રાજકોટમાં રસ્તા રિપેરિંગનું કામ ઠપ્પઃ આજથી શરૂ થવાનું હતું, ઝરમરિયા વરસાદને કારણે પેચવર્ક સહિતની કામગીરી પણ બંધ
રાજકોટમાં અન્ય શહેર-જિલ્લાની માફક સૂપડાધારે વરસાદ વરસ્યો નથી પરંતુ ઝરમરિયો વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે મહત્તમ રસ્તાઓ ભીના થઈ જવાને કારણે ચોમાસાએ હજુ સત્તાવાર વિદાય લીધી નથી તેવું લાગ્યા વગર રહેતું નથી. આ બધાની વચ્ચે આજથી મતલબ કે એક ઑક્ટોબરથી શહેરના દરેક મુખ્ય રસ્તા ઉપરાંત શેરી-ગલીમાં તૂટી-ભાંગી ગયેલા રસ્તાઓ રિપેરિંગ કરવા માટેનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો પરંતુ તેનો અમલ થાય તે પહેલાં જ વરસાદ નડી જવાને કારણે બે્રક લાગી જતા હજુ લોકોએ હાલાકી વેઠવી પડશે.
આ અંગે ઈજનેરી સૂત્રોએ જણાવ્યું કે એક ઑક્ટોબરથી શહેરના દરેક રસ્તા `પહેલાં જેવા’ કરવા માટેનો એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો હતો. આ માટે ત્રણેય ઝોન માટે 136 કરોડ રૂપિયાના ખર્ચની પણ જોગવાઈ કરીને કામ આપી દેવાયું હતું પરંતુ રવિવારથી ફરી વરસાદી માહોલ છવાઈ જતાં આજથી કામગીરી શરૂ થઈ શકે તેમ લાગતું નથી.
બીજી બાજુ રવિવારથી જ પેચવર્ક મતલબ કે ખાડા પર થીગડા મારવાનું કામ પણ બંધ કરી દેવાયું છે કેમ કે જેવું થીગડું લાગે એટલે વરસાદ વરસી જતાં તે થીગડું ટકી શકતું નથી. એકંદરે હવે સંપૂર્ણ ઉઘાડ નીકળી જાય તેની રાહ જોવાશે અને ત્યારબાદ જ આગળ કામ શરૂ થઈ શકશે.
