ધો.10નાં વિદ્યાર્થીઓને 3 કીમી.સુધીમાં પરીક્ષા કેન્દ્રનો નિયમ: 5 વર્ષ પૂર્વે રાજકોટ DEOએ કરી હતી કવાયત, શિક્ષણ વિભાગને યોગ્ય લાગતાં કરાવ્યો અમલ
આવતીકાલથી બોર્ડની પરીક્ષાનો આરંભ થવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર શહેરમાં પરીક્ષાનો માહોલ છવાયો છે. આવા મહત્વપૂર્ણ સમયમાં રાજકોટ શિક્ષણ વિભાગની એક સરાહનીય કામગીરીને યાદ કરવી જરૂરી બની જાય છે.
હાલમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને તેમના ઘરથી માત્ર ત્રણ કિલોમીટરની પરિસરમાં જ પરીક્ષા કેન્દ્ર ફાળવવાની સુવિધા આપવામાં આવી રહી છે. જે પાંચ વર્ષ અગાઉ આ એક્શન પ્લાન માટે રાજકોટ જિલ્લા શિક્ષણ વિભાગે ગાંધીનગર સુધી કવાયત કરી હતી .આ નિર્ણયને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ બંનેને મોટી રાહત મળી છે. લાંબા અંતરનું સેન્ટર હોય તો વિદ્યાર્થીઓને પરીક્ષા માટે આવા જવાનો સમય બચી જાય છે.
આ વિદ્યાર્થીમિત્ર નિર્ણયનો શ્રેય રાજકોટ જિલ્લા શિક્ષણ વિભાગ અને તે સમયના જિલ્લા શિક્ષણ અધિકારી (DEO)ને જાય છે. સમયસર આયોજન અને સંકલનના કારણે હજારો વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન અનુકૂળ અને સુરક્ષિત વાતાવરણ મળી રહ્યું છે.
આ પણ વાંચો:PM મોદી ફરી આવશે ગુજરાત: 28મી ફેબ્રુઆરીએ સાણંદમાં ‘માઇક્રોન’ સેમીકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે, યુવાનોને મળશે રોજગારીની તક
અત્રે ઉલ્લેખનીય છે કે તત્કાલીન જિલ્લા શિક્ષણ અધિકારી આર.એસ. ઉપાધ્યાય અને તેમની ટીમ દ્વારા આ નિયમ અમલમાં લાવવા ગાંધીનગર સુધી સક્રિય કવાયત કરવામાં આવી હતી. તેમના દ્વારા તૈયાર કરાયેલા સુવ્યવસ્થિત માસ્ટર પ્લાનને તે સમયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તત્કાલીન શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સમર્થન આપ્યું હતું. અંતે શિક્ષણ વિભાગે આ યોજનાને લીલી ઝંડી આપતા તેનો અમલ સમગ્ર રાજ્યમાં શરૂ થયો હતો.
આ નિર્ણયને કારણે વિદ્યાર્થીઓને ઘરથી ત્રણ કિલોમીટરની આસપાસ જ પરીક્ષા કેન્દ્ર મળવા લાગ્યું. પરિણામે દૂર સુધી સેન્ટર સુધી જવાની ચિંતા ઓછી થઈ અને પરીક્ષા પૂર્વેનો માનસિક તણાવ નોંધપાત્ર રીતે ઓછો થયો છે.
જોકે, હાલ ધોરણ 12માં આ નિર્ણય સંપૂર્ણપણે અમલમાં આવ્યો નથી. જેના કારણે બારમા ધોરણના વિદ્યાર્થીઓને અમુક પેપરોમાં દૂરના કેન્દ્રો ફાળવાતા ટ્રાન્સપોર્ટેશનની સમસ્યા ઉભી થાય છે.
આ માસ્ટર પ્લાન માટે DEO સાથે શાળા સંચાલકો અને આચાર્ય સંઘએ ગ્રાઉન્ડ વર્ક કર્યું હતું:સંજય પંડ્યા
એ વાતને યાદ કરતા રાજ્ય આચાર્ય સંઘના ઉપપ્રમુખ સંજય પંડ્યાએ જણાવ્યું હતું કે, શાળા સંચાલકો, આચાર્ય સંઘ અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને એ સમયના ડી.ઇ.ઓ. ઉપાધ્યાયએ મહિનાઓ સુધી મહેનત કરી હતી અને ગાંધીનગરમાં મીટીંગો થયા બાદ આ વાત શિક્ષણ વિભાગ સમક્ષ મૂકી હતી જે પૂર્વે રાજકોટમાં માસ્ટર પ્લાન બન્યો હતો. જેના માટે અલગ અલગ ઝોન મુજબ સ્કૂલો અને વિદ્યાર્થીઓના ઘરનું લોકેશન સહિતની બાબતો પર સર્વે તૈયાર કરાયો હતો. જેના કારણે પાંચ વર્ષથી ધોરણ 10 ના પરીક્ષાથીઓને પોતાના ઘરથી નજીકનું સેન્ટર મળે છે જેના કારણે વિદ્યાર્થીઓને વાલીઓનો સમય પણ બચી જાય છે. આ માસ્ટર પ્લાન ના લીધે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને ફાયદો થયો છે જોકે હજુ ધોરણ 12 માં આ નિર્ણય નો અમલ થયો નથી.
