રાજકોટની રાજકુમાર કોલેજથી લીમડા ચોક સુધી ગટરના પાણીની રેલમછેલ : માથું ફાડી નાખે તેવી દૂર્ગંધથી લોકો ત્રાહિમામ
એક બાજુ સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટ 37મા ક્રમેથી 19મા ક્રમે આવતાં અધિકારીઓ અને પદાધિકારીઓ ફૂલ્યા સમાતાં ન્હોતા. જો કે જાગૃત નાગરિકો સ્વચ્છતા બાબતે રાજકોટનો ક્રમ આખરે સુધર્યો કેવી રીતે તેને લઈને માથું ખંજવાળી રહ્યા છે કેમ કે જે પ્રકારનો દાર્વો તંત્ર દ્વારા કરાઈ રહ્યો છે તે પ્રકારની સફાઈ રાજકોટમાં થઈ ન રહ્યાની વાસ્તવિક્તા છે.

આ બધાની વચ્ચે જ્યાંથી મોટી સંખ્યામાં નાના-મોટા વાહન પસાર થાય છે તે રસ્તે ગંદા પાણીની લાઈન તૂટતાં રાજકુમાર કોલેજના શાસ્ત્રીમેદાન પાસેના ગેઈટથી લઈ લીમડા ચોક સુધીના રસ્તે માથું ફાડી નાખે તેવી દૂર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.

આ ગંદુ પાણી છેલ્લા છ દિવસથી ઉભરાઈ રહ્યું છે આમ છતાં તંત્રવાહકો ‘ફોલ્ટ’ શોધવામાં નિષ્ફળ નિવડી રહ્યા હોય લોકોએ મોઢે રૂમાલ નાખીને અહીંથી પસાર થવું પડી રહ્યું. છે. રાજકુમાર કોલેજના શાસ્ત્રીમેદાન ગેઈટ સામેના ગેઈટ નજીકથી ગટરનું પાણી લીકેજ થઈ રહ્યું છે અને તે વહેતું વહેતું છેક લીમડા ચોક સુધી પહોંચતાં આખો રસ્તો દૂર્ગંધ મારી રહ્યો હતો.

આ પણ વાંચો : 1400 કરોડનાં ખર્ચે બનેલાં રાજકોટ એરપોર્ટ પર બે દિવસથી ‘પાણી’ની કટોકટી: પેસેન્જરોએ ‘હંગામો’મચાવ્યો
વળી, રેલાતું પાણી કુંડલિયા કોલેજવાળી ગલી કે જેને ખાઉંગલી તરીકે ઓળખવામાં આવે છે ત્યાં પહોંચતું હોવાથી મોટી સંખ્યામાં નાસ્તો કરવા આવતાં સ્વાદશોખીનોને મોઢે રૂમાલ બાંધી નાસ્તો કરવો પડી રહ્યો છે.

આ જ રીતે પાણી લીમડા ચોકમાં આવેલા ટ્રાફિક સિગ્નલ સુધી પહોંચી ગયું હોય લોકો સિગ્નલ બંધ હોય ત્યારે ગંદા પાણીમાં પગ મુકી ઉભા રહેવા માટે પણ મજબૂર બન્યા છે. જો તાકિદે આ લાઈનનું રિપેરિંગ કરવામાં નહીં આવે તો ભયંકર બીમારી ફાટી નીકળવાની શક્યતા નકારી શકાતી નથી.