સાત આફ્રિકનના વિઝા પૂર્ણ થયાને એક વર્ષ પુરૂં થયું છતાં રાજકોટમાં રહેતા હતા! તમામને દેશ પરત મોકલાશે
રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી આફ્રિકન લોકો અભ્યાસ તેમજ વેપાર કરવા રાજકોટ આવી ગયા હોવાનું અને આ લોકોની વસતીમાં સતત વધારો થઈ રહ્યો હોવાની ફરિયાદો મળવા ઉપરાંત આ પૈકીના અમુક લોકો દ્વારા અનૈતિક ધંધા શરૂ કરાયાના આક્ષેપ બાદ ક્રાઈમ બ્રાન્ચ, SOG, નાર્કોટિક્સ સહિતની બ્રાન્ચે મોરબી રોડ પર રતનપર, ઘંટેશ્વર, હડાળા સહિતના વિસ્તારોમાં ચેકિંગ કરતા સાત આફ્રિકન એવા મળ્યા હતા જેમના વિઝાને એક વર્ષ પૂર્ણ થઈ ગયું હોવા છતાં રાજકોટમાં જ રહેતા હતા ! હવે આ તમામને પરત તેમના દેશ મોકલવાની તૈયારી કરાઈ છે.
આ અંગે એસીપી (ક્રાઈમ) બી.બી. બસીયાએ જણાવ્યું કે પ્રથમ દિવસે કરાયેલા ચેકિંગમાં પાંચ વિદેશી જેમાં યુગાન્ડાના ચાર અને આફ્રિકાનો એક વ્યક્તિ વિઝા પૂર્ણ થયાને એક વર્ષ વીતી ગયું છતાં રિન્યુ કરાવ્યા વગર રહેતા વિઝાના નામે રાજકોટ આવી ગયા હતા અને તમામ કંઈકને કંઈક વેચતા હોવાનું દર્શાવ્યું હતું. જો કે સાચે જ આ લોકો દર્શાવેલો બિઝનેસ કરતા હતા કે બીજો કોઈ તે અંગે તપાસ ચાલી રહી છે. જ્યારે બીજા દિવસે કરાયેલા ચેકિંગમાં વધુ બે લોકોના વિઝા પૂર્ણ થયાનું ધ્યાન પર આવતા હવે સાતેય લોકોને રાજકોટથી ડિપોર્ટ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વિઝા પૂર્ણ થયા છતાં એક વર્ષ સુધી રાજકોટમાં રહેતા આફ્રિકન લોકો ઉપર પોલીસનું તો ધ્યાન ગયું જ નહીં જ્યારે સાત પૈકી એકાદ-બે લોકો સ્ટુડન્ટ વિઝા ઉપર આવ્યા હોય અને તેઓ આર.કે. તેમજ મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોય યુનિવર્સિટીઝ દ્વારા પણ વિઝાની દિશામાં કોઈ જ ધ્યાન કેન્દ્રીત કરવામાં ન આવતા કેવા પ્રકારની લાલિયાવાડી ચાલી રહી છે તેનો ખ્યાલ આવી જાય છે.
