શાહી લગ્નોમાં ધૂમ’રૂપિયા’ઉડાડયા હવે ઇન્કમટેક્સને ‘ચાંદલો’ કરજો.. લગ્નમાં રૂ.7500 કરોડની બિનહિસાબી રોકડ ઉડાવી : ITની તપાસ
આ વર્ષે શાહી લગ્નોમાં રૂપિયા ઉડાવનારાઓ હવે આવકવેરાને “ચાંદલો”કરવાં તૈયાર રહેજો, ઇન્કમટેક્સ વિભાગની નજરમાં આ ભપકાદાર લગ્નો આવ્યા છે જેમને મોટા ખર્ચા કર્યા છે અને ઇન્કમટેક્સ રિટર્નમાં દર્શાવ્યા નથી. આઈટી પાસે 7500 કરોડના બિનહિસાબી વ્યવહારો સામે આવ્યા છે જેમને આ કાળું નાણું દીકરા કે દીકરીના લગ્નમાં પાણીની જેમ વહાવી દીધા છે.
ગુજરાત સહિત દેશભરમાં આ વર્ષે લગ્ન માટેના શુભ મુહૂર્તો અઢળક આવ્યા હતા જેમાં ઘણા ઉદ્યોગપતિઓએ પોતાના સંતાનોના લગ્ન જાહોલજલાલી સાથે કર્યા હતા. છેલ્લા થોડા સમયથી ડેસ્ટિનેશન અને થીમ વેડિંગનો ટ્રેન્ડ વધ્યો છે. આ પ્રસંગો માટે ઘણા પરિવારોએ વિદેશમાં જઈ ડેસ્ટિનેશન વેડિંગ ઉજવ્યા હતા તો ઘણા લોકોએ ચાર્ટર્ડ ફ્લાઇટસ બુક કરાવી હતી.
મળતી વિગતો મુજબ, હાલમાં દેશના અનેક રાજ્યોમાં ટોચના વેડિંગ પ્લાનર પાસેથી લગ્ન પ્રસંગના ખર્ચાની માહિતીઓ એકત્ર કરવામાં આવી રહી છે જેના આધારે આવકવેરા વિભાગ મહેમાનોની સંખ્યા અને જેટલી ઉજવાયેલી ઇવેન્ટ ના આધારે ખર્ચા ની તુલના કરશે આ ઉપરાંત ઇવેન્ટ સાથે સંકળાયેલા અનેક વ્યવસ્થાયકારો જેમ કે કેટરિંગ, બ્યુટી પાર્લર અને હોટેલ રિસોર્ટના સંચાલકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આઈટી દ્વારા ગુપ્ત રહે ચાલી રહેલી તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આવા અનેક લોકોએ લગ્ન માટે ખર્ચો કર્યો છે તે રકમનો રેકોર્ડ નષ્ટ કરી દીધો છે,આથી હવે આઈ ટી ના ચબરાક અધિકારીઓ વેડિંગ ઇવેન્ટ સાથે સંકળાયેલા તમામ લોકોની ઇન્કવાયરી કરી રહ્યું છે.
ઇન્કમટેક્સના અધિકારીઓને પણ અચંબીત કરી દે તેવી વિગતો સામે આવી હતી જેમાં લગ્નના આયોજકોએ ઇવેન્ટ કંપનીઓને ચૂકવેલી રોકડના બિલ અન્યના નામ સાથે લીધા હતા. આઈ ટી એ આ તપાસમાં જીએસટી ને પણ સામેલ કરી છે જેમાં ઘણા હોટલો અને રિસોર્ટ જીએસટી નંબર ધરાવતા હોવાથી તેઓ બિલ પણ અયોગ્ય ઇનપુટ ટેકસ ક્રેડિટ નો દાવો કરે છે.