નામ RMCનું, દામ પ્રાઈવેટના : ખાનગી જીમને ખટાવવા મહાપાલિકાનો ખેલ ! ફી સાંભળીને તમે પણ ચોંકી જશો
એક બાજુ રાજકોટ મહાપાલિકા દ્વારા રમત-ગમતને પ્રોત્સાહન આપવા માટે સ્પોર્ટસ કોમ્પલેક્સ, ગેઈમ ઝોન સહિતની વ્યવસ્થા ઉભી કરી રહી છે પરંતુ બીજી બાજુ આ જ બધાનું સંચાલન ખાનગી હાથમાં સોંપીને તગડી ફી વસૂલવા માટે દરવાજા પણ મોકળા કરી રહી હોય તેવું લોકોને લાગ્યા વગર રહેતું નથી. આવું જ કંઈક હવે જીમ માટે પણ થઈ રહ્યું છે.
તંત્ર દ્વારા પેડક રોડ સ્વિમિંગ પુલ પાસે આવેલું જીમ તેમજ કાલાવડ રોડ પર મહાપાલિકા હસ્તકના સ્વિમિંગ પુલ પાસે તૈયાર કરાયેલું જીમ હવે ખાનગી જીમ અથવા એજન્સીને સોંપી દેવા માટેનો તખ્તો તૈયાર કરી લેવામાં આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે મહાપાલિકા હસ્તકના એક પણ જીમમાં ન હોય તેટલી ફી આ બન્ને જીમમાં વસૂલવાની છૂટ પણ આપવામાં આવશે ! આ માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં બન્ને જીમમાં 1000 રૂપિયાથી 3000 રૂપિયા સુધીની ફીનો પરવાનો સંચાલકને અપાશે.
આ પણ વાંચો : 20 દિવસમાં ઇન્કમટેક્સ રિટર્નની ડેડલાઈન : 40% રિટર્ન ભરવાનાં હજુ બાકી, મુદત વધારવા માગ
આ બન્ને જીમનું સંચાલન પાંચ વર્ષ માટે સોંપવામાં આવશે અને પ્રત્યેક જીમના વર્ષે 2.40 લાખ રૂપિયા વસૂલાશે. એકંદરે બન્ને જીમ ભાડે આપ્યા બાદ તંત્રને વર્ષે માત્ર 4.80 લાખ રૂપિયાનો ખર્ચ થશે. આ રીતે જોવા જઈએ તો પ્રત્યેક જીમ દીઠ સંચાલકે મહાપાલિકાને દરરોજ લગભગ છસો અઠાવન રૂપિયા ભાડું ચૂકવવાનું રહેશે જેની સામે તેને પ્રત્યેક મેમ્બર દીઠ 1000 થી 3000 રૂપિયા વસૂલવા દેવામાં આવશે.
જો જીમમાં આવનાર કોઈ સભ્ય જનરલ બેન્ચમાં કસરત કરવા ઈચ્છે તો તેની પાસેથી એક હજાર અને પર્સનલ ટ્રેનર રાખીને ક્સરત કરવા ઈચ્છે તો 3000 રૂપિયા વસૂલવા દેવામાં આવશે. ખાસ વાત એ છે કે જીમમાં મહત્તમ કેટલા સભ્યોને એન્ટ્રી અપાશે તેનો સ્પષ્ટ ઉલ્લેખ ટેન્ડરમાં કરાયો નથી એટલા માટે ખર્ચ કાઢયા બાદ નફો રળવા માટે સંચાલક દ્વારા મોટાપાયે એન્ટ્રી અપાઈ શકે તેવી પણ શક્યતા રહેલી છે.
આ જીમ સવારે પાંચથી રાત્રે દસ વાગ્યા સુધી ચાલું રહેશે. એકંદરે મહાપાલિકા આ જીમ માટે માત્ર જગ્યા જ ભાડે આપશે. જ્યારે સંચાલકે મહાપાલિકા કહે તે ત્રણ પૈકીની એક કંપની પાસેથી જીમના સાધનો ખરીદવાના રહેશે. અત્રે મહત્ત્વનો પ્રશ્ન એ જ છે કે જો મહાપાલિકા દ્વારા આટલી તોતિંગ ફી વસૂલવાની છૂટ આપવામાં આવશે તો પછી સાધારણ પરિવારના લોકો કસરતનો લાભ કેવી રીતે લેશે અને આટલી ફી તો પ્રાઈવેટ જીમમાં પણ વસૂલવામાં આવતી હોવાથી મહાપાલિકાના જીમમાં લોકો પરસેવો પાડવા શા માટે આવશે?
જીમમાં કયા કયા સાધનો મુકાશે
મહિલા જીમ માટે
ઓલિમ્પિક બારબેલ, ટ્રેડ મીલ, સ્પિન બાઈક, ફંક્શનલ ટ્રેનર મશીન, અઢી કિલો ડમ્બેલ, પાંચ કિલો ડમ્બેલ, 7.5 કિલો ડમ્બેલ, ક્રોસ ટ્રેનર, હીપ અબડક્શન મશીન, પેક-ડેક ફ્લાય મશીન, લેગ એક્સ્ટેન્શન એન્ડ લેગ કર્લ, બેટલ રોપ્સ, મલ્ટી એડજસ્ટેબલ બેન્ચ
પુરુષ જીમ માટે
હેક સ્વોટ એન્ડ 45 લેપ પ્રેસ કોમ્બો મશીન, ફંક્શનલ ટ્રેનર મશીન, ડેડ લીફ્ટ શ્રગ મશીન, મલ્ટી એડજસ્ટેબલ બેન્ચ, ઓલિમ્પિક બારબેલ, સ્મિથ મશીન, લેટ પુલ ડાઉન મશીન, સ્પિન બાઈક, લેગ એક્સ્ટેન્શન એન્ડ લેગ કર્લ, પેક ડેક ફ્લાય મશીન, શોલ્ડર પ્રેસ મશીન, પ્રીચર કર્લ મશીન, 5.7 કિલો, પાંચ કિલો, દસ કિલો, 12.5 કિલો, 15 કિલો, 17.5 કિલો અને 20 કિલોના ડમ્બેલ, કેબલ ક્રોસ ઓવર
