સરકારી ભૂલ છુપાવવા જુઓ કેટલા વાહનોને બ્લેક લીસ્ટ કરી દેવાયા
- 2021 અને 2022 વચ્ચે ખરીદ કરેલા વાહનો બ્લેકલિસ્ટેડ થઇ ગયા
- ટેમ્પરરી રજિસ્ટ્રેશન ફીમાં ઘટ પડી એટલે ભૂલ સુધારવા આવું ગતકડું કર્યું
ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની એક ભૂલના કારણે લગભગ 10.5 લાખ વાહનો બ્લેકલિસ્ટ થઈ ગયા છે. તમે 2021 અને 2022 વચ્ચે વાહન ખરીદ્યું હોય તો તમારે પણ mparivahan એપ પર જઈને ચેક કરવું પડશે કે ક્યાંક તમારું વાહન પણ બ્લેકલિસ્ટ નથી થઈ ગયું ને! આ માટે તમારે વર્ચ્યુઅલ રજિસ્ટ્રેશન નંબર ચેક કરવા પડશે. રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગની એક ભૂલના કારણે ટેમ્પરરી વ્હીકલ રજિસ્ટ્રેશન ફીમાં મોટી ઘટ પડી. આ ભૂલ સુધારવા માટે તેમણે લાખો વાહનો જ બ્લેકલિસ્ટ કરી દીધા છે. હવે જ્યાં સુધી રજિસ્ટ્રેશન ફીમાં ઘટતી રકમ ભરવામાં નહીં આવે ત્યાં સુધી વાહનો બ્લેકલિસ્ટેડ રહેશે.
રોડ પરિવહન મંત્રાલયે વર્ષ 2021માં જાહેરાત કરી કે વાહનના કુલ રજિસ્ટ્રેશન ખર્ચમાંથી 50 ટકા રકમ ટેમ્પરરી રજિસ્ટ્રેશન ફી તરીકે વસુલવામાં આવશે. કાર માટે આ ફી 300 રૂપિયા અને ટુ વ્હીલર માટે 150 રૂપિયા નક્કી કરવામાં આવી. જોકે, વધારાની ફી કલેક્ટ કરવા માટે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની ઓનલાઈન સિસ્ટમમાં કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી.
તેના કારણે જૂની સિસ્ટમ મુજબ જ ફી ભરવામાં આવી. તેથી કારના ડીલરોએ કાર દીઠ 100 રૂપિયા ઓછી ફી ભરી હતી જ્યારે ટુ વ્હીલર ડીલરોએ વાહન દીઠ 50 રૂપિયા વધારે ભર્યા હતા. જેમના વાહન બ્લેકલિસ્ટ થયા છે તેમને mparivahan એપ પર એક મેસેજ મળે છે જેમાં લખ્યું છે કે વાહનના રજિસ્ટ્રેશન વખતે ટેમ્પરરી રજિસ્ટ્રેશન ફીના તફાવત અથવા પેન્ડિંગ ડિમાન્ડના કારણે અમદાવાદ, ગુજરાત દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવેલ છે.
સૂત્રોએ જણાવ્યું કે આ ભૂલ માટે ટ્રાન્સપોર્ટ કમિશ્નરની ઓફિસ જવાબદાર છે કારણ કે તેણે ફી વધારા વિશે સંબંધિત ડીલરો અને રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (આરટીઓ)ને જાણ કરી ન હતી. જોકે, અધિકારીઓ આ માટે નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટરને દોષ આપે છે જેનું કહેવું છે કે ઓનલાઈન રિવાઈઝ્ડ ફી લેવા માટે NICએ જ વ્યવસ્થા કરી ન હતી. આ મુદ્દો ધ્યાનમાં આવ્યા પછી ટ્રાન્સપોર્ટ કમિશ્નરની ઓફિસે એપ્રિલ 2021 પછી રજિસ્ટર થયેલા તમામ વાહનોને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લીધો હતો.
એક ડીલરે જણાવ્યું કે ફીમાં વધારાની કોઈ પણ રકમ બાકી હોય તો તે હવે વાહનના માલિકનો પ્રોબ્લેમ છે. અમે માત્ર અમારા એજન્ટને વ્હીકલના ઓનરને ડ્યૂ રકમ ભરવામાં મદદ કરવા માટે કહી શકીએ. તેનાથી વધારે અમે કંઈ કરી શકીએ નહીં. એક એજન્ટે આનો ઉકેલ સૂચવતા કહ્યું કે વાહન માલિકો ઓરિજિનલ આરસી બૂક, વીમાના કાગળો અને ફોટો આઈડી લઈને આરટીઓ જાય અને બાકીની ફી ભરીને વાહનને બ્લેકલિસ્ટમાંથી દૂર કરાવી શકે.
વાહન બ્લેકલિસ્ટેડ હોય તો શું થાય?
જે 10.50 લાખ વાહનો બ્લેકલિસ્ટ થયા છે તેમાંથી એક લાખ વાહનો અમદાવાદના છે. તમારું વાહન બ્લેકલિસ્ટેડ હશે તો તમે તેને વેચી નહીં શકો અને હાઈપોથિકેશન પણ નહીં કરાવી શકો. અગાઉ પેસેન્જર વ્હીકલ માટે ટેમ્પરરી રજિસ્ટ્રેશન ફી 200 રૂપિયા હતી. એપ્રિલ 2021માં કાર માટે આ ફી વધારવામાં આવી હતી જ્યારે ટુ વ્હીલર્સ માટે ઘટાડવામાં આવી હતી.