દર ત્રણ મહિને રિવ્યુ, મારા નહીં સારા હશે એ ક્રાઈમ બ્રાન્ચમાં રહેશે : નવનિયુક્ત DCP ક્રાઈમ જગદીશ બાંગરવા
તાજેતરમાં જ સરકાર દ્વારા ગુજરાતના 116 આઈપીએસ અધિકારીઓની બદલીના હુકમ કરવામાં આવ્યા હતા જેમાં રાજકોટના ઝોન-2 DCP જગદીશ બાંગરવાને શહેર પોલીસ વિભાગની અત્યંત મહત્ત્વની પોસ્ટ એવી DCP ક્રાઈમ તરીકે મુકાયા બાદ તેમણે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો હતો. ચાર્જ સંભાળતાની સાથે જ તેમણે ક્રાઈમ બ્રાન્ચ એસીપી, તમામ પીઆઈ, પીએસઆઈ તેમજ સ્ટાફ સાથે મુલાકાત કર્યા બાદ સ્પષ્ટતાપૂર્વક જણાવ્યું હતું કે ક્રાઈમ બ્રાન્ચમાં કાર્યરત તમામ સ્ટાફની કામગીરીનું દર ત્રણ મહિને મૂલ્યાંકન કરવામાં આવશે અને તેના આધારે જ તેને ક્રાઈમ બ્રાન્ચમાં રાખવા કે નહીં તેનો નિર્ણય લેવાશે.

એકંદરે ક્રાઈમ બ્રાન્ચમાં હવે મારા નહીં બલકે સારા હશે એ જ અકબંધ રહેશે તેવો મેસેજ પણ નવનિયુક્ત DCPએ આપી દીધો હતો. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ક્રાઈમ બ્રાન્ચનો કોઈ પણ સ્ટાફ પછી તે ગમે તે રેન્કના હોય તેની ડિસિપ્લીન સાથે બાંધછોડ કરવામાં આવશે નહીં. ક્રાઈમ બ્રાન્ચની કચેરીમાં કોઈ પણ અરજદાર આવે તેને ધ્યાનપૂર્વક સાંભળવા જ પડશે. સાથે સાથે સિનિયર અધિકારીઓનું માન ઘવાય અથવા તેમણે નીચાજોણું થાય તેવી પ્રવૃત્તિથી દૂર જ રહેવું જરૂરી છે.

કોઈ પણ બનાવ બને એટલે સ્થાનિક પોલીસ કરતા ક્રાઈમ બ્રાન્ચ પહેલાં પહોંચી જાય તેવો પ્રયત્ન કરવા પણ DCP ક્રાઈમે સ્ટાફને આહ્વાન કર્યું હતું. ચાર્જ સંભાળ્યા બાદ તેમણે તમામ સ્ટાફ સાથે વન ટુ વન વાતચીત કરી હતી સાથે સાથે પાછલા ત્રણ વર્ષ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે કરેલી કામગીરીનો ચિતાર પણ મેળવ્યો હતો અને સ્ટાફમાં કોણ કઈ વાતમાં પાવરધું છે તે પણ જાણ્યું હતું. એકંદરે હાલની ટીમથી DCPએ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ વેળાએ એસીપી ક્રાઈમ બી.બી.બસીયા, એસીપી સાયબર ક્રાઈમ (ઈન્ચાર્જ) ચિંતન પટેલ, ડીસીબી પીઆઈ એમ.આર.ગોંડલિયા, એમ.એલ. ડામોર, સી.એચ.જાદવ, ઈઓડબલ્યુ પીઆઈ કે. જે.કરપડા ઉપરાંત તમામ પીએસઆઈ તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

