સાળંગપુર હનુમાન મંદિર ભીંતચિત્ર વિવાદ: ૫ સપ્ટેમ્બર સુધીનું અલ્ટિમેટમ
હનુમાનજીને દાસ તરીકે દર્શાવાતા મામલો ગરમાયો
સાધુ સંતો, વિશ્વ હિન્દુ પરિષદ સહિત હનુમાન ભક્તોનો રોષ ફાટી નીકળ્યો
બોટાદ જિલ્લામાં આવેલુ સાળંગપુર હનુમાન મંદિર અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મોટુ કેન્દ્ર છે. અહીં પુરા ભારતભરમાંથી લોકો હનુમાન દાદાના દર્શને આવે છે, ત્યારે છેલ્લા કેટલાક દિવસથી સારંગપુર મંદિર ખાતે બનાવેલ હનુમાન દાદાની મૂર્તિની નીચેના ભીંતચિંતોને લઈ વિવાદ સર્જાયો છે. આ ભીંતચિંતોમાં હનુમાનજી સ્વામિનારાયણના સાધુને હાથ જોડતા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે જેના કારણે સાધુ સંતો, વિશ્વ હિન્દુ પરિષદ સહિત હનુમાન ભક્તોનો રોષ ફાટી નીકળ્યો છે અને સોશિયલ મીડિયા પર વિરોધ દર્શાવામાં આવ્યો છે
કેટલાક હિન્દુ સંગઠનોની આ મામલે બેઠક પણ મળી શકે છે, અને આ મામલે વધુ વિરોધ પ્રદર્શનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જ્યારે કેટલાક સંગઠને સારંગપુર સંસ્થાને 5 સપ્ટેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે.
આ ભીંતચિત્રોમાં એકમાં સ્વામિનારાયણ ભગવાન ઉભા છે અને હનુમાનજી તેમને પ્રણામ કરતા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય એક ભીંતચિત્રમાં એક આસન પર બેઠાં હોય તેવું પણ દેખાય છે. જ્યારે હનુમાનજી નીચે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં બેઠા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે.
કેમ રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો?
આ ભીંતચિત્રો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સાધુ સંતો સહિત હનુમાન ભક્તો એકસૂરમાં વિરોધ કરી કહી રહ્યા છે કે, ‘આ ચિત્રોમાં હનુમાનજીને સહજાનંદ સ્વામિના દાસ બતાવવમાં આવ્યા છે. હનુમાનજી રામ ભક્ત હતા, તે કોઈ સ્વામિનારાયણ ભગવાનના દાસ નથી. આ હનુમાન દાદાનું અપમાન છે, અને સ્વામિનારાયણ સંસ્થા દ્વારા જાણી જોઈ આ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.’
વિવાદ બાદ સારંગપુર મંદિર સંસ્થાએ શું કર્યું?
સાળંગપુર હનુમાન મંદિર ખાતે ભીંતચિંત્રોના વિવાદ બાદ મંદિર સંસ્થાને હનુમાનજીની 54 ફૂટની પ્રતિમા નીચે ભીંતચિંત્રો હતા ત્યાં પીળા કલરનું કપડું મુકી તે ભીંતચિંતો ઢાંકી દીધા છે, અને વિવાદને ઠંડો પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
કચ્છ ભચાઉ નજીક આવેલ કબરાઉ મોગલધામના મણિધર બાપુ એ કહ્યું, ‘તમે સનાતન ધર્મ, આખા રાષ્ટ્ર અને 33 કરોડ દેવતાનું અપમાન કરી રહ્યા છો, માફી માંગી લેજો નહીં તો ખેર નથી,
રામેશ્વર બાપુ એ પણ સારંગપુર વિવાદ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, સારંગપુર મંદિર સંસ્થાએ જડતાની સાથે હનુમાનજીને એક સામાન્ય વ્યક્તિની જેમ દર્શાવ્યા છે. આ કૃત્ય જેણે કર્યુ છે, તે જડત્વના માર્ગ પર ચાલી રહ્યાં છે.
અમદાવાદમાં લંબે નારાયણ આશ્રમના મહંત ઋષિભારતી બાપુ એ ચીમકી આપી કહ્યું છે કે, ‘સાળંગપુર સંસ્થા દ્વારા હનુમાનજીની પ્રતિમા નીચેથી ભીંતચિત્રો નહીં હટાવાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
ઈન્દ્રભારતી બાપુએ પણ સારંગપુર વિવાદ મામલે વિરોધ દર્શાવ્યો છે. તેમણે કહ્યું, આ સનાતન ધર્મનું અપમાન છે, હનુમાન દાદા ચિરંજીવી છે,
જૂનાગઢના શ્રી 1008 મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ ગીરીબાપુ એ પણ આ મામલે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું સમસ્ત સનાતન ધર્મની લાગણી દુભાવી તેવું આ કૃત્ય છે.
અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે કહ્યું કે, ‘કોઈ પણ ધર્મને ઉંચુ-નીચું દેખાડવાનું કાર્ય ન કરવું જોઈએ. સર્વધર્મ સમભાવ હોવો જોઈએ.
મહંત હરી આનંદ બાપુ એ પણ રોષ વ્યક્ત કરી નિવેદન આપ્યું કે, હનુમાનજીને સેવક તરીકે બતાવવા યોગ્ય નથી આ ઘટના નિંદનીય છે.
મોરારીબાપુ એ પણ વિવાદ બાદ વિરોધ કરતા કહ્યું કે, ‘મે પહેલા પણ આ પ્રકારની હરકતો માટે અવાજ ઉઠાવ્યો છે’. મોરારીબાપુએ કહ્યું કે, હનુમાનજીને સેવા કરતા બતાવવા એ અયોગ્ય છે, હું બોલ્યો હતો ત્યારે કોઈએ મને સાથ આપ્યો ન હતો.’
શિહોરમાં ફરિયાદ માટે અરજી
સારંગપુર મંદિર વિવાદ બાદ સનાતન ધર્મ સંવા સમિતી દ્વારા ભાવનગરના શિહોર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધવા માટે અરજી આપવામાં આવી છે. સનાતન ધર્મ સમિતીએ અરજી સાથે કેટલાક દસ્તાવેજી પુરાવા રજૂ સારંગપુર સ્વામિનારાયણ સંસ્થાના સંતો વિરુદ્ધ ફરિયાદ નોંધવા અરજી કરી છે.
ઉલ્લેખનીય છે કે, સારંગપુર હનુમાન મંદિર વડતાલ સ્વામિનારાયણ સંસ્થાન અંતર્ગત આવેલું છે. આ મામલો વધુ ગરમાતા વડતાલ સ્વામિનારાયણ ટ્રસ્ટની મિટિંગ મળવાની હતી, પણ તે છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી હતી. તો હવે ટુંક સમયમાં મીટિંગ થશે, અને આ વિવાદને કેવી રીતે શાંત કરવો તે મામલે સ્વામિનારાયણ સંતો ચર્ચા વિચારણા કરી આગળની કાર્યવાહી કરશે.