નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે રૂ.૨૫,૬૪૧ કરોડ તેમજ જળસંપત્તિ પ્રભાગ માટે રૂ.૧૩,૩૬૬ કરોડની જોગવાઇ
ગાંધીનગર : ગુજરાત સરકારે રાજ્યના બજેટમાં નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે રૂ.૨૫,૬૪૧ કરોડ તેમજ જળસંપત્તિ પ્રભાગ માટે રૂ.૧૩,૩૬૬ કરોડની જોગવાઇ કરી છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા વિસ્તારો માટે રૂપિયા ૧૩૩૪ કરોડની ફાળવણી કરી હોવાનું જાહેર કર્યું હતું.
રાજ્યના નાણામંત્રીએ બજેટમાં જણાવ્યું હતુંકે, દરિયામાં વહી જતા નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના માટે રૂ.૧૩૩૪ કરોડ, સૌની યોજના માટે રૂ. ૮૧૩ કરોડ તથા કચ્છ માટેની યોજના હેતુ રૂ.૧૪૦૦ કરોડ એમ કુલ રૂ.૩૫૪૭ કરોડની જોગવાઇ કરી છે. આ ઉપરાંત હયાત સિંચાઇ માળખાના વિસ્તરણ, સુધારણા અને આધુનિકીકરણ માટે પણ રૂ.૧૫૨૨ કરોડની જોગવાઇ કરી છે.
સાથે જ ચોમાસામાં દરિયામાં વહી જતાં પાણીને રોકવા રાજ્યમાં અંદાજે ૧ લાખ ૮૭ હજાર કરતાં વધુ ચેકડેમોનાં બાંધકામ કરવામાં આવેલ છે. જેને આગળ વધારતા આગામી વર્ષે ૩૨૬ મોટા ચેકડેમો-વિયર બાંધવા રૂ.૮૩૨ કરોડ, ડેમ સેફટી માટે રૂ.૫૦૧ કરોડ, ભૂગર્ભજળ રીચાર્જ માટે જનભાગીદારીથી જળસંચય અભિયાનને વેગવંતુ બનાવવા રૂ.૧૦ કરોડની જોગવાઇ કરી સરકારે અત્યાર સુધીમાં ૨૪ લાખ હેક્ટરથી વધુ વિસ્તારને સૂક્ષ્મ સિંચાઇ હેઠળ આવરી લઈ ૧૬ લાખ ખેડૂતોને લાભ આપ્યો હોવાનું જણાવ્યું હતું.