિભાગ કે જ્યાં જ્યાં સીસીટીવી મુકાયા છે તેના પર નજર રાખવા માટે એક વિશાળ ટીવી સ્ક્રીન મુકવામાં આવી છે ત્યારે લેબર રૂમના વીડિયો જ શા માટે વાયરલ કરવામાં આવ્યા તેનાથી સૌ અજાણ હોવાનું રટણ કરવામાં આવતાં સંચાલકો ઉપર પણ શંકા થયા વગર રહેતી નથી. આ મામલો પ્રકાશમાં આવતાં જ હોસ્પિટલના સંચાલકો તેમજ સ્ટાફે મોઢું છુપાવી લીધું હતું અને આ વાયરલ ફૂટેજ અંગે થવી જોઈએ એટલી સ્પષ્ટતા કરવાનું ટાળ્યું હતું.
દરમિયાન સાયબર ક્રાઈમ પોલીસની ટીમ પણ હોસ્પિટલે દોડી ગઈ હતી અને ત્યાં સઘળું ચેકિંગ કરીને કેમેરા કબજે કર્યા હતા સાથે સાથે મુખ્ય સંચાલકની ત્યાં પૂછપરછ શરૂ કર્યા બાદ વધુ પૂછપરછ માટે સાયબર ક્રાઈમ પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો.
અમદાવાદથી એક ટવીટ થયું’ને પોલીસ થઈ દોડતી
આ સમગ્ર મામલો ઉજાગર થવા પાછળનું મુખ્ય કારણ એક ટવીટ છે. સાગર પટોલિયા નામના એક યુવકે સાયબર ગુજરાતને સંબોધીને એક ટવીટ કર્યું હતું જેમાં લખ્યું હતું કે ગુજરાતની કોઈ હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપની ક્ષણો સીસીટીવી ફૂટેજ રૂપે યુ-ટ્યુબમાં પોસ્ટ થઈ રહી છે. વળી, આ વ્યક્તિ યુ-ટયુબ ચેનલ મારફતે પોતાની ટેલિગ્રામ ચેનલમાં જોડાવાની અપીલ પણ કરે છે. આ સહિતનું લખાણ ટવીટમાં લખતાં જ અમદાવાદ સાયબર ક્રાઈમ એક્શનમાં આવી હતી અને ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી.
પૂર્વ મહિલા કર્મચારીએ જ `કળા’ કર્યાની આશંકા
એવી વિગતો પણ પ્રકાશમાં આવી છે કે જે નામથી યુ-ટ્યુબ ચેનલ તેમજ ટેલિગ્રામ ચેનલ ઉપર વીડિયો વાયરલ કરવામાં આવ્યા તે નામની મહિલા થોડા સમય પહેલાં હોસ્પિટલની લેબમાં ફરજ બજાવતી હતી. જો કે આ યુવતીએ અહીં કેટલો સમય નોકરી કરી, શા માટે છૂટી થઈ અથવા તો કરવામાં આવી તે અંગે જવાબદાર સ્ટાફને પૂછવામાં આવતાં તેમણે કશું જ કહેવાનો ઈનકાર કરી દીધો હતો એટલા માટે હોસ્પિટલની પૂર્વ મહિલા કર્મચારીએ જ આ શરમજનક બનાવને અંજામ આપ્યો હોવાની શંકા સેવાઈ રહી છે.
કોઈએ સીસીટીવી હેક કર્યા હોય તેવું લાગી રહ્યું છે: ડાયરેક્ટર સંજય દેસાઈ
સમગ્ર ઘટના અંગે જ્યારે પાયલ મેટરનીટી હોસ્પિટલના ડાયરેક્ટર તેમજ એમ.ડી.ગાયનેક-આઈવીએફ સ્પેશ્યાલિસ્ટ ડૉ.સંજય દેસાઈને પૂછવામાં આવ્યું તો પહેલાં તેમણે એમ કહ્યું કે વીડિયો વાયરલ થવા બાબતે તેઓ અજાણ છે ! આ પછી ફેરવી તોળતાં એમ કહેવા લાગ્યા કે કોઈએ હોસ્પિટલના સીસીટીવી હેક કરીને તેના મારફતે વીડિયો વાયરલ કર્યા હોવાનું લાગી રહ્યું છે. હવે તેમની વાતમાં કેટલું તથ્ય હશે તે તો પોલીસ તપાસના અંતે જ ખ્યાલ આવશે.
દરેક ફૂટેજ જોવા માટે વિશાળ સ્ક્રીન મુકાઈ છતાં સૌ અજાણ રહી ગયા !
હોસ્પિટલની રૂબરૂ ચકાસણી કરવામાં આવતાં ત્યાં એક સીસીટીવી રૂમ તૈયાર કરાયો છે જ્યાંએક વિશાળ ટીવી સ્ક્રીન મુકવામાં આવી છે. આ સ્ક્રીન પર દરેક વિભાગના સીસીટીવી ફૂટેજ જોઈ શકાય છે આમ છતાં લેબર રૂમના જ ફૂટેજ શા માટે વાયરલ થયા તે મુદ્દો શંકાસ્પદ લાગ્યા વગર રહેતો નથી.
ત્રણ વીડિયો ૧૪ ડિસેમ્બરે, બે ૧૬ ડિસેમ્બર અને બે ૧૭ ડિસેમ્બરના
પોલીસ તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે પાયલ મેટરનિટી હોસ્પિટલના લેબર રૂમના જે વીડિયો વાયરલ થયા છે તે તમામ સાત વીડિયો ડિસેમ્બર મહિનાના ત્રણ દિવસની અંદરના છે. જો કે યુ-ટયુબ પર તેને અપલોડ અલગ-અલગ દિવસે કરવામાં આવ્યા છે. વીડિયોની તારીખ જોવામાં આવે તો ત્રણ વીડિયો ૧૪ ડિસેમ્બર, બે વીડિયો ૧૬ ડિસેમ્બર અને બે વીડિયો ૧૭ ડિસેમ્બરના જોવા મળી રહ્યા છે. જ્યારે અપલોડ કરવાનો સમય ૧૬ ફેબ્રુઆરીથી લઈ એક મહિના દરમિયાનનો હોવાનું બહાર આવ્યું છે.
અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ગુનો દાખલ કર્યો’ને ફૂટ્યો ભાંડો
રાજકોટના ડીસીપી (ક્રાઈમ) ડૉ.પાર્થરાજસિંહ ગોહિલે `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ પાયલ મેટરનીટી હોસ્પિટલના લેબર રૂમના જે વીડિયો વાયરલ થયા છે તે બાબતે જવાબદારોની પૂછપરછ ચાલી રહી છે. અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ સમગ્ર મામલો ઉજાગર થયો હતો. હવે આ અંગે રાજકોટ પોલીસ પણ તપાસ કરશે અને ગુનો નોંધવા સહિતની કાર્યવાહી કરશે.