દાદાના મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રનો દબદબોઃ રાજકોટ શહેરની બાદબાકી, મળ્યો ઠેંગો! જાણો રાજકોટને શું નડી ગયું ?
ગુજરાત રાજ્યના મંત્રી મંડળનું અંતે આજે વિસ્તરણ થયું છે. સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ વધશે તેવું નિશ્ચિત જેવું હતું અને એ મુજબ સૌરાષ્ટ્રના નવ ધારાસભ્યો દાદાના મંત્રી મંડળમાં સમાવાયા. જો કે સૌરાષ્ટ્રનું પોલિટિકલ હબ અને ભાજપનો ગઢ મનાતા રાજકોટ શહેરને સાવ બાકાત રાખી દેવાયું છે. ચાર પૈકી એક પણ ધારાસભ્યનું નામ લિસ્ટમાં નહીં નીકળતા રાજકોટ શહેરનો નવા મંત્રી મંડળમાં ઠેંગો મળ્યો છે જે મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. હવે એવી આશા બંધાઈ કે દેખાઈ રહી છે કે કદાચ સંગઠન માળખામાં કોઈને સમાવેશ થઈ શકે. જો કે જે દબદબો મંત્રીનો હોય તે હોદ્દો પક્ષ પુરતો સિમિત હોવાથી રાજકોટમાં ન દેખાય.
નવા મંત્રી મંડળમાં જે રીતે સૌરાષ્ટ્રને વધુ મહત્વ અપાયું છે તેમાં ભલે રાજકોટ શહેરની બાદબાકી કરી નખાઇ પરંતુ ભાવનગર, મોરબી, અમરેલી, ગીર સોમનાથમાં કોડીનાર, જામનગર, પોરબંદરના ધારાસભ્યોને મંત્રી બનાવીને સરાઉન્ડ એરિયાને મજબૂત બનાવવાનું ગણિત ગોઠવાયું હશે. રાજકોટ શહેરનો એક વખત સંગઠનથી લઈને મંત્રી મંડળ, સત્તાસ્થાનમાં દબદબો હતો. પડ્યા બોલ ઝીલાતા હતા. રાજકોટ શહેરમાંથી કોંગે્રસ શાસન સમયે પૂર્વ રાજવી મનોહરસિંહ જાડેજા મંત્રી તરીકે પ્રતિનિધિત્વ કરતા હતા. આ જ રાજકોટ શહેરમાંથી ભાજપ પ્રદેશ પ્રમુખ વજુભાઈ વાળા હતા. વજુભાઈ વાળા નાણામંત્રી પણ રહી ચૂક્યા હતા. એ ઉપરાંત રાજકોટ શહેરના જ વિજયભાઈ રૂપાણી, ભૂપેન્દ્રભાઈ પૂર્વે મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. જ્યારે ગોવિંદભાઈ પટેલ, ઉમેશભાઈ રાજ્યગુરૂ, અરવિંદ રૈયાણી પણ રાજ્યમાં મંત્રી રહી ચૂક્યા છે. દાદાના ગત મંત્રી મંડળમાં રાજકોટનું છેલ્લું પ્રતિનિધિત્વ ભાનુબેન બાબરિયાએ કર્યું. આજે નવા વિસ્તરણમાં ભાનુબેન કપાશે તે નક્કી જ હતું અને એ મુજબ થયું પરંતુ ભાનુબેનના સ્થાને જો ફરી સ્ત્રીને જ લેવાના હશે તો સંઘ પરિવારના મનાતા રાજકોટ-69ના ધારાસભ્ય દર્શિતાબેન શાહ નવા મંત્રી બનશે અથવા તો સરકારમાં ઓબીસી મજબૂત ચહેરો અને સત્તા તથા સંગઠનમાં નજીક હોવાનું કે મનાતા એવા ઉદય કાનગડને મંત્રી બનાવાશે.
આ પણ વાંચો : Afghanistan Cricketers Killed: અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની એર સ્ટ્રાઈક, 3 અફઘાન ક્લબ ક્રિકેટરનાં મોત
જો પાટીદાર અને ખોડલધામનું પાસુ જોવાશે તો રમેશભાઈ ટીલાળાના શીરે મંત્રીનો તાજ આવશે તેવા ગણિત મુકાયા હતા. જો કે આજે લિસ્ટ જાહેર થયું તેમાં આવું કાંઈ બન્યું જ નહીં અને જેઓ કદાચ ધારણા બાંધીને બેઠા હશે તેઓને તો કાંઈ ન મળ્યું પરંતુ તેમના સમર્થકો અને સાથોસાથ રાજકોટવાસીઓને જરૂરથી આંચકો લાગ્યો હશે કે લે રાજકોટ શહેરના કોઈ ધારાસભ્યને ન સમાવાયા ? આવું કયા કારણોસર થયું તે તો ભાજપ જ અને મોવડી મંડળ જ જાણતું હશે પરંતુ હાલ તેઓની બાદબાકી અને મંત્રી મંડળમાં ઠેંગો દેખાડી દેવાયો તેવી વાત સાથે રમુજ પણ ચાલી છે.
સૌરાષ્ટ્રને વધુ વજન કેમ મળ્યું ?
સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીનો પગપેસારો અને હવે વધી રહેલા પ્રભાવ એમાય વિસાવદરમાં આપના ગોપાલ ઈટાલિયાની જીત થતાં એક તબક્કે ભાજપ માટે મજબૂત બનાતા સૌરાષ્ટ્રમાં ગાબડું પડ્યા જેવું બન્યું. આમ આદમી પાર્ટીનો વજન વધ્યો. ઈટાલિયા સહિત આપના પ્રદેશથી લઈ રાષ્ટ્રીય નેતાઓની નજરની પણ સૌરાષ્ટ્ર પર વધુ કેન્દ્રીત થઈ છે. એમાય હવે પાલિકા-મહાપાલિકાની ચૂંટણી આવી રહી છે. બોટાદમાં ખેડૂતોના પક્ષે આપે કડદા પ્રથાનો મુદ્દો ઉઠાવ્યો છે. ખેડૂતો નારાજ થાય તો પણ ભાજપને ન પરવડે. આ બધા મુદ્દાઓને ધ્યાને લઈને આ વખતના દાદાના મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રનું પ્રભુત્વ વધ્યું હોવાનું માની શકાય.
આ જ રાજકોટે ગુજરાતને બે-બે મુખ્યમંત્રી પણ આપ્યા હતા
રાજકોટ શહેરની બાદબાકી આ નવા મંત્રી મંડળમાં ભલે થઈ પરંતુ કંઈક સારું મળશે તેવું હજુ રાજકીય વિશ્લેષકોને દેખાઈ રહ્યું છે. રાજકોટ શહેરનું અત્યારે માત્ર હવે ધારાસભ્ય કદનું પ્રતિનિધિત્વ રહ્યું છે. એક સમય હતો કે આ જ રાજકોટને ગુજરાત રાજ્યના બે-બે મુખ્યમંત્રી આપ્યા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમના રાજકીય સફરમાં પ્રથમ ચૂંટણી રાજકોટ વિધાનસભા-69ની સીટ પર લડ્યા હતા. ત્યારબાદ આ જ 69ની બેઠક પરથી વિજયભાઈ રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. આમ, રાજકોટ શહેર અને એમાય વિધાનસભા-69ની સીટે રાજ્યને બે-બે મુખ્યમંત્રી આપ્યા હતા.
રાજકોટ શહેરને શું નડી ગયું ?
રાજકોટમાં એક પણ ધારાસભ્યને મંત્રી તરીકે ન લેવાતા સૌરાષ્ટ્રના પાટનગરને શું નડી ગયું તેવી ચર્ચા ચાલી છે. શું જે રીતે શાસક ભાજપમાં રાજકોટમાં આંતરિક જૂથવાદ ચાલી રહ્યો છે તે નડી ગયો ? એક પણ ધારાસભ્ય નિપુણ ન દેખાયા ? રાજકોટમાં હવે સંગઠનથી લઈ સત્તામાં ગાંધીનગર સુધી અસરકારક રહે તેવા કોઈ મજબૂત નેતાની ખામી કે આવો અવાજ ન રહ્યો ? કે પછી આ વખતે રાજકોટને આરામ આપવાનો નિર્ણય હતો ? આ બધું ક્યાંક આપ અને કોંગે્રસને બગાસુ ખાતા પતાસાની જેમ લાભ ન કરાવી જાય તે હવે જોવું રહ્યું.
