શ્રાવણ માસે “શિવમય’ સૌરાષ્ટ્ર : હર હર મહાદેવના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યા, સોમનાથ મહાદેવને વિશેષ શૃંગાર
“नमः शिवाय शान्ताय कालाग्निरुद्र । सदाशिव स्वरूपाय महादेवाय ते ।।”
આજથી રાજકોટ “શિવમય” બની જશે. સોમનાથથી નાગેશ્વર સુધી ભોળાનાથની ભક્તિમાં લીન થઈ જશે ભાવિકો. આખો મહિનો શિવ સાથે શ્રીકૃષ્ણની ભક્તિમાં ભાવિકો ભીંજાઈ જશે.આજે પ્રથમ દિવસે રાજકોટનાં શિવમંદિરોમાં “હર.. હર.. મહાદેવ” નાં જયઘોષ સાથે શ્રાવણની ભક્તિ આરાધના હિલોળે ચડી હતી.

શહેરના પ્રાચીન સ્વંયભુ રામનાથ દાદા,ઈશ્વરીયા મહાદેવ, જાગનાથ, પંચનાથ મહાદેવ સહિત આશરે ૩૦૦૦થી વધુ શિવમંદિરોમાં ભગવાન શિવને અદભુત શણગાર સાથે આખો દિવસ વિવિધ ધર્મ અનુષ્ઠાન, અભિષેક, દિપમાળા તેમજ ભક્તિ સંગીતના કાર્યક્રમો યોજાયા છે. શ્રાવણ માસના પ્રારંભથી સમગ્ર સૌરાષ્ટ્ર પ્રદેશ શિવભક્તિના રંગે રંગાઈ ગયો છે. આજે પહેલાં દિવસથી જ સોમનાથ, નાગેશ્વર અને અનેક દેવસ્થાનોમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી છે. સમગ્ર રાજ્યમાં શિવમય માહોલ છવાઈ ગયો છે.
આ પણ વાંચો : VIDEO : ઈજાગ્રસ્ત ઋષભ પંત ટિમ માટે ફરી બેટિંગ કરવા આવ્યો! એન્ટ્રી કરતા જ માનચેસ્ટરના મેદાનને ચૂમ્યું, મેદાનમાં થયો તાળીઓનો વરસાદ
સોમનાથ મહાદેવમાં દર્શનાર્થે ભક્તોની લાઇનો
પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે જાણીતા પાવન સોમનાથ મંદિરે આજે સવારથી હજારો ભક્તો દર્શન માટે ઉમટી પડયા હતા. મંદિર પરિસરમાં રુદ્રાભિષેક, ધૂન અને ભજનસંધ્યાનો આરંભ થયો. તટકાંઠે આવેલા આ મંદિર ખાતે વહેલી સવારે દરિયાની લહેરોની ગૂંજી સાથે શિવભક્તિના સૂરો ગુંજ્યા છે.શ્રાવણમાં નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે પણ ભક્તિભાવ જોવા મળ્યો. ભોળાનાથના વિશાળ રુપના દર્શન માટે ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી યાત્રાળુઓ આવતા થયા છે.
🛕🙏🏼नागेन्द्रहाराय त्रिलोचनाय, भस्माङ्गरागाय महेश्वराय ।
— Shree Somnath Temple (@Somnath_Temple) July 25, 2025
नित्याय शुद्धाय दिगम्बराय, तस्मै नकाराय नमः शिवाय ।। pic.twitter.com/v6cQcs5fqD
આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થવા પામી છે. શ્રદ્વાળુઓ મોટી સંખ્યામાં સોમનાથ મહાદેવના દર્શને પહોચ્યા છે. સોમનાથ મંદિર પરિસર હરહર મહાદેવ અને જય સોમનાથનો નાદ ગુંજ્યો હતો. સોમનાથ મંદિર દર્શન માટે સવારે 5.30 કલાકે ખોલવામાં આવ્યું હતું. સોમનાથ મહાદેવને વિશેષ શૃંગાર પણ કરવામાં આવ્યો હતો. સોમનાથ પરિસરમાં પદયાત્રા નીકળશે.
આખો મહિનો તહેવારોની હારમાળા
શ્રાવણ માસમાં સોમવારના ઉપવાસ સાથે સાતમ-આઠમ, રક્ષાબંધન અને કૃષ્ણ જન્માષ્ટમી જેવા તહેવારો ભક્તિપૂર્વક ઉજવાશે. મંદિરોમાં સંતો-સાધુઓના ઉપદેશ, યજ્ઞ અને સંગીતાત્મક ભજન રાત્રિઓનું આયોજન પણ થશે. રક્ષાબંધન, સ્વતંત્રતા પર્વ, સાતમ-આઠમ સહિત અનેક તહેવારો આવે છે. ભક્તો ઉપવાસ, રુદ્રજાપ,લઘુરુદ્ર, મહામૃત્યુંજય જાપ, રાત્રી જાગરણ તથા દંડવત યાત્રાઓ કરી રહ્યા છે. યંગ જનરેશન પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ભક્તિ સંગીત અને શિવચેતનાનો મહિમા શેર કરે છે.
