રાજકોટના આરોગ્ય કેન્દ્રમાં રસી આપવામાં ગંભીર બેદરકારી: ત્રણમાંથી બે ડોઝ આપ્યા’ને કહ્યું, એક ઢોળાઈ ગયો !
રાજકોટ મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં સુદઢ સારવાર મળી રહ્યાના તંત્ર દ્વારા ભલે દાવા કરવામાં આવી રહ્યા હોય પરંતુ ઘણીવખત જોવા મળતી બેદરકારી આ દાવા ઉપર પાણીઢોળ કરી રહી છે ત્યારે તાજેતરમાં જ 16 મહિનાના બાળકને રસી આપવામાં આશા વર્કરથી મોટી ભૂલ થઈ જતાં વાલીએ ચિંતીત બનીને ફરિયાદ કરી હતી પરંતુ ફરિયાદ સાંભળવાની જગ્યાએ ધક્કા મારી ઓફિસ બહાર તગેડી મુકાતાં પતિ-પત્ની મહાપાલિકાની કચેરીમાં જ ધરણાં પર બેસી જતાં અફડાતફડી મચી ગઈ હતી.

આ અંગે નેહલ પ્રભાતભાઈ હુંબલ (રહે. કોઠારિયા રોડ, વૃંદાવન પાર્ક)એ જણાવ્યું કે તેઓ 16 મહિનાના બાળકના રસીકરણ માટે પ્રણામી ચોકમાં આવેલા આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા. અહીં રહેલા આશા વર્કર મનિષાબેન ડામોરે મમતા કાર્ડમાં નોંધણી કરી રસિકરણ કર્યું હતું. જો કે રસી મુકાવ્યાના 20 દિવસ પછી બાળકને તકલીફ થતાં નેહલે તપાસ કરી હતી જેના આધારે જાણવા મળ્યું હતું કે બાળકને વીટામીન-એનો ડોઝ અપાયો જ નથી. આ અંગે મનિષાબેન ડામોરને પૂછતાં તેમણે કહ્યું હતું કે ત્રણમાંથી એક ડોઝ ઢોળાઈ ગયો હોવાર્થી આપ્યો ન્હોતો.
આ પણ વાંચો : રાજકોટ TRP અગ્નિકાંડમાં 22 મુદ્ત બાદ 15 આરોપીઓ સામે અંતે ચાર્જફ્રેમ, કેસ ઝડપથી ચાલશે
જો કે ડોઝ નહીં આપ્યાની જાણકારી વાલીઓને કરવામાં ન આવતાં બાળકની તબિયત ઉપર અસર જોવા મળી હતી. આ પછી નેહલે આરોગ્ય કેન્દ્રના ઈન્ચાર્જ અધિકારી ડૉ.અમન પટેલને જાણ કરતાં ત્યાંથી પણ સરખો જવાબ મળ્યો ન્હોતો. ત્યારબાદ આરોગ્ય અધિકારી ડૉ.જયેશ વંકાણીને ફરિયાદ કરતાં સંતોષકારક જવાબ આપવા તેમજ કાર્યવાહી કરવાને બદલે તેમણે ધક્કા મારીને નેહલ અને તેમના પત્નીને ઓફિસમાંથી બહાર કાઢી મુકતાં બન્ને કચેરીમાં જ ધરણા પર બેસી ગયા હતા.