GST માળખામાં ફેરફારને કારણે આવકમાં 40 હજાર કરોડનું ગાબડું : ઓનલાઇન ગેમિંગ બંધ થતાં વધુ 20 હજાર કરોડનું નુકસાન
ભારત સરકાર દ્વારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) માળખામાં મોટા ફેરફારની તૈયારી ચાલી રહી છે, જે દશેરા સુધીમાં અમલમાં આવે તેવી શક્યતા છે. આ નવા માળખામાં GSTની દરોને સરળ બનાવવા માટે બે સ્તરની રચના લાગુ કરવાની યોજના છે, જેમાં 5% અને 18%ના દરોનો સમાવેશ થશે. આ ઉપરાંત, તમાકુ અને દારૂ જેવા ‘સિન ગુડ્સ’ પર 40%નો ઊંચો દર લાગુ કરવામાં આવશે. આ પગલાંથી GST વ્યવસ્થા વધુ સરળ બનશે, પરંતુ તેનાથી કેન્દ્ર અને રાજ્ય સરકારોની આવક પર નોંધપાત્ર અસર થવાની શક્યતા છે.
આ પણ વાંચો :લકઝરી કાર, મોટા ઘર સહિત આ વસ્તુઓ પર લાગી શકે છે 40% GST : જાણો શું થઈ શકે છે ફેરફાર
ફાઈનાન્સ મિનિસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નવા GST માળખાને કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારોને લગભગ 40,000 કરોડ રૂપિયાની આવકનું નુકસાન થઈ શકે છે. GST સેક્રેટેરિયેટના અધિકારીઓની ફિટમેન્ટ કમિટીએ આ અંદાજિત ખોટની વિગતો તૈયાર કરી છે, જેનો બોજ કેન્દ્ર અને રાજ્યો બંનેએ ઉઠાવવો પડશે.
આ પણ વાંચો : જમ્મુ અને કાશ્મીર: વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલન : 5 શ્રદ્ધાળુઓના મોત, 14 ઘાયલ : વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત
આ ઉપરાંત, સરકારે તાજેતરમાં ઓનલાઇન ગેમિગ પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે, જેના પરિણામે GST અને ટીડીએસના સ્વરૂપમાં લગભગ 20,000 કરોડ રૂપિયાની વધારાની આવક ગુમાવવી પડશે. આ બંને પરિબળોને કારણે સરકારની નાણાકીય સ્થિતિ પર નોંધપાત્ર અસર થશે. નિષ્ણાતોનું માનવું છે કે GST દરોની સરળીકરણની આ નીતિ લાંબા ગાળે વેપાર અને ઉદ્યોગો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, પરંતુ ટૂંકા ગાળામાં આવકની ખોટને પહોંચી વળવા માટે સરકારે અન્ય નાણાકીય વ્યવસ્થાઓ કરવી પડશે.