79 કરોડના ખર્ચે રાજકોટના છ વોર્ડના રસ્તા રિપેર-પહોળા કરાશે : સાંસદ, MLA, કોર્પોરેટરની ગ્રાન્ટનો કરાશે ઉપયોગ
આખા રાજકોટમાં પીવાના પાણી માટેની ડીઆઈ પાઈપલાઈન બીછાવવા માટે ખોદકામ કરી નાખવામાં આવ્યા બાદ હવે રસ્તા સમથળ કરવા તેમજ પહોળા કરવા સહિતના કામ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવા માટે મહાપાલિકા દ્વારા તૈયારી કરી લેવામાં આવી છે. ચોમાસું બેસી જતાં અત્યારે મહદ અંશે ખોદકામ અટકાવી દેવામાં આવ્યું છે. જો કે ખોદકામને બૂરવા માટે અત્યારથી તૈયારીઓ આરંભી દઈ ટેન્ડર પ્રક્રિયા સહિતની કાર્યવાહી શરૂ કરાઈ છે. ઈસ્ટ ઝોન હેઠળ સમાવિષ્ટ છ વોર્ડના રસ્તા રિપેરિંગ તેમજ પહોળા કરવા માટે 79 કરોડનો જંગી ખર્ચ કરવામાં આવનાર હોવાનું અને આ કામ માટેનું ટેન્ડર પણ પ્રસિદ્ધ કરાયું છે.

ઈસ્ટ ઝોન કે જે સેન્ટ્રલ અને વેસ્ટ ઝોનની તુલનાએ વિકાસમાં ઘણો પાછળ છે જેના કારણે અહીંના રસ્તાની હાલત અત્યંત ભંગાર જેવી થઈ જવા પામી છે. બીજી બાજુ ડીઆઈ અને ડ્રેનેજ લાઈન પાથરવાના કામને કારણે વોર્ડ નં.4,5,6,15,16 અને 18ના લગભગ દરેક રસ્તા ખોદી નાખવામાં આવ્યા હોય હવે તેને બૂરવામાં આવતો તે રસ્તો લાંબા સમય સુધી ટકી શકે તેવી સ્થિતિ ન હોવાને કારણે નવેસરથી જ રોડ બનાવવામાં આવશે. આ ઉપરાંત અમુક શેરીઓ બંધ હોય તેને પણ મુખ્ય રસ્તા સાથે જોડવા તેમજ અનેક રસ્તા પહોળા કરવા માટે આટલો ખર્ચ કરવામાં આવશે.
આ પણ વાંચો : સોલાર વોટર હીટિંગ સિસ્ટમમાં ISI માર્ક વાળી ટેન્ક ફરજીયાત : રાજકોટ જિલ્લાના 80 ઉત્પાદકોને અપાઈ ISI માર્કો લેવા માટેની પ્રક્રિયાની સમજ
આ માટે સાંસદ, ધારાસભ્ય, કોર્પોરેટર ઉપર જનભાગીદારી માટે મળતી ગ્રાન્ટ સહિતનો ઉપયોગ કરવામાં આવશે. ઉપરોક્ત 79 કરોડની રકમ જીએસટી સાથે હોવાનું ઈજનેરે જણાવ્યું હતું.