સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી : લોહપુરુષના રાજકોટ સાથેના સંભારણા, પ્રજાતંત્ર માટે થયો’તો રાજકોટ સત્યાગ્રહ
         
31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની ‘‘રાષ્ટ્રીય એકતા દિવસ’’ તરીકે સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે. અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી 31 ઓક્ટોબરની એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવના ઉજાગર કરતી ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આજે આપણે સરદાર પટેલના રાજકોટના સાથેને સંસ્મરણો યાદ કરીશું.

સરદાર વલ્લભભાઈ પટેલના રાજકોટ સાથેના સંભારણા
 દેશી રાજ્યોનું ભારત સંઘમાં વિલિનિકરણ કરીને દેશને એક બનાવનારા સરદાર વલ્લભભાઈ પટેલના રાજકોટ સાથેના સંભારણા પણ વિશિષ્ટ રહ્યા છે. વાત એમ બની કે, રાજકોટ રાજ્યના પ્રજાપ્રેમી ઠાકોર  લાખાજીરાજના અવસાન પછી તેમના પુત્ર  ધર્મેન્દ્રસિંહજી (સન 1930-40)એ ગાદી સંભાળી હતી. જો કે રાજકોટ રાજ્યનો બધો વહીવટ દીવાન દરબાર વીરાવાળા સંભાળતા હતા.
દીવાન વીરાવાળાએ પ્રજા પર અનેક કરવેરા લાદ્યા, દીવાસળી, ખાંડ, બરફ વગેરેના ઈજારા આપ્યા. રમતગમતની કાર્નિવલ કંપનીને જુગારનો પરવાનો આપીને જન્માષ્ટમીના જુગાર મેળામાંથી આવક ઊભી કરી. ખેડૂતો ઉપર અનેક કરવેરા તથા વેઠવારા લાદ્યા. જેના કારણે પ્રજામાં રોષ હતો.

ઢેબર સહિતના આગેવાનો દ્વારા ફેબ્રુઆરી-1937માં આંદોલન
એ સમયે રાજ્યની માલિકીની મિલોમાં મજૂરો પાસે અતિશય શ્રમ કરાવાતો પણ વેતન ઓછું આપી શોષણ કરાતું. જેના વિરોધમાં, સરદાર વલ્લભભાઈ પટેલના આશીર્વાદ સાથે ઉચ્છંગરાય ઢેબર સહિતના આગેવાનો દ્વારા ફેબ્રુઆરી-1937માં આંદોલન શરૂ થયું હતું. નેતાઓની ધરપકડો અને દમન વચ્ચે વીસેક દિવસ આંદોલન ચાલતા આખરે પ્રજાશક્તિ પારખીને રાજ્યે સમાધાન કર્યું હતું.

દરમિયાન કરવેરાના ભારણ સહિતના અન્યાય સામે રાજકોટ પ્રજાપ્રતિનિધિ સભાની ખુલ્લી બેઠક યોજાઈ હતી. જેમાં પ્રજાને જવાબદાર તંત્રની માગ તેમજ કરવેરા સહિતના અન્યાય સામે આંદોલન આકાર લેવા લાગ્યું. કાઠિયાવાડ રાજકીય પરિષદના મંત્રી ઉચ્છંગરાય ઢેબરે મુંબઈથી પ્રગટ થતા ગુજરાતી દૈનિક ‘જન્મભૂમિ’માં દેશી રાજ્યોમાં ચાલતા અંધેર વહીવટની કડક શબ્દોમાં ટીકા કરી. સૌરાષ્ટ્રના સત્યાગ્રહી સેનાપતિ ફૂલચંદભાઈએ કાઠિયાવાડ સત્યાગ્રહ દળની સ્થાપના કરી.
ઑગસ્ટ 1938માં રાજકોટ રાજ્યની હદમાં સભા ભરાઈ. આ સભા પર પોલીસે ધોંસ બોલાવી. ઢેબરભાઈ સહિત અનેક આગેવાનોની ધરપકડો કરવામાં આવી. પરંતુ લોકોમાં રોષ અને જુસ્સો વધ્યો.

આખું ભારત રાજકોટના લોકોની પડખે છે : સરદાર વલ્લભભાઈ પટેલ
દરમિયાન મુંબઈમાં જાહેર સભામાં સરદાર વલ્લભભાઈ પટેલે રાજકોટના આંદોલન મુદ્દે ખાતરી આપી કે આખું ભારત રાજકોટના લોકોની પડખે છે. તેમણે દેશી રાજ્યોની પ્રજાને જાગ્રત થવા અને પ્રજાને પોતાનું ખમીર બતાવી આપવા પડકાર કર્યો. જેના કારણે દરબાર વીરાવાળાએ પરિસ્થિતિ સમજીને આગેવાનોને જેલમાંથી છોડી મૂક્યા હતા.

રાજકોટમાં સરદાર વલ્લભભાઈના પ્રમુખપદે રાજ્ય પ્રજાપરિષદ યોજાઈ
સરદાર વલ્લભભાઈ પટેલ રાજકોટ પધાર્યા અને તેમના પ્રમુખપદે પાંચ સપ્ટેમ્બર, 1938ના રોજ રાજકોટ રાજ્ય પ્રજાપરિષદ યોજાઈ. જેમાં હજ્જારો લોકો જોડાયા. સરદારના ભાષણથી લોકોમાં નવી જાગૃતિ આવી. આ અધિવેશનમાં જવાબદાર રાજ્યતંત્રની માગણી કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો. આ સાથે રાજકોટ સત્યાગ્રહનો પ્રારંભ થયો.
રાજ્યના દીવાન દ્વારા એકતરફ સમાધાનના નામે ચર્ચા કરતા. બીજી તરફ સત્યાગ્રહીઓ પર દમન ગુજારી, ધરપકડોનો દોર ચાલુ રહ્યો. સામે સત્યાગ્રહીઓ દ્વારા આંદોલન, હડતાળો, સવિનય કાનૂન ભંગના કાર્યક્રમો થતા રહ્યા. આ બધા વચ્ચે સરદાર વલ્લભભાઈ અન્ય વિસ્તારોના પ્રવાસો વચ્ચે’ય રાજકોટની ચિંતા કરી માર્ગદર્શન કરતા રહેતા હતા.
ગંભીરતા પારખીને રાજકોટ રાજ્યે સરદાર વલ્લભભાઈ સાથે ડિસેમ્બર, 1938 માં સમાધાન કર્યું. તે મુજબ જવાબદાર રાજ્યતંત્ર આપવાનું તથા સરદારસૂચિત સાત નામો તથા રાજ્યનિયુક્ત ત્રણ નામોની સમિતિ બનાવીને રાજ્યનો વહીવટ ચલાવવાનું ઠરાવાયું. અંતે સત્યાગ્રહી કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. આ સમાધાનની જાહેરાત રાજ્યના ગેઝેટમાં કરવામાં આવી હતી.
આ પછી પણ દીવાન વીરાવાળાના કાવાદાવા ચાલુ રહેતા ૨૫ જાન્યુઆરી 1939 માં ફરી સત્યાગ્રહ થયો. સામે રાજ્ય તરફથી દમનના દોર ચાલુ રહ્યા. આ સમયે સત્યાગ્રહમાં ભાગ લેવા આવેલા કસ્તુરબા, સરદારના પુત્રી મણિબહેન તથા મૃદૃલા સારાભાઈને પણ ત્રંબામાં કેદ કરાયા. અત્યાચારો સામે ગાંધીજીએ રાજકોટ આવીને 4 માર્ચ, 1939 ના રોજ આમરણાન્ત ઉપવાસ શરૂ કર્યા. આખરે વાયસરોયની સૂચના મુજબ, રાજકોટનો મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો. જેનો ચુકાદો બંને પક્ષોએ માન્ય રાખવો તેનું નક્કી થતાં ગાંધીજીએ અનશન 7 માર્ચના રોજ પૂર્ણ કર્યા.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિએ પોતાનો ચુકાદો આપ્યો. તેમાં તેમણે વલ્લભભાઈના અર્થઘટનને સ્વીકાર્યું. સરદારે સૂચવેલાં નામોની યાદીમાં રાજ્યને ફેરફાર કરવાનો અધિકાર નથી એવું ચુકાદામાં સ્પષ્ટ જણાવ્યું હતું. પરંતુ એ પછી પણ સર્વસંમત સભ્યોનાં નામો અંગે મતભેદ ચાલુ રહ્યો હતો અને દીવાનના કાવાદાવા ચાલુ રહ્યા.
આખરે ગાંધીજીએ સત્યાગ્રહીઓને ચુકાદાનો મળેલો લાભ જતો કરવાનો નિર્ણય જાહેર કર્યો. આના અનુસંધાનમાં રાજકોટની વિરાટ સભાને સંબોધતાં સરદાર વલ્લભભાઈએ કહ્યું હતું કે, રાજકોટની પ્રજાએ અપૂર્વ જાગૃતિ, અદભુત સંગઠનશક્તિ, અજોડ ત્યાગ તથા અહિંસાની ભાવનાનાં કરાવેલ દર્શને માત્ર સૌરાષ્ટ્રની જ નહિ, પરંતુ ભારતની સમગ્ર પ્રજાને ઉમદા લોકલડતનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. જેનાથી જવાબદાર રાજ્યતંત્ર તેમજ સ્વરાજ્યને વધારે વખત રોકી શકાશે નહિ. જો કે પછી ટૂંક સમયમાં જ ઠાકોર ધર્મેન્દ્રસિંહજી તથા દરબાર વીરાવાળાનું અવસાન થયું હતું.
 
         
			 
		 
         
  
  
  
 
 
     
                                     
                                     
		         
		         
		        