મેયરના સહિત રાજકોટમાં છ વોર્ડના રસ્તા 74 કરોડના ખર્ચે નવા બનશે : એજન્સી 5.76% ‘ડાઉન’ ભાવે કામ કરવા તૈયાર
આ વર્ષે જોઈએ તે પ્રમાણે અને પ્રકારે રાજકોટમાં વરસાદ વરસ્યો નથી આમ છતાં દરેક વોર્ડના રસ્તાની હાલત બદથી બદતર થઈ જવા પામી છે. હવે મેઘરાજા વિરામ લેવાની તૈયારીમાં છે ત્યારે મહાપાલિકા દ્વારા દિવાળી સુધીમાં દરેક વોર્ડના રસ્તા ટનાટન થઈ જાય તે માટે દોડધામ કરી રહી હોય સૌથી પહેલાં મેયરના વોર્ડ સહિત છ વોર્ડના રસ્તાને 74 કરોડના ખર્ચે વ્યવસ્થિત કરવા માટેની દરખાસ્ત પર સોમવારે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવશે.
વોર્ડ નં.4,5,6,15,16 અને 18 એમ છ વોર્ડના રસ્તા રિપેર કરવા, નવા બનાવવા સહિતનું કામ આપવા માટે મહાપાલિકા દ્વારા ટેન્ડર કરવામાં આવ્યું હતું જેમાં પાંચ એજન્સીએ ભાગ લીધો હતો. આ માટે તંત્રએ 78 કરોડના ખર્ચનો અંદાજ મુક્યો હતો જેની સામે મારૂતિનંદન ક્નસ્ટ્રક્શને 5.76% ડાઉન મતલબ કે ઓછા ભાવે કામ કરવા તૈયારી દર્શાવતા 74.03 કરોડના ખર્ચે આ કામ તેને આપવા માટે દરખાસ્ત કરવામાં આવી છે.
વોર્ડ નં.14માં વિક્રમ સારાભાઈ પ્રાથમિક શાળાને નવી બનાવાશે
વોર્ડ નં.14માં આવેલી શાળા નં.51 કે જેને વિક્રમ સારાભાઈ પ્રાથમિક શાળા નામ આપવામાં આવ્યું છે તેને હવે તોડી પાડી તેના સ્થાને નવી આધુનિક મોડેલ સ્કૂલ બનાવવા માટે નિર્ણય લેવાયા બાદ આ કામ આર.કે.ક્નસ્ટ્રક્શન દ્વારા 4.36%ના ઓછા ભાવે કરવા તૈયારી દર્શાવતા 3.10 કરોડના ખર્ચના અંદાજનું આ કામ હવે 2.97 કરોડમાં કરાવવા દરખાસ્ત કરાઈ છે. આ શાળા 966 ચોરસમીટર વિસ્તારમાં નિર્માણ પામશે જેમાં ગ્રાઉન્ડ+ફર્સ્ટ ફ્લોર પર પ્રિન્સીપાલ રૂમ, ટીચર્સરૂમ તેમજ ક્લાસરૂમ મળી 13 રૂમ ઉપરાંત મધ્યાહન ભોજન શેડ સહિતની સુવિધાનો સમાવેશ થાય છે.