રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં 38 કામો માટે રૂ.25 કરોડ મંજૂર : બાંધકામનાં ટેન્ડરોનો વરસાદ
રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની એક બેઠક મળી હતી અને તેમાં 23.11 કરોડના ટેન્ડર અને 2.40 કરોડના વહીવટી કામો મળી કુલ 25.51 કરોડના 38 કામોને મંજુરી આપવામાં આવી હતી. ચેરમેન પી.જી. કયાડાના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં એકલા બાંધકામ શાખા માટે જ 21.41 કરોડના ખર્ચે રસ્તા અને અન્ય બાંધકામના કામોને મંજુરી આપવામાં આવી હતી.
બાંધકામ શાખા માટે જે કામો મંજુર કરવામાં આવ્યા હતા તેમાં એપ્રોચ રોડ, ગોંડલ , વિંછીયાઅને ભાડલા ખાતે એનીમલ હોસ્પિટલ, પાંચ સ્થળે આંગણવાડી, ધોરાજી આરામગૃહનું રીપેરીંગ, નંદઘરનું બાંધકામ, દેવકીગાલોળ ખાતે એનીમલ હસબન્ડરી સેન્ટરનું બાંધકામ, ગોંડલ તાલુકા પંચાયત ખાતે મીટીંગ હોલનું બાંધકામ, મોટી મારડ ખાતે સુખનાથ મહાદેવ મંદિર અને રાંદલ માતાના મંદિરમાં રીપેરીંગ સહિતના કામોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો :સોનમ વાંગચૂકની ધરપકડનો આધાર બતાવો : વાંગચૂકની પત્ની દ્વારા થયેલી અરજી પર સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને નોટિસ
આ બેઠકમાં આરોગ્ય વિભાગ હસ્તકના સ્ટાફ ક્વાર્ટરનાં ત્રણ જર્જરિત મકાન અને 12 જેટલા પેટા આરોગ્ય કેન્દ્રના જર્જરિત મકાનોનું ડીમોલીશન કરવા પણ મંજુરી આપવામાં આવી હતી. આ બેઠકમાં ડી.ડી.ઓ અનંદૂ સુરેશ ગોવિંદ, ડેપ્યુટી ડી.ડી.ઓ, કારોબારી સમિતિના સભ્યો અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
