અમદાવાદ એરપોર્ટ પર જુઓ કઈ ટેક્સી સેવા શરૂ થઇ, મુસાફરોને મળશે રાહત
અમદાવાદ એરપોર્ટ પરથી હવે મીટર ટેક્સીની શરૂઆત કરવામાં આવી છે. ટ્રાફિક (ઈસ્ટ)ના DCP સફીન હસને અમદાવાદના SVP એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ ખાતે 20 કાર સાથે શહેરની પહેલી મીટરવાળી ટેક્સી સેવાનું ઉદ્ઘાટન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે એરપોર્ટ પર સીટિ બેઝ ટેક્સી ડ્રાઈવરોના ભાડાઓમાં આસમાન જમીનનો ફેર હતો. અગાઉ પણ ઘણીવાર પેસેન્જર અને ડ્રાઈવરો વચ્ચે વિવાદ અને હાથાપાઈ સુધી વાત પહોંચી ગઈ હોવાના અહેવાલો મળ્યા હતા. તેવામાં હવે મીટર રિક્ષા અને ટેક્સી એગ્રેગેટર કંપનીઓ સાથે સ્પર્ધામાં ટકી રહેવા માટે સીટિ બેઝ ડ્રાઈવરોએ પણ પોતાના ભાડાઓ તેમના સમાન રાખવાનું શરૂ કર્યું હતું. વામાં આવ્યો છે.
સિટી ટેક્સી જાગૃત વેલફેર એસોસિએશનના હેડ કિશોર ચૌધરીએ જણાવ્યું હતું કે અમારી પાસે અત્યારે 20 મીટરવાળી ટેક્સીઓ છે જેમાંથી 11ની સર્વિસ માટે અત્યાર સુધીમાં નોંધણી કરવામાં આવી ગઈ છે. અમને આશા છે કે અમે અમદાવાદ એરપોર્ટ પર ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ટર્મિનલ પરથી 300થી વધુ ટેક્સીઓ ચલાવી શકીશું.
એસી મીટરવાળી ટેક્સીનાં ભાડા પર વાત કરીએ તો ‘મીટર ડાઉન’ પર તે ઓછામાં ઓછું રૂ.33.50 હશે અને પછી રૂ. 25 પ્રતિ કિલોમીટર રહેશે. બીજી બાજુ નોન-એસી ટેક્સીઓ માટે ‘મીટર ડાઉન’ પર ભાડુ રૂ. 30 અને પછી રૂ. 20/કિ.મી રહેશે.
જોકે, તેમણે કહ્યું કે રાજ્ય સરકારે હજુ સુધી મીટરવાળી ટેક્સીઓ માટે ‘વેઇટિંગ ચાર્જ’ અને ‘નાઈટ ચાર્જ’ જાહેર કર્યા નથી.