યુક્રેનમાં ભારતીય ફાર્મા કંપની પર રશિયાની મિસાઈલ હુમલો
યુક્રેનની રાજધાની કિવમાં આવેલા ભારતીય ફાર્માસ્યુટિકલ્સ કંપની કુસુમ હેલ્થકેર ના વેરહાઉસ પર રશિયાએ મિસાઈલ વડે હુમલો કર્યો હોવાનું ભારત ખાતેના યુક્રેનના દૂતાવાસે જણાવ્યું હતું.દૂતાવાસના જણાવ્યા અનુસાર ભારત સાથે ખાસ મિત્રતા હોવાનો દાવો કરનાર રશિયાએ જાણી જોઈને ભારતીય કંપનીને નિશાન બનાવી હતી. આ હુમલાને કારણે બાળકો અને વૃદ્ધો ની દવાઓ તથા વેરહાઉસ નષ્ટ થયું હોવાનો યુક્રેને આક્ષેપ કર્યો હતો.
ભારતીય ઉદ્યોગપતિ રાજીવ ગુપ્તાની માલિકીની કુસુમ હેલ્થકેર નો યુક્રેનની સૌથી મોટી ફાર્મા કંપનીઓમાં ગણના થાય છે. યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં મૂળભૂત દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આ કંપનીનું ખૂબ મોટું પ્રદાન છે.
જો કે આ ઘટના અંગે મોડે સુધી કંપની કે ભારત અને રશિયા દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નહોતી. બીજી તરફ યુક્રેન સ્થિત બ્રિટિશ રાજદૂત માર્ટિન હેરિસે પણ યુક્રેનમાં એક મોટી ફાર્માસ્યુટિકલ કંપની ઉપર રશિયા હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું. તેમણે જોકે કંપનીનું નામ જાહેર કર્યું ન હતું એ ઉપરાંત એ હુમલો મિસાઈલ વડે નહીં પણ ડ્રોન વડે થયા હોવાનું તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાહેર કર્યું હતું. તેમણે અસરગ્રસ્ત માળખાની તસવીર પણ જારી કરી હતી.
તેમણે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “આજે સવારે રશિયન ડ્રોનએ કિવમાં એક મોટી ફાર્માસ્યુટિકલ્સ વેરહાઉસને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધું, જેમાં વૃદ્ધો અને બાળકોને જરૂરી દવાઓનો સ્ટોક બળીને ખાક થઈ ગયો. યુક્રેનના નાગરિકો સામે રશિયાનું આતંકવાદી અભિયાન ચાલુ છે.”