રાજકોટમાં ડીઆઈ પાઈપલાઈન બિછાવવા રસ્તા ખોદી નાખ્યા, હવે 9 કરોડના ખર્ચે બૂરાશે, સ્ટેન્ડિંગની બેઠકમાં દરખાસ્ત મંજૂર
રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં આજે 81કરોડના વિકાસકામ મંજૂર કરવામાં આવ્યા હતા. રાજકોટ મહાપાલિકા દ્વારા લોકોને પીવાનું પાણી પૂરતી માત્રામાં અને પૂરતા ફોર્સથી મળી રહે તે માટે આખા શહેરમાં ડીઆઈ પાઈપ લાઈન બિછાવવામાં આવી રહી છે. આ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રસ્તા ખોદવામાં આવ્યા હતા અને પાઈપ લાઈન બિછાવીને કામ પૂરું થયા બાદ હવે ખાડા બૂરી નવો રસ્તા બનાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત આવી હતી જેના પર મંજૂરીની મોહર લગાવી દેવામાં આવી છે.
ઈસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.4,5,6,15,16 અને 18માં નવી બનતી જુદી જુદી સોસાયટીના રસ્તા ઉપરાંત યુટિલિટી રોડ રિસ્ટોરેશન અને ટાઉન પ્લાનિંગ રોડમાં મેટલિંગ કરવા ઉપરાંત અમૃત 2.0 યોજના અંતર્ગત ડીઆઈ પાઈપલાઈન તેમજ ડ્રેનેજ પાઈપ લાઈન નેટવર્કના નવા તેમજ અપગે્રડેશનના કામ ચાલી રહ્યા હોય તે પૂર્ણ થયા બાદ રસ્તાઓનું રિસ્ટોરેશન તેમજ મેટલિંગની કામગીરી કરવા માટે મહાપાલિકાએ 11.25 કરોડના ખર્ચનો અંદાજ વ્યક્ત કરી ટેન્ડર પ્રસિદ્ધ કર્યું હતું.
આ પણ વાંચો :રાજકોટના મંગળા રોડ પર ફાયરિંગનો મામલો : ‘પેંડા ગેંગ’ 10 દિવસના રિમાન્ડ પર,’સીટ’ A ટુ Z માહિતી કઢાવી જેલમાં ધકેલશે
આ પછી પાંચેક પ્રયત્ન કર્યા બાદ આખરે એક એજન્સી પવન ક્નસ્ટ્રક્શન કંપનીએ કુલ ખર્ચના 10.80% ઓછા ભાવે કામ કરવા તૈયારી દર્શાવી હતી આમ છતાં ટેન્ડર મૂલ્યાંકન સમિતિ દ્વારા પવન ક્નસ્ટ્રક્શન કંપની સાથે બેઠક કરી વાટાઘાટ કરવામાં આવતા કંપનીએ 14.04% ઓછા ભાવે કામ કરવા તૈયારી દર્શાવતા હવે આ કામ 9.66 કરોડમાં કરવામાં આવશે.
